<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રાજકોટના ગોપાલભાઇ પરમાર પાસે પૂ. મોરારીબાપુના અલભ્‍ય ફોટાઓનો સંગ્રહ

પૂ. બાપુના માતા પિતા સાથેનો ફોટો તેમજ સહપરિવારનો ફોટો જીવની જેમ સાચવી રાખ્‍યો છે : વર્ષમાં એક વખત અચુક તલગાજરડા જાય : વ્‍યાસપીઠ પર છે તેવો હનુમાનજીનો ફોટો પોતાની વાડીએ મોટો લેમીનેશન કરાવી રાખ્‍યો છે : માતાજીનો પણ અખંડ દીવો ચાલુ

રાજકોટ તા. ૨૨ : આવતીકાલથી રાજકોટમાં પૂ. મોરારીબાપુની સદ્દભાવના રામકથાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સૌકોઇ રામમય બનવા આતુર છે. ત્‍યારે રાજકોટના રામનાથપરા-૧૧, ‘રામકૃપા' ખાતે રહેતા ગોપાલભાઇ થોભણભાઇ પરમારે પણ જુની સ્‍મૃતિઓ તાજી કરી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગોપાલભાઇ પરમારે જણાવ્‍યુ હતુ કે મને મોરારીબાપુ પ્રત્‍યે ખુબ લગાવ છે. મોરબી, ચોટીલા, રાજકોટ સહીતના સ્‍થળોએ તેમની કથાશ્રવણનો લાભ લઇ ચુકયો છુ. આવતીકાલથી શરૂ થવા જઇ રહેલ કથામાં પણ જવાનો છુ. વર્ષમાં એક વખત તલગાજરડા પણ અચુક જઇ આવુ છે. બાપુ મળે કે ના મળે તેમની ગાદીને નમન કરી આવુ છુ.

આ તકે ગોપાલભાઇએ જીવની જેમ સાચવી રાખેલા કેટલાક લેમીનેટશ કરેલ ફોટાઓ બતાવ્‍યા હતા. જેમાં પૂ. મોરારીબાપુના માતા પિતાનો ફોટો તેમજ પૂ. બાપુના દિકરા દિકરીઓ સહીતના પરિવારજનોનો ફોટો પણ સામેલ હતો. ઉપરાંત અન્‍ય સંતો સાથેની તસ્‍વીર પણ હતી. તેઓ કહે છે કે આ ફોટાઓને જોઇને હું બાપુને મળી ચુકયાનો ભાવ અનુભવુ છે.

૭૬ ની વયે પહોંચેલા કારડીયા રાજપૂત ગોપાલભાઇ પરમાર વ્‍યવસાયે ખેતીકામ  કરે છે.  આધ્‍યાત્‍મિક અને પ્રકૃતિપ્રેમી જીવન વ્‍યવતિત કરે છે.કોર્પોરેટર અજયભાઇ પરમારના પિતાશ્રી થાય છે. આજીડેમ પાસે, લવકુશ વાટીકા નામથી વાડી ધરાવે છે. ત્‍યાં પણ હનુમાનજી અને રામલક્ષ્મણ સાથેનો એક વિશાળ લેમીનેટેડ ફોટો વાડીમાં મુકાવ્‍યો છે. સાથે માતાજીનો અખંડ દીવો ચાલુ રખાવ્‍યો છે.

વાડીમાં ફળાઉ વૃક્ષોના ઉછેરની પ્રવૃત્તિ કરે છે. સાથે રામ ભક્‍તિ કરે છે. ભજન કિર્તન સાંભળવાનો પણ શોખ છે. રામ અને મહાદેવનું નામના જાપ સતત તેમના મુખ પર ચાલુ હોય છે. તેઓ બગદાણા, ઉંચાનીચા કોટડાની જાત્રાએ પણ વર્ષમાં એક વખત અચુક જાય છે. ગોંડલ શ્રી હરીચરણદાસજી બાપુને પણ મળી ચુકયા છે. શ્રી રણછોડદાસજીબાપુ પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા ધરાવે છે.રાજકોટની રામકથામાં દરરોજ કથા શ્રવણ કરવા જવાની તેમણે તૈયારી કરી છે.

રામનાથપરા - ૧૧, ‘રામકૃપા', રાજકોટ ખાતે ગોપાલભાઇ થોભણભાઇ પરમાર (મો.૯૮૯૮૮ ૦૭૨૫૯) ને મળી શકાય છે. તસ્‍વીરમાં તેમને સંગ્રહીત કરેલ પૂ. બાપુના લેમીનેશનવાળા ફોટાઓ સાથે નિહાળી શકાય છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:41 PM IST)