<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મ.સા.એ મતદાન કરતા જૈનોમાં ઉકળાટનો ચરૂ

સતત વિહાર કરવાનો હોય તેમને કોઇ એક જગ્‍યાએ (સ્‍થિરવાસ) રહેવાનું જ હોતું નથી : પૂ.નમ્રમૂનિએ કયું ઓળખકાર્ડ કઢાવ્‍યું હશે તે ચર્ચાએ પણ સમાજમાં જોર પકડયુ : અમુક વર્ગ દ્વારા જૈન સંતના મતદાનની પ્રશંસા

રાજકોટ, તા.૨૧: મહારાષ્‍ટ્રમાં ગઇકાલે વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતુ. ફિલ્‍મ સ્‍ટાર, સ્‍પોર્ટસમેન થી માંડીને સામાન્‍ય વ્‍યકિતએ પોતાની મતદાનની ફરજ નિભાવી હતી. જો કે જૈન સમાજના સાધુ - સાધ્‍વીજીઓ દિક્ષા બાદ કોઇપણ પ્રકારનું ઓળખકાર્ડ રાખતા ન હોય તેમ છતા રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મ.સા.એ મતદાન કરતા શ્રાવક - શ્રાવિકાઓમાં ભારે કચવાટની લાગણી અનુભવાઇ છે.

સોશ્‍યલ મિડીયામાં જૈન સમાજના સંતનો ભારે વિરોધ થઇ રહયો છે. વોટસએપના ગ્રુપોમાં તો યુપીમાં યોગી મુખ્‍યમંત્રી બની શકે તો, મહારાષ્‍ટ્રમાં નમ્રમુનિ સીએમ કેમ ન બની શકે ? ઉપરાંત મતદાર બન્‍યા તો હવે કયારેક ઉમેદવાર પણ બનશે તેવી વાતો પણ વહેતી થઇ છે.

જૈનોના આગમકાર ભગવંતોએ ફરમાવ્‍યું છે કે, હિંસા ન કરવી તેમ કહીને અટકવાનું નથી, પરંતુ હિંસા પ્રેરક કાર્યોની અનુમોદના પણ નહીં કરવાની તથા પ્રભુ મહાવીરે સ્‍પષ્‍ટ કહયુ છે કે, જીવને જયાં સુધી હિંસા ગમે છે, આરંભ-સમારંભ ગમે છે, માન-પ્રશંસા, લોકેષણા ગમે છે, પાપ ગમે છે ત્‍યાં સુધી તેનું પરિભ્રમણ અટકવાનું નથી. સહિતના મેસેજો સોશ્‍યલ મિડીયામાં ફરી રહયા છે.

ગોંડલ સ્‍થા.જૈન સંપ્રદાયના સાધુ-સાધ્‍વીજીઓ માટે સંઘે પગલા લેવા પણ શ્રાવકો દ્વારા માંગ કરી છે. નમસ્‍કાર મહામંત્રના પદમાં આવતા સાધુ-સાધ્‍વીજીઓએ આ ન કરવુ જોઇએ તેવો સુર પણ બુલંદ થઇ રહયો છે. સંઘને જૈનોમાં ૨૫મા તીર્થકરનું સ્‍થાન આપવામાં આવે છે, ત્‍યારે તેની જ અવહેલના થતા જૈન સમાજ ખળભળી ઉઠયો છે.

જૈન સાધુ-સાધ્‍વીજીઓને કોઇ એક સ્‍થાન કે ન રહેવા જિન શાસને આદેશ આપેલો છે. જો કે સમાજના અમુક વર્ગ દ્વારા જૈન સંત નમ્રમુનિ મ.સા.ના મતદાનની પ્રશંસા પણ થઇ રહી છે. રાષ્‍ટ્રસંત નમ્રમુનિ મ.સા.નો મતદાન બાદ વિડીયો પણ સોશ્‍યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે પોતે મતદાન કર્યાનું અને દરેકે મતદાન કરવું જોઇએ તેવો સંદેશ આપ્‍યો છે

(2:42 PM IST)