News of Wednesday, 20th November 2024
ગુયાનામા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગુયાનાના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન “ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ” એનાયત કરશે : બાર્બાડોસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રતિષ્ઠિત સન્માન “ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ” આપશે
નરેન્દ્રભાઈ 21 નવેમ્બર સુધી ગુયાનામાં રહેશે અને તેના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી સાથે બંને દેશો વચ્ચેના અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા પર ચર્ચા કરશે : નરેન્દ્રભાઈ મોદી બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન પાર્ટનર દેશોના નેતાઓને મળશે

ગુયાના તા.૨૦ : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાલ ત્રણ દેશોના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ તે નાઈજીરીયા ગયા હતા અને ત્યાર બાદ તે G-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ગયા હતા. જ્યારે મુલાકાતના અંતિમ તબક્કામાં પીએમ નરેન્દ્રભાઈ મોદી બુધવારે ગુયાના પહોંચ્યા. ત્યારે બે દેશ ગુયાના અને બાર્બાડોસે પીએમ નરેન્દ્રભાઈ મોદીને દેશનુ સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.
ગુયાના અને બાર્બાડોસે પીએમ મોદીને તેમનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન આપવાની જાહેરાત કરી છે. અહેવાલો અનુસાર, ગુયાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન “ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ” એનાયત કરશે. જ્યારે બાર્બાડોસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રતિષ્ઠિત સન્માન “ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ” આપશે.
50 થી વધુ વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ ભારતીય પ્રધાનમંત્રી ગુયાનાની મુલાકાતે છે. ગુયાનામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળની વસ્તી રહે છે. તેમની સંખ્યા લગભગ 3,20,000 છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી તેમના 12 થી વધુ કેબિનેટ મંત્રીઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ નરેન્દ્રભાઈ મોદી 21 નવેમ્બર સુધી ગુયાનામાં રહેશે અને તેના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી સાથે બંને દેશો વચ્ચેના અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા પર ચર્ચા કરશે. આ સિવાય પીએમ નરેન્દ્રભાઈ મોદી બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન પાર્ટનર દેશોના નેતાઓને પણ મળશે.
આ પૂર્વે ડોમિનિકાએ પીએમ મોદીને દેશના સર્વોચ્ચ સન્માન “ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર”ની પણ જાહેરાત કરી હતી.પીએમ નરેન્દ્રભાઈ મોદીને અન્ય દેશોમાંથી મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનની સંખ્યા અત્યાર સુધીમાં 19 પર પહોંચી ગઈ છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
