<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

અદાણી ગ્રુપના શેર્સ ધડામ : ૨૦ ટકા જેટલા તુટયા : અનેકમાં શેરમાં લાગી લોઅર સર્કિટ

અમેરિકામાં લાંચ - છેતરપીંડીનો આરોપ મૂકતા :ગ્રુપના તમામ લીસ્‍ટેડ ૧૦ શેર ઉંધા માથે પટકાયા

મુંબઇ, તા.૨૧: અદાણી ગ્રૂપના ચેરમેન અને દેશના બીજા સૌથી ધનાઢય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામે અમેરિકામાં લાંચ અને છેતરપિંડીના આરોપોને કારણે ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્‍ટેડ શેરો મોંઘા પડયા છે. અદાણી ગ્રુપના શેરમાં ૨૦ ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહયો છે. અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સનો શેર ૨૦ ટકાના ઘટાડા સાથે ખુલ્‍યો છે અને શેર નીચલી સર્કિટ પર આવી ગયો છે. ગ્રુપની ફ્‌લેગશિપ કંપની અદાણી એન્‍ટરપ્રાઈઝનો શેર ૧૦ ટકા ઘટીને રૂ. ૨૫૩૯ પર આવી ગયો છે અને આ શેર પણ લોઅર સર્કિટમાં ફસાઈ ગયો છે. અદાણી પોર્ટ્‍સમાં પણ ૧૦ ટકા, અંબુજા સિમેન્‍ટમાં ૧૦ ટકા અને અદાણી પાવરમાં ૧૬ ટકાનો ઘટાડો જોવા મળી રહયો છે.

૨૧ નવેમ્‍બર, ૨૦૨૪ને ગુરુવારે શેરબજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરોમાં શોક છવાઈ ગયો હતો.

ગ્રૂપની તમામ ૧૦ લિસ્‍ટેડ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો. અદાણી એનર્જી સોલ્‍યુશન્‍સનો શેર ૨૦ ટકા ઘટીને રૂ. ૬૯૭.૭૦ થયો હતો અને શેર લોઅર સર્કિટમાં ફટકો પડયો હતો. અદાણી ટોટલ ગેસનો શેર ૧૪ ટકા ઘટીને રૂ. ૫૭૭.૮૦, અદાણી ગ્રીન એનર્જીનો શેર ૧૮ ટકા ઘટીને રૂ. ૧૧૫૯, ACCનો શેર ૧૦ ટકા ઘટીને રૂ. ૧૯૬૬.૫૫ થયો હતો. અંબુજા સિમેન્‍ટમાં પણ ૧૦ ટકાનો ઘટાડો થયો છે અને સ્‍ટોક લોઅર સર્કિટમાં પ્રવેશ્‍યો છે.

અદાણી પોર્ટ્‍સ અને સેઝનો શેર પણ ૧૦ ટકાના ઘટાડા સાથે રૂ. ૧૧૬૦ પર ટ્રેડ થઈ રહ્‍યો છે, જ્‍યારે અદાણી વિલ્‍મરનો શેર ૮ ટકાના ઘટાડા સાથે રૂ. ૩૦૧ પર ટ્રેડ થઈ રહયો છે. ફઝવ્‍સ્‍નો શેર ૯.૯૪ ટકા ઘટીને રૂ. ૧૫૨.૦૨ થયો છે. અદાણી પાવરનો શેર ૧૫.૩૪ ટકા ઘટીને રૂ. ૪૪૩.૭૦ થયો હતો. ૧૦ ટકાના ઘટાડા બાદ અદાણી એન્‍ટરપ્રાઈઝનો શેર ૨૫૩૯ રૂપિયા પર આવી ગયો છે અને આ શેર પણ લોઅર સર્કિટમાં ફટકો પડયો છે.

(3:07 PM IST)