<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ વેલ્યુએશન: રૂપિયા 2.19 લાખ કરોડનું જબરું ધોવાણ થયું

અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 22.61 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 20 ટકા, અદાણી ગ્રીન એનર્જી 18.80 ટકા, અદાણી પોર્ટ્સ 13.53 ટકા, અદાણી સિમેન્ટ 11.98 ટકા, તથા અદાણી ટોટલ ગેસ 18.80 ટકા ગગડ્યા

મુંબઈ :અમેરિકા તરફથી અદાણી ગ્રુપ પર નવેસરથી જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને પગલે આજે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી નિકળી હતી અને તેને લીધે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ વેલ્યુએશનમાં આશરે રૂપિયા 2.19 લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.

સોલર પાવર કોન્ટ્રેક્ટ્સ માટે સાનુકૂળ શરતો માટે એક્સચેન્જમાં ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (આશરે રૂપિયા 2,200 કરોડ) લાંચ પેટે આપવાની સ્કીમનો ભાગ બનવાના આરોપ સાથે અમેરિકન પ્રોસિક્યુટર્સ દ્વારા લગાવવામાં આવેલા આરોપને પગલે અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી નિકળી હતી.

ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈસિસના શેર 22.61 ટકા, અદાણી એનર્જી સોલ્યુશન્સ 20 ટકા, અદાણી ગ્રીન એનર્જી 18.80 ટકા, અદાણી પોર્ટ્સ 13.53 ટકા, અદાણી સિમેન્ટ 11.98 ટકા, તથા અદાણી ટોટલ ગેસ 18.80 ટકા ગગડ્યા હતા.

આ ઉપરાંત અદાણી વિલ્મર 9.98 ટકા, અદાણી પાવર 9.15 ટકા તથા ACCના શેર 7.29 ટકા ગગડ્યા હતા.આ સાથે કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 2,19,878.35 કરોડ જેટલુ ધોવાઈ ગયું હતું. સેન્સેક્સ 422.59 પોઇન્ટ એટલે કે 0.54 ટકા તૂટીને 77,155.79 રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 168.60 પોઇન્ટ અથવા 0.72 ટકા ગગડી 23,349.90 રહ્યો હતો.


 

(6:43 PM IST)