<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd November 2024

વિદેશી હૂંડિયામણમાં 17.76 અબજ ડોલરનો જબરો ઘટાડો :સતત 7માં સપ્તાહમાં ગગડ્યું ફોરેક્સ રિઝર્વ

ફોરેન કરન્સી એસેટ્સ પણ 15.55 બિલિયન ડોલર ઘટ્યું : 27મી સપ્ટેમ્બરે દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 12.59 અબજ ડોલર વધીને 704.88 અબજ ડોલરની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. ત્યારબાદ સતત ઘટાડો

નવી દિલ્હી : ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં છેલ્લા દોઢ મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે. 15મી નવેમ્બરના રોજ પૂરા થયેલ સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડોળમાં 17.76 અબજ ડોલરનો ભારે ઘટાડો થયો છે. તેને પગલે દેશનું કૂલ વિદેશી હૂંડિયામણ ભંડોળ 657.89 અબજ ડોલર થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 27મી સપ્ટેમ્બરના રોજ દેશનું વિદેશી હૂંડિયામણ ભંડોળ 12.59 અબજ ડોલર વધીને 704.88 અબજ ડોલરની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું હતું. ત્યારબાદ તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

વિદેશી હૂંડિયામ 8 નવેમ્બરના રોજ પૂરા થયેલ સપ્તાહમાં 6.48 અબજ ડોલર ઘટીને 675.65 અબજ ડોલર થયું હતું. આ અગાઉ 1લી નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં હૂંડિયામણ 2.67 અબજ ડોલર ઘટીને 682.13 અબજ ડોલર થયુ હતું.

શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા તાજેતરના ડેટા પ્રમાણે વિદેશી મુદ્રા ભંડારનો મહત્વપૂર્ણ ભાગ ગણાતી વિદેશી મુદ્રા સંપત્તિ 15 નવેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 15.55 બિલિયન ડોલર ઘટીને 569.83 બિલિયન ડોલર થઈ ગઈ છે. ડૉલરના સંદર્ભમાં વિદેશી ચલણની અસ્કયામતોમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલ યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે.

(10:15 PM IST)