<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

બાબા સિદ્દીકી હત્યા કેસમાં પેટલાદના શખ્સની અકોલાથી અટકાયત: બિશ્નોઈ ગેંગ સાથે યુવકની સંડોવણીની આશંકા

આરોપી સલમાન ઈકબાલભાઈ વોરા આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી:સ્થાનિક પોલીસની મદદથી અકોલાના બાલાપુરથી તેની ધરપકડ : બેન્ક ખાતું ખોલાવી આર્થિક મદદ કરી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બાબા સિદ્દીક હત્યા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. તેની અકોલામાંથી ધરપકડ કરવામાં આવી છે. તે ગુજરાતનો રહેવાસી છે. બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરી છે. એક દિવસ પહેલા પંજાબના ફાઝિલ્કામાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લાવવામાં આવ્યો હતો.

PTI ના અહેવાલ મુજબ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું કે, ધરપકડ કરાયેલ આરોપી સલમાન ઈકબાલભાઈ વોરા ગુજરાતના આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે. સ્થાનિક પોલીસની મદદથી અકોલાના બાલાપુરથી તેની ધરપકડ કરવામાં આવી છે. બાબા સિદ્દિકીની 12 ઓક્ટોબરે તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, ઈકબાલ વોરાએ આ વર્ષે મે મહિનામાં બેંક ખાતું ખોલાવ્યું હતું અને નરેશ કુમાર સિંહ, રૂપેશ મોહોલ અને હરીશ કુમારને આર્થિક મદદ કરી હતી. નરેશ કુમાર આરોપી ગુરમેલ સિંહનો ભાઈ છે. તેણે અન્ય આરોપીઓને પણ મદદ કરી હતી.

હરિયાણાના રહેવાસી ગુરમેલ સિંહ અને યુપી નિવાસી ધરમરાજ કશ્યપની હુમલા બાદ તરત જ સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે હાલમાં જ ત્રીજા મુખ્ય આરોપી શિવકુમાર ગૌતમની બહરાઈચ જિલ્લામાંથી ધરપકડ કરી છે, જેણે પોલીસ સાથે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. શિવકુમાર ગૌતમ 12 ઓક્ટોબરથી ફરાર હતો. તે નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.

શિવકુમાર ગૌતમે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે બાબા સિદ્દીકીને ગોળી માર્યા બાદ તે ઘટના સ્થળે હાજર હતો. ત્યાં જ તેણે કપડાં બદલીને બેગ ફેંકી દીધી હતી. આ પછી તે હોસ્પિટલ પણ ગયો જ્યાં બાબા સિદ્દિકીને લઈ જવામાં આવ્યા હતા. આ પછી તે ટ્રેન લઈને બહરાઈચ આવ્યો.

(11:22 AM IST)