<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th November 2024

ઓહ બાપ રે! ધોરણ ૧ની વાર્ષિક ફી ૪,૨૭,૦૦૦ !

દીકરીની સ્‍કૂલની ફી સાંભળી પિતાના હોશ ઉડી ગયા ! : ઋષભ જૈન જયપુરની જે સ્‍કૂલમાં તેમની દીકરીનું એડમિશન લેવા માંગતા હતા, ત્‍યાંની આખા વર્ષની ફી ૪.૨૭ લાખ રૂપિયા છે : ઋષભ જૈને સોશિયલ મીડિયા પર ફી સ્‍ટ્રક્‍ચર શેર કર્યુ

જયપુરઃ શાળા અને કોલેજોની ફી દિવસને દિવસે વધી રહી છે. કેટલીક સ્‍કૂલોમાં તો એટલી બધી ફી લેવામાં આવે છે, જે મધ્‍યમ વર્ગના લોકોને પોસાય તેમ જ નથી. ત્‍યારે હાલ આવો જ એક મામલો સામે આવ્‍યો છે, જેમાં એક વિદ્યાર્થિનીના પિતાએ સ્‍કૂલ ફીની પહોંચનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનું દુઃખ વ્‍યક્‍ત કર્યું છે, તેઓ તેમના શહેરની એક સ્‍કૂલની ધોરણ-૧ની ફી જાણી ચોંકી ગયા છે.

ઋષભ જૈન જયપુરની જે સ્‍કૂલમાં તેમની દીકરીનું એડમિશન લેવા માંગતા હતા, ત્‍યાંની આખા વર્ષની ફી ૪.૨૭ લાખ રૂપિયા છે. ઋષભ જૈને સોશિયલ મીડિયા પર ફી સ્‍ટ્રક્‍ચર શેર કર્યું. તેમણે કહ્યું કે, ‘‘આ ભારતમાં ગુણવત્તાયુક્‍ત શિક્ષણની કિંમત છે. તમે વાર્ષિક ૨૦ લાખ કમાતા હોવ તો પણ શું તમને આટલી ફી પોસાય? મારી દીકરી આવતા વર્ષે ધોરણ ૧માં પ્રવેશ લેશે અને અમે અમારા શહેરની જે સ્‍કૂલોમાં તેનું એડમિશન લેવાનું વિચારી રહ્યા છીએ, તેમાથી એક સ્‍કૂલની ફીનું આ માળખું (ફી સ્‍ટ્રક્‍ચર) છે. આપને જણાવી દઈએ કે, અન્‍ય સારી સ્‍કૂલોમાં પણ આ પ્રકારની જ ફી છે.''

ઋષભ જૈને સોશિયલ મીડિયા પર સ્‍કૂલ ફીની વિગતો પણ શેર કરી છે. આ મુજબ રજિસ્‍ટ્રેશન ફી- ૨૦૦૦, એડમિશન ફી- ૪૦૦૦૦, સાવચેતીના પૈસા (કોશન મની)- ૫૦૦૦, એક વર્ષની સ્‍કૂલની ફી- ૨,૫૨,૦૦૦, બસનું ભાડું- ૧,૦૮,૦૦૦, પુસ્‍તકો અને યુનિફોર્મ- ૨૦,૦૦૦. આ રીતે એક વર્ષની કુલ ફી ૪,૨૭,૦૦૦ રૂપિયા છે.

‘બાળકોને સારી સ્‍કૂલમાં ભણાવવા મુશ્‍કેલ'

સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ વ્‍યક્‍ત કરતાં ઋષભ જૈને કહ્યું કે, વાર્ષિક ૨૦ લાખ રૂપિયા કમાતા લોકો પણ પોતાના બાળકોને સારી શાળામાં મોકલી શકતા નથી. તેમણે કહ્યું કે, ૨૦ લાખ રૂપિયાની આવકમાંથી ૫૦ ટકા સરકાર આવકવેરા, જીએસટી, પેટ્રોલ પર વેટ, રોડ ટેક્‍સ, ટોલ ટેક્‍સ, પ્રોફેશનલ ટેક્‍સ, કેપિટલ ગેઇન્‍સ, લેન્‍ડ રજિસ્‍ટ્રી ફી વગેરેના રૂપમાં વસૂલે છે. તેમ છતાં પણ તમારે ટર્મ ઇન્‍સ્‍યોરન્‍સ, હેલ્‍થ ઇન્‍સ્‍યોરન્‍સ પ્રીમિયમ અને વળદ્ધાવસ્‍થા પેન્‍શન માટે પીએફ, એનપીએસ ચૂકવવા પડે છે.

‘કાં તો ઘર ચલાવો કાં બાળકોને ભણાવો'

૨૦ લાખની આવક પર તમે ઉચ્‍ચતમ ૩૦+% સેસ ટેક્‍સ બ્રેકેટમાં આવો છો, તમને સરકારી યોજનાઓ માટે પાત્ર માનવામાં આવતા નથી. જૈને કહ્યું કે, બાકીના ૧૦ લાખ રૂપિયામાં તમે કાં તો ભોજન, કપડાં, ભાડું અથવા EMI ચૂકવી શકો છો અને થોડી બચત કરી શકો છો અથવા તમે તમારા બે બાળકોની શાળાની ફી ચૂકવી શકો છો.

(10:03 AM IST)