<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th November 2024

મોટો ઝટકો : CCIએ ફટકાર્યો ૨૧૩ કરોડ રૂપિયાનો દંડ : લગાવ્‍યો ૫ વર્ષનો પ્રતિબંધ !

CCI એ ૨૦૨૧માં WhatsApp ગોપનીયતા અપડેટના સંબંધમાં અયોગ્‍ય વ્‍યવસાય પ્રથાઓ અપનાવવા બદલ કાર્યવાહી કરી

નવી દિલ્‍હી, તા.૧૯: કોમ્‍પિટિશન કમિશન ઓફ ઇન્‍ડિયા (CCI) એ Facebook અને Whatsappની પેરેન્‍ટ કંપની Meta પર ૨૧૩.૧૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. CCI એ ૨૦૨૧ માં WhatsApp ગોપનીયતા અપડેટના સંબંધમાં અયોગ્‍ય વ્‍યવસાય પ્રથાઓ અપનાવવા બદલ મેટા પર આ દંડ લગાવ્‍યો છે. આ સાથે સીસીઆઈએ મેટાને સ્‍પર્ધા વિરોધી વર્તન બંધ કરવા અને આવી પ્રવળત્તિઓથી દૂર રહેવાનો પણ નિર્દેશ આપ્‍યો છે.

પોતાના આદેશમાં સીસીઆઈએ કહ્યું કે મેટાએ તેના દબદબાનો દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત આ દંડ WhatsAppની ૨૦૨૧ ગોપનીયતા નીતિ કેવી રીતે લાગુ કરવામાં આવી હતી, કેવી રીતે યુઝરનો ડેટા એકત્ર કરવામાં આવ્‍યો હતો અને તેને મેટાની અન્‍ય કંપનીઓ સાથે કેવી રીતે શેર કરવામાં આવ્‍યો હતો તેનાથી પણ સંબંધિત છે.

ભારતના કોમ્‍પિટિશન કમિશને એમ પણ કહ્યું છે કે WhatsApp તેના પ્‍લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ ભારતીય યુઝર ડેટાને જાહેરાતના હેતુઓ માટે અન્‍ય મેટા કંપનીઓ સાથે ૫ વર્ષ સુધી શેર કરી શકશે નહીં. WhatsAppમાટે આ મોટો ફટકો છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દેશમાં એકલા WhatsApp પર ૫૦૦ મિલિયનથી વધુ મંથલી એક્‍ટિવ યૂઝર છે.

CCIને તેની તપાસમાં જાણવા મળ્‍યું કે WhatsAppની ‘ટેક-ઈટ-ઓર-લિવ-ઈટ' પોલિસી અપડેટ વાજબી ન હતી. એટલે કે, આ પોલિસીએ તમામ WhatsAppયૂઝર્સને ડેટા કલેક્‍શન શરતો સ્‍વીકારવા અને કોઈપણ ઓપ્‍ટ-આઉટ વિના મેટા ગ્રુપમાં ડેટા શેર કરવા મજબૂર કર્યા હતા. સીસીઆઈને તેની તપાસમાં મળી આવ્‍યું કે મેટા દ્વારા લાવવામાં આવેલી આ પોલિસી, જે અપડેટના સ્‍વરૂપમાં હતી, તે યૂઝર્સને તેને લાગૂ કરવા માટે મજબૂર કરે છે અને તેમની સ્‍વાયત્તતા ઓછી કરે છે. CCI અનુસાર, Meta, WhatsApp દ્વારા સેક્‍શન 4(2)(A)(i)નું ઉલ્લંઘન કરવામાં આવ્‍યું છે.

જણાવી દઈએ કે, CCI એ માર્ચ ૨૦૨૧ માં WhatsAppની સુધારેલી પ્રાઇવસી પોલિસીની તપાસ શરૂ કરી હતી, જેણે ડેટા કલેક્‍શનનો વ્‍યાપ વિસ્‍તાર્યો હતો અને સાથે જ મેટા અને તેના અન્‍ય પ્રોડક્‍ટ સાથે ડેટા શેરિંગને પણ સરળ બનાવ્‍યું હતું. જ્‍યારે, ૨૦૧૬ સુધી, યૂઝર્સ પાસે તે નક્કી કરવાનો વિકલ્‍પ હતો કે તેઓ તેમનો ડેટા કોઈપણ કંપની સાથે શેર કરવા માંગે છે કે નહીં

(4:04 PM IST)