<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

જોડિયા બાળકોને એકલાહાથે સાચવવામાં મુશ્કેલી પડતા બંને બાળકોને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યા.

પિતાએ બંને મૃતદેહોને કબ્રસ્તાનમાં ગુપ્ત રીતે દફનાવી દીધા.

મધ્યપ્રદેશના રતલામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાના જોડિયા બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખ્યા. પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે. પોલીસનું કહેવું છે કે બાળકોને સાચવવામાં મુશ્કેલી પડી રહી હતી, આથી તેને પરેશાન થઈને બંને બાળકોને પાણીની ટાંકીમાં ડુબાડીને મારી નાખ્યા હતા .

પોલીસના જણાવ્યા અનુસાર માતા મુસ્કાને બંને બાળકો ફાતિમા અને હસનને પાણીના ડ્રમમાં ડુબાડીને મારી નાખ્યા હતા. આ પછી પિતાએ બંને મૃતદેહોને કબ્રસ્તાનમાં ગુપ્ત રીતે દફનાવી દીધા. એસપી અમિતકુમારે આ મામલે ખુલાસો કરતા કહ્યું કે પતિ-પત્નીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના માણક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારની મદીના કોલોનીમાં બની હતી. જોડિયા બાળકોની માતાને બંને બાળકોને એકલા હાથે સંભાળવામાં મુશ્કેલી પડી રહી હતી. આ જ કારણ હતું કે તેણે બંને બાળકોનો જીવ લીધો.

   માતાએ પોલીસને આપેલા નિવેદનમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણીએ જણાવ્યું કે, તેને વારંવાર તેના પતિ અને સાસુને બાળકોની સંભાળ રાખવા માટે કહ્યું, પરંતુ બંનેએ તેની વાત સાંભળી નહીં. આ જ કારણ છે કે તેને બંને બાળકોને સંભાળવામાં મુશ્કેલી પડતી હતી. આ કારણે મુસ્કાને ચાર મહિનાના જોડિયા બાળકોને પાણીના ડ્રમમાં ફેંકી દીધા.

  જ્યારે તેનો પતિ ઘરે પહોંચ્યો ત્યારે તેણે જણાવ્યું કે બંને બાળકો ઘરે નથી. આ પછી પતિએ આખા ઘરની શોધખોળ કરી અને બંને બાળકોના મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યા. આ જોઈને પતિએ બંને બાળકોને ગુપ્ત રીતે લઈને કબ્રસ્તાનમાં દફનાવી દીધા. જ્યારે પોલીસને આ સમગ્ર મામલાની જાણ થતાં તેમણે બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવ્યા હતા અને બાળકોની માતાની કડક પૂછપરછ કરતાં તેણીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. માણક ચોક પોલીસ સ્ટેશને કલયુગી માતા અને પિતાની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.

(12:47 AM IST)