<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

શાળામાં લેટ આવેલી ૧૮ વિદ્યાર્થિનીઓના વાળ કાપી નાખ્‍યા : આખો દિવસ તડકામાં ઊભા રાખ્‍યા

આંધ્રપ્રદેશમાં મહિલા શિક્ષકની હેવાનિયત

હૈદ્રાબાદ, તા.૧૯: આંધ્રપ્રદેશમાંથી શરમજનક કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક સ્‍કૂલમાં અમુક વિદ્યાર્થીઓ શાળામાં મોડા આવ્‍યા હતા. આ વાતથી ગુસ્‍સે થયેલા મહિલા ટીચરે તેમને કલાકો સુધી તડકામાં ઊભા રાખ્‍યા. તેનાથી પણ મન ભરાયું તો તેમણે ૧૮ છોકરીઓના વાળ કાપી નાખ્‍યા. જાણકારી અનુસાર, આ ઘટના આંધ્ર પ્રદેશના અલ્લૂરી સીતારામરાજુ જિલ્લાના આવાસીય બાલિકા માધ્‍યમિક વિદ્યાલયની છે.

સ્‍કૂલમાં આજે સવારે અસેમ્‍બલી ચાલી રહી હતી, આ દરમ્‍યાન લગભગ દોઢ ડઝન બાળકો મોડા આવ્‍યા હતા. મહિલા ટીચર પ્રસન્નાએ તેમને અસેમ્‍બલીમાંથી બહાર ઊભા રાખ્‍યા. આરોપ છે કે, આ બાળકો અસેમ્‍બલી ખતમ થયા બાદ પોતપોતાના ક્‍લાસમાં જતા રહ્યા, પણ લેટ આવેલા લગભગ ૧૮ છાત્રાઓને પ્રસન્નાએ સ્‍કૂલના ગ્રાઉન્‍ડમાં ઊભા રાખ્‍યા.

ઘરે પહોંચીને વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓ સમક્ષ પોતાની આપવીતી જણાવી. આ વાતથી ગુસ્‍સે થયેલા વાલીઓ શાળાએ પહોંચ્‍યા. પરિવારનો આરોપ છે કે, મહિલા ટીચરે છાત્રો સાથે મારપીટ પણ કરી છે. તેમને કલાકો સુધી તડકામાં ઊભા રાખ્‍યા, જેનાથી તેઓ આઘાતમાં છે. વાળ કાપ્‍યા હોવાના કારણે ઘરમાંથી બહાર નીકળતા પણ શરમ અનુભવે છે.

અલ્લૂરી સીતારામરાજુ જિલ્લા શિક્ષણ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્‍યા છે. સ્‍કૂલ પ્રિન્‍સિપાલ આ મામલે તપાસ કરી રહ્યા છે. તો વળી પોલીસે આ મામલામાં પરિવારના નિવેદન નોંધી લીધા છે. કાઉન્‍સેલર છાત્રાઓ સાથે વાત કરી રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. અત્‍યાર સુધીની તપાસમાં સામે આવ્‍યું છે કે પ્રસન્ના ટીચરે છાત્રાઓ લેટ આવ્‍યા તેનાથી નારાજ હતા અને તેમને શિસ્‍ત અને સબક શીખવાડવા માટે તેમના વાળ કાપ્‍યા છે.

(10:12 AM IST)