<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

જીલ્લા હોસ્‍પિટલમાં ડોકટર-સ્‍ટાફની ડાન્‍સ પાર્ટી : વિવાદ

વારાણસીની દીનદયાલ ઉપાધ્‍યાય જિલ્લા હોસ્‍પિટલની ચાર સ્‍ટાફ નર્સને પ્રમોશન મળ્‍યું એટલે હોસ્‍પિટલનો મેડિકલ સ્‍ટાફ રાજીરાજી થઈ ગયો અને પાર્ટી રાખી

વારાણસી, તા.૨૦: વારાણસીની દીનદયાલ ઉપાધ્‍યાય જિલ્લા હૉસ્‍પિટલની ચાર સ્‍ટાફ નર્સને પ્રમોશન મળ્‍યું એટલે હૉસ્‍પિટલનો મેડિકલ સ્‍ટાફ રાજીરાજી થઈ ગયો અને પાર્ટી રાખી. પાર્ટીમાં પ્રમોટ થયેલી ૪ નર્સને હાર પહેરાવાયા અને મોઢાં મીઠું કરાવડાવ્‍યાં, પણ આનંદનો ઉન્‍માદ આટલેથી ન શમ્‍યો અને ‘સસુરાલ ગેંદા ફૂલ' અને ‘કાટી રાત મૈંને ખેતોં મેં તૂ આયી નહીં' જેવાં ગીતો પર ડૉક્‍ટરો, પૅરા મેડિકલ સ્‍ટાફ અને નર્સ મન મૂકીને નાચ્‍યાં.

પાર્ટીમાં ચીફ મેડિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. દિગ્‍વિજય સિંહ, મેડિકલ સુપરિન્‍ટેન્‍ડેન્‍ટ ડૉ. પ્રેમપ્રકાશે પણ હાજરી આપી હતી. વાત એમ હતી કે પાર્ટી કરી ત્‍યારે ડ્‍યુટીનો સમય ચાલુ હતો એટલે બધાએ હૉસ્‍પિટલનો ડ્રેસ પહેરી રાખ્‍યો હતો અને આઇકાર્ડ પણ ગળામાં લટકાવી રાખ્‍યાં હતાં.

એક બાજુ દર્દીઓની સારવાર ચાલી રહી હતી અને બીજી બાજુ ડૉક્‍ટર, નર્સ ફિલ્‍મી ગીતોના તાલે ઝૂમી રહ્યાં હતાં. પાર્ટીના ૪ વિડિયો સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થતાં હોબાળો મચ્‍યો છે.

જિલ્લાના વહીવટી તંત્રથી માંડીને સરકાર પણ ચોંકી ગઈ છે અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્‍ય પ્રધાન અને સ્‍વાસ્‍થ્‍ય પ્રધાન બ્રજેશ પાઠકે ચીફ મેડિકલ ઑફિસરને તપાસ કરવાનો આદેશ આપ્‍યો છે. ઑફિસરે એક સપ્તાહમાં તપાસ કરીને અહેવાલ મોકલવાનો છે. કહેવાય છે કે  દિવાળી પહેલાં સેમિનાર હૉલમાં આ પાર્ટી રાખી હતી.

(9:46 AM IST)