<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd November 2024

કેજરીવાલ કરતા હજાર ગણા સારા છે સીએમ આતિશી : દિલ્હી એલજીએ AAP સુપ્રીમો પર નિશાન સાધ્યું

ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં બોલતા સક્સેનાએ કહ્યું કે, હું આજે ખુશ છું કે દિલ્હીના મુખ્યમંત્રી એક મહિલા છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેઓ તેમના પુરોગામી કરતા હજાર ગણા સારા છે

નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્યમંત્રી આતિશીના વખાણ કરતા AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે સીએમ આતિશી તેમના પુરોગામી અરવિંદ કેજરીવાલ કરતા હજાર ગણા સારા છે. ઈન્દિરા ગાંધી દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટી ફોર વુમનના સાતમા દીક્ષાંત સમારોહમાં બોલતા સક્સેનાએ કહ્યું કે, આજે હું ખુશ છું કે દિલ્હીના મુખ્યમંત્રી એક મહિલા છે અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેઓ તેમના પુરોગામી કરતા હજાર ગણા સારા છે.

  લેફ્ટનન્ટ ગવર્નરે દીક્ષાંત સમારોહમાં ભાગ લઈ રહેલા આતિશીને જોઈને આ ટિપ્પણી કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી આતિષીએ પણ વિદ્યાર્થિનીઓને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં સક્સેનાએ વિદ્યાર્થીઓને કહ્યું કે, જેમ જેમ તમે આગળ વધો છો તેમ તમારી સામે ચાર માર્ગદર્શક બાબતો છે. પ્રથમ તમારી જાત પ્રત્યેની તમારી જવાબદારી છે, બીજી તમારા માતાપિતા અને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી છે, જ્યારે ત્રીજી સમાજ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની જવાબદારી છે. તેમણે કહ્યું, ચોથી જવાબદારી એ છે કે તમે તમારી જાતને એક મહિલા તરીકે સાબિત કરો જેણે લિંગ ભેદભાવની દીવાલ તોડી નાખી અને તમામ ક્ષેત્રોમાં અન્યની બરાબરી કરી. 

એલજી વીકે સક્સેનાની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કૈલાશ ગેહલોતે પાર્ટી અને મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે અરવિંદ કેજરીવાલને પત્ર પણ લખ્યો હતો અને પાર્ટીના નેતૃત્વ પર અનેક આરોપો લગાવ્યા હતા. રાજીનામું આપ્યાના બીજા જ દિવસે કૈલાશ ગેહલોત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

   આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે શાસન અને અમલદારશાહી પર નિયંત્રણ સહિતના ઘણા મુદ્દાઓ પર સંઘર્ષ ચાલુ છે. ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા કેજરીવાલે સપ્ટેમ્બરમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે તે લોકો પાસેથી પ્રમાણિકતાનું પ્રમાણપત્ર માંગશે. કેજરીવાલે વિધાયક દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.

(9:16 PM IST)