<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th November 2024

અમારી સિસ્ટમ બરબાદ થઈ ગઈ છે... ઈમિગ્રેશન પોલિસીમાં મોટી ભૂલ : જસ્ટિન ટ્રુડોએ પોતાની ભૂલ સ્વીકારી : જુઓ વીડિયો

નેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ઇમિગ્રેશન નીતિમાં થયેલી ભૂલોને સ્વીકારતા કહ્યું હતું કે તેમની સરકારે નકલી કોલેજો અને મોટી કંપનીઓ દ્વારા ગેરલાભ લેવાતી છટકબારીઓની અવગણના કરી હતી

ઓટાવા : કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તેમની ઇમિગ્રેશન નીતિમાં ક્ષતિઓને સ્વીકારતા કહ્યું હતું કે તેમની સરકારે નકલી કોલેજો અને મોટી કંપનીઓ દ્વારા લાભ લેવામાં આવતી છીંડાઓને અવગણી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રુડો આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષના હુમલા હેઠળ છે અને તેમની લોકપ્રિયતા ઘટી રહી છે.

જસ્ટિન ટ્રુડોએ તેમની યુટ્યુબ ચેનલ પર જાહેર કરેલા એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, "છેલ્લા બે વર્ષમાં આપણી વસ્તી એટલી ઝડપથી વધી છે કે ઈમિગ્રેશન સિસ્ટમ બરબાદ થઈ ગઈ છે." આ સ્થિતિ સુધારવા માટે સરકારે આગામી ત્રણ વર્ષ માટે કેનેડામાં આવનારા ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.

કેનેડાની ઇમિગ્રેશન નીતિનો ઉદ્દેશ્ય દેશમાં વસ્તી અને કર્મચારીઓને વેગ આપવાનો હતો. પરંતુ તેની ખામીઓએ નકલી કોલેજો અને કંપનીઓને તેમના ફાયદા માટે આ સિસ્ટમનો દુરુપયોગ કરવાની તક આપી.

ઘણા વિદેશી વિદ્યાર્થીઓ આવી કોલેજોમાં એડમિશન લે છે જે માત્ર કાગળ પર હોય છે. આ સંસ્થાઓ વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલે છે પરંતુ શિક્ષણના નામે ખાસ કંઈ આપતી નથી.

કંપનીઓએ આ નીતિનો ઉપયોગ વિદેશી કામદારોને સસ્તા ભાવે રાખવા માટે કર્યો હતો, જેના કારણે સ્થાનિક કેનેડિયન નાગરિકોને રોજગારીની ઓછી તકો મળી હતી.

2025 સુધીમાં, કાયમી રહેવાસીઓની સંખ્યા 4,85,000 થી ઘટીને 3,95,000 થઈ જશે. 2025-26 સુધીમાં, વિદેશી વિદ્યાર્થીઓ અને કામદારોની સંખ્યા 2023 માં લગભગ 8,00,000 થી ઘટીને 4,46,000 થશે. 2027 સુધીમાં ફક્ત 17,400 બિન-કાયમી રહેવાસીઓને સ્વીકારવામાં આવશે.

કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓનો સૌથી મોટો સ્ત્રોત ભારત છે. હાલમાં 4,27,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. નવી નીતિના કારણે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં શિક્ષણ અને રોજગારીની તકો ઘટી શકે છે.

વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ ટ્રુડો સરકાર પર કેનેડિયન નાગરિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા ન આપવાનો આરોપ લગાવ્યો છે. હાઉસિંગ કટોકટી, ફુગાવો અને આરોગ્ય સેવાઓમાં નિષ્ફળતા સરકારની નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે.

 

(6:07 PM IST)