News of Wednesday, 20th November 2024
SME IPOના નિયમોમાં થશે મોટા ફેરફાર, SEBIએ બનાવ્યો તગડો પ્લાન
સેબીએ સૂચવ્યું છે કે, પબ્લિક ઇશ્યૂમાં લઘુત્તમ ફાળવણીની જરૂરિયાતને વધારીને ૨૦૦ કરવી જોઈએઃ SME IPO માટે અરજીની રકમ ૧ લાખ રૂપિયાથી બમણી થઈને ૨ લાખ અથવા ૪ લાખ રૂપિયા થઈ શકે છે

મુંબઇ, તા.૨૦: માર્કેટ રેગ્યુલેટર SEBIએ એક કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે, જેમાં SME IPO માટે કડક નિયમો સૂચવ્યા છે. સેબી દ્વારા સૂચવવામાં આવલા આ નિયમોથી છૂટક રોકાણકારોની ભાગીદારી મર્યાદિત થઈ શકે છે. આ હેઠળ SME IPO માટે અરજીની રકમ ૧ લાખ રૂપિયાથી બમણી થઈને ૨ લાખ અથવા ૪ લાખ રૂપિયા થઈ શકે છે. આનાથી નાના રોકાણકારો માટે આ IPO ભરવો મુશ્કેલ બની જશે. આ સાથે જ બિન-સંસ્થાકીય રોકાણકારો (નોન-ઈન્સ્ટિટયૂશનલ ઇનવેસ્ટર્સ) માટે ફાળવણી (એલોકેશન)ની પદ્ધતિમાં ફેરફાર સૂચવવામાં આવ્યો છે, જેમાં NII કેટેગરી માટે પ્રમાણસર ફાળવણીને બંધ કરવામાં આવી શકે છે અને રિટેલ કેટેગરી માટે લાગુ ડ્રો ઓફ લોટ એલોટમેન્ટ શરૂ કરી શકાય છે.
સેબીના પ્રસ્તાવ મુજબ, SME IPOમાં OFS પર કાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી શકાય છે અથવા તેને કુલ ઇશ્યૂ સાઈઝના ૨૦%-૨૫% પર મર્યાદિત કરી શકાય છે. સેબીએ સૂચવ્યું છે કે, પબ્લિક ઇશ્યૂમાં લઘુત્તમ ફાળવણીની જરૂરિયાતને વધારીને ૨૦૦ કરવી જોઈએ. આ સાથે જ ૨૦-૫૦ કરોડ રૂપિયાની ઇશ્યૂ સાઈઝ માટે મોનિટરિંગ એજન્સીની નિમણૂક કરવાનું પણ SEBIનું સૂચન છે, જ્યારે હાલમાં આ મર્યાદા ૧૦૦ કરોડ રૂપિયા છે
SME IPOમાં પ્રમોટરનું લઘુત્તમ યોગદાન ૩ વર્ષ માટે લોક ઇન હોય છે. સેબીએ પ્રમોટર લોક-ઇનને તબક્કાવાર સમાપ્ત કરવાની ભલામણ કરી છે, જેમાં ૫૦% હોલ્ડિંગ્સને IPO પછી ૨ વર્ષ માટે અને બાકીને ૧ વર્ષ માટે લોક કરવામાં આવશે. સેબીના કન્સલ્ટેશન પેપરમાં રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન પ્રોવિઝનને લિસ્ટેડ SME પર પણ લાગુ કરવાનો પ્રસ્તાવ છે, અને એન્ટિટીને દર ક્વાર્ટરમાં શેરહોલ્ડિંગ પેટર્ન સબમિટ કરવી જરૂરી છે.
સેબીના અન્ય એક પ્રસ્તાવ મુજબ, શેર બજારોમાં લિસ્ટ થવાની ઇચ્છા ધરાવતા SMEનું IPO પહેલા છેલ્લા ત્રણ વર્ષમાંથી બે વર્ષમાં ૩ કરોડથી વધુનું EBITDA હોવું જોઈએ. સેબીના કન્સલ્ટેશન પેપર કહેવામાં આવ્યું છે કે SME IPOની વધતી સંખ્યાની સાથે રોકાણકારોની ભાગીદારી વધી છે. અરજદારો અને એલોટેડ રોકાણકારોનો ગુણોત્તર નાણાકીય વર્ષ ૨૨માં ૪ ગણાથી વધીને નાણાકીય વર્ષ ૨૩માં ૪૬ ગણો અને નાણાકીય વર્ષ ૨૪માં ૨૪૫ ગણો થયો છે. આપને જણાવી દઈએ કે, માર્કેટ રેગ્યુલેટરના સભ્ય અશ્વિની ભાટિયાએ ઓક્ટોબરમાં સંકેત આપ્યો હતો કે તેઓ SME IPO માટે નિયમનકારી (રેગ્યુલેટરી) માળખાને કડક કરવા માટે એક કન્સલ્ટેશન પેપર લઈને આવશે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
