<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st November 2024

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોને લઈ જતા પેસેન્જર વાહન પર બંદૂકધારીઓનો હુમલો: 38 લોકોના મોત :10 ગંભીર

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની નિંદા કરી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર ખૈબર પખ્તુનખ્વામાં શિયા મુસ્લિમોને લઈ જતા પેસેન્જર વાહન પર બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં 38 લોકોના મોત થયા હતા. આમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે. હુમલામાં 20 લોકો ઘાયલ પણ થયા છે. તાજેતરના વર્ષોમાં આ સૌથી ઘાતક હુમલો માનવામાં આવે છે. પોલીસે આ માહિતી આપી હતી.

આ હુમલો કુર્રમ જિલ્લામાં થયો હતો, જે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતનો ભાગ છે. તાજેતરમાં આ જિલ્લામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક ઘટનાઓ વધી છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ પેસેન્જર વાહનો પર ગોળીબાર કર્યો જે પરચિનારથી પેશાવર તરફ જઈ રહ્યા હતા. પોલીસ અધિકારી અઝમત અલીએ જણાવ્યું કે મૃતકોમાં છ મહિલાઓ પણ સામેલ છે અને દસ મુસાફરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ હુમલાની નિંદા કરી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે આદેશ આપ્યો છે કે આ હુમલા માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોની વસ્તી લગભગ 15 ટકા છે, જ્યારે દેશમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે. જો કે, બંને સમુદાયો સામાન્ય રીતે એકબીજાની વચ્ચે શાંતિથી રહે છે. પરંતુ કુર્રમ જેવા કેટલાક વિસ્તારોમાં દાયકાઓથી શિયા અને સુન્નીઓ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ વર્ષે જુલાઈમાં કુર્રમમાં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં લગભગ પચાસ લોકો માર્યા ગયા હતા.

હાલમાં પાકિસ્તાનના બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અલગ-અલગ સ્થળોએ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પાકિસ્તાન સરકારે સુરક્ષા માટે ગુપ્ત માહિતી આધારિત કામગીરીની સંખ્યામાં વધારો કર્યો છે. જો કે, આ પ્રદેશ હજુ પણ પાકિસ્તાન તાલિબાન (TTP) અને બલૂચ લિબરેશન આર્મી (BLA) જેવા સંગઠનોના હુમલાઓનો સામનો કરી રહ્યા છે


 

(7:00 PM IST)