તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
રંગીલું રાજકોટ રામ રંગે રંગાયું
આનંદના અબીલ-ગુલાલઃ શ્રી રામકથાના શ્રી ગણેશઃ પોથીયાત્રામાં જય શ્રી રામના નારા રમણરેતીના પૂ. શરણાનંદી તથા પૂ. મોરારીબાપુ દ્વારા પોથી પૂજન પ્રસંગે શ્લોક ગાનઃ પોથી યાત્રાનું સર્વત્ર સ્વાગતઃ વિજયભાઇ ડોબરિયા પર મહાત્માઓના ભરપુર આશીર્વાદઃ મહાનુભાવો દ્વારા પોથી યાત્રાના વધામણા

રાજકોટ, તા. ર૩ : રંગીલુ રાજકોટ રામ રંગે રંગાઇ ગયું છે. રામ કથાના શ્રી ગણેશ થઇ રહ્યા છે. પોથી યાત્રામાં જય શ્રી રામના નારાથી ગગન ગુંજયું હતું.
રાજકોટઃ શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂજય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકામાં પરમાત્માનંદ સરસ્વતીજીનો આશ્રમ આર્ષ વિદ્યામંદિર, સવારથી જ દિવ્ય માહોલ, પક્ષીઓના કલરવ, હરિયાળી વચ્ચે પોથી પુજન કાર્યક્રમનો સોમેશ્વર મહાદેવ મંદિરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેમાં પૂ. ગ્રુરૂ શરણાનંદી (રમણ રેતી), પૂ. પરમાત્માનંદજી અને પૂ. મોરારિબાપુએ ઉપસ્થિત રહી શ્લોક ગાન સાથે અને વિદ્વાન ભુદેવો ધ્વારા શાસ્ત્રોકત-વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું. આ પોથીપૂજનમાં ૫૦થી વધુ યજમાનોએ લહાવો લીધો હતો.
આર્ષ વિદ્યામંદિર ખાતે દિવ્ય અને અલૌકિક વાતાવરણમાં પૂ. પરમાત્માનંદજીએ પોથી પૂજન પૂર્વે ઉપસ્થિત યજમાનોને સંબોધતા જણાવેલ કે ભગવાન રામનું આ રામાયણ વાંગમય રૂપ છે., ભગવાન જયારે અંતર ધ્યાન થઈ જાય એ પછી પ્રગટ સ્વરૂપે એ ભાગવત અથવા રામાયણમાં સાક્ષાત વાનગી રૂપે પધારે છે. અહીં પણ રામાયણ પોથી પૂજન સાથે ભગવાન શ્રીરામ વાંગમય સ્વરૂપે પધાર્યા છે. આપણે સૌ તેમનું પૂજન કરી અને કથાના નવે નવ દિવસ પૂજય રામ બિરાજમાન થાય એવી પ્રાર્થના કરીએ.
આ તકે યજમાન તરીકે ઉપસ્થિત બાલાજી વેફરવાળા ચંદુભાઈ વિરાણીએ જણાવેલ કે માનસ રામકથા માત્ર એક વ્યકિતની નહી પરંતુ સમગ્ર સમાજની કથા છે, વૃક્ષો વાવે છે ઘણા પરંતુ ઉછરી શકતા નથી ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ એ એક એવી સંસ્થા છે જે વૃક્ષો વાવવાની સાથે ઉછેર, જતન પણ કરે છે, અત્યારે સદભાવના વૃધ્ધાશ્રમના લાખો વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને હજુ કરોડો વૃક્ષો વાવવાનો સંકલ્પ પૂર્ણ કરશે ત્યારે આ સત્કાર્યમાં જોડાવવાનો અવસર મળવા બદલ આનંદની લાગણી અનુભવું છું.
આ તકે અગ્રણી ઉદ્યોગપતિ નરોતમભાઈ પરસાણા અને તેમના ધર્મપત્ની અંજનાબેન પરસાણાએ જણાવેલ કે અમે તો ઘણા વર્ષોથી સદભાવના સાથે જોડાયેલા છીએ. સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટ ધ્વારા વડિલોની સેવા, વૃક્ષોનું જતન, અબોલ પશુઓની સારસંભાળ જેવી સેવાપ્રવૃતિઓ ચાલી રહી છે ત્યારે આ સત્કાર્ય માત્ર સદભાવના જ કરે તેવુ નહી, પરંતુ આ કામ જન-જનએ તેમા સહભાગી થઈને આ સેવાયજ્ઞમાં જોડાવું જોઈએ. ત્યારે વૈશ્વિક રામકથાના માઘ્યમથી સમગ્ર સમાજ આ સત્કાર્યમાં જોડાઈ પર્યાવરણના આ મહાયજ્ઞનો શુભારંભ કરશે.
આ વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે પ્રથમ ચરણ એવુ પોથીપૂજન બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રા વિરાણી હાઈસ્કુલ, ગ્રાઉન્ડથી શરૂ કરી હેમુ ગઢવી હોલ, દસ્તુર માર્ગ, ડો. યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફનવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડ કવાર્ટર ચોકથી રેસકોર્ષ ગ્રાઉન્ડ કથા સ્થળ પહોચી હતી. આ પોથીયાત્રામાં બે હજાર મહિલા ભકત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર બીરાજમાન કરી પોથીયાત્રામાં જોડાયેલ હતા. સાથે ડી.જે. બેન્ડની સુરાવલિઓ, નાશીક ઢોલ, તરણેતરની રાસમંડળીઓ, બગી ની જમાવટ, હાથી, ઘોડા સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો-મહંતો આકાશમાં ચમકી રહેલા નક્ષત્રોની જેમ પોથીયાત્રામાં દૃશ્યમાન થયા હતાં અને અલગ-અલગ આકર્ષક બગીઓમાં શહેરની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લ્હાવો આપ્યો હતો.
સાથે ખૂલ્લી જીપ, બુલેટ, વિન્ટેજ કાર તેમજ જાંબુર ગીરનું પ્રખ્યાત સીદી લોકોનું નૃત્ય ધમાલ પણ આ પોથીયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. પોથીયાત્રામાં પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, રામ સ્વરૂપ, દેવી-દેવતાઓ સ્વરૂપ, મીકકી માઉસ કલોન સાથે વિશાળ ભકતવૃંદએ પોથીયાત્રાની શોભામાં અભિવૃધ્ધિ કરી હતી, તો ધાર્મિક સંગીત, રંગોળીની સજાવટ, નયનરમ્ય ફુલોથી સુશોભન સાથે શાસ્ત્રોની ભવ્ય રજૂઆત સાથે શ્રધ્ધાળુઓએ રથ સાથે ભજન-કિર્તનની જમાવટ કરી હતી અને સર્વત્ર જય જય શ્રી રામનો નાદ સાથે ગગન ગુંજી ઉઠ્યું હતું, પોથીયાત્રામાં સ્કાઉટ ગાઈડ, એન.એસ.એસ., એન.સી.સી.ના બહેનોએ મશાલ અને ધ્વજ સાથે પોથીયાત્રાની શરૂઆત કરી હતી. આ પોથીયાત્રામાં યુનિવર્સલ સ્કુલના બાળકોએ જિલ્લા પંચાયત ચોકમાં રામાયણ પ્રસંગોની થીમ રજુ કરી ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રધ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જયારે કોઈ કથા,યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા ઘ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ઘર્મ અને સમાજના સાંસ્કૃતિક એકતાનું પ્રતિક છે. યાત્રા થકી લોકોમાં આઘ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે.આ યાત્રા થકી સમૂહ પ્રાર્થના, ભજન-કિર્તન અને સંસ્કૃતિના પ્રચાર માટે પણ માર્ગદર્શન મળે છે અને સામુહિક રીતે એક દિવ્ય ઉર્જાનો સંચાર થાય છે.
રાજકોટના આંગણે બાર વર્ષ પછી રામકથારૂપી રૂડો અવસર આવી રહયો છે અને સમગ્ર સૌરાષ્ટ્રભરની જનતામાં આ ધાર્મિકોત્સવ થકી ભકિતરસ માણવા થનગનાટ વ્યાપી ગયો છે ત્યારે સદભાવના વૃધ્ધાશ્રમ પરિવાર ઘ્વારા નવનિર્મિત ભવનના લાભાર્થે પૂ. મોરારિબાપુના શ્રીમુખે રામકથાના પ્રારંભે ભવ્યાતિભવ્ય પોથીયાત્રાનો લ્હાવો લઈ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભકતવૃંદે હર્ષોલ્લાસથી આ ધર્મોત્સવને માણ્યો હતો.આ પોથીયાત્રામાં શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક, સેવાકીય, ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ, પોલીસ કમિશનરશ્રી, વિવિધ અધિકારીગણ તથા ધર્મપ્રેમી શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પોથીયાત્રાને સફળ બનાવવા સમગ્ર ટીમ છેલ્લા એક મહિનાની જહેમત ઉઠાવાઈ હતી.
ત્યારે આ પોથીયાત્રાનાને સફળ બનાવવા પોથીયાત્રાના મુખ્ય કન્વીનર કિશનભાઈ ટીલવા, વિપુલભાઈ પાનેલીયા તથા નિતેશભાઈ ચોપડા, અજયભાઈ રાજાણી, મોહિતભાઈ કાલાવડીયા, યોગીનભાઈ ચનીયારા, દીપકભાઈ કાચા, ભાવેશભાઈ જોષી, જય ગજજર, કશ્યપ મેંદપરા, ભરતસિંહ પરમાર, વિપુલભાઈ છેલલ્યા, વિલાસબેન રૂપારેલીયા, ચંદ્રીકાબેન ચોવટીયા, રશ્મિબેન નોંધણવદરા, જયોત્સનાબેન પેથાણી, મધુબેન ચોવટીયા, કિરણબેન માકડીયા, માલતીબેન સાતા, દિવ્યાબેન ઉમરાળીયા, પલ્લવીબેન જોષી, દેવાંગીબેન મૈયડ, દક્ષાબેન વાઘેલા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટઃ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂજય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે પોથીયાત્રા પૂર્વે મુંજકા–આર્ષ વિદ્યામંદિર, સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે પોથી પુજન કરવામાં આવેલ હતું. આ તકે પૂ. ગુરૂ શરણાનંદી મહારાજ(રમણ રેતી, વૃંદાવન), પૂ. મોરારિબાપુ, પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીએ ઉપસ્થિત રહી શ્લોક ગાન સાથે અને વિદ્વાન ભુદેવો ધ્વારા શાસ્ત્રોકત–વૈદોકત મંત્રોચ્ચાર સાથે પોથીજીનું પૂજન કરાયું હતું.આ તકે પૂ. ગુરૂ શરણાનંદી મહારાજ(રમણ રેતી, વૃંદાવન), પૂ. મોરારિબાપુ, પૂ. પરમાત્માનંદજી સરસ્વતીજીએ સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા અને મિતલભાઈ ખેતાણીને વૃધ્ધોની સેવા અને પર્યાવરણના જતન સહિતના સહિતના સેવાકાર્ય માટે આરંભ કરેલા આ સેવાયજ્ઞ બદલ આર્શિઃવચન પાઠવેલ હતા અને વૈશ્વિક રામકથા ધાર્મિકોત્સવ વિનાવિઘ્ને પૂર્ણ થાય તેવા આશિર્વાદ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૩૦૦ કરોડના માતબરે ખર્ચે વિશ્વનું સૌથી મોટું નિરાધાર વડિલો માટેનો વૃધ્ધાશ્રમ રાજકોટમાં બનવા જઈ રહ્યો છે, તેમજ સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવી તેને ઉછેરીને મોટા કરવા સુધીની જવાબદારી જેમણે નિમિતભાવે અને કર્તવ્યપાલનના ભાગરૂપે ઉપાડી છે તેવા સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે પૂ. મોરારિબાપુની રામકથા રાજકોટમાં શરૂ થઈ છે.
રેડિયો પર કથા
રાજકોટ સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા આજે તા. ૨૩ નવેમ્બરથી લઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૫૦ હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન– પ્રસાદનો લ્હાવો લેશે.
રાજકોટના આંગણે પૂ. મોરારિબાપુની ઁમાનસ સદભાવનાઁ વૈશ્વિક રામકથા રેડીયો દ્વારા સમગ્ર વિશ્વમાં સાંભળી શકાશે. ઁવૈશ્વિક રામકથાનું રેડીયો રાજકોટ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં કથા સમય તા.૨૩ નવેમ્બર,૨૦૨૪ ના સાંજે ૪ થી ૬.૩૦, તા.૨૪ નવેમ્બર,૨૦૨૪ થી તા.૧ ડિસેમ્બર,૨૦૨૪ સવારે ૯ થી બપોરે ૧ૅં૩૦ વાગ્યા સુધીનો રહેશે. આ કથાશ્રવણનું રેડિયો રાજકોટ ૮૯.૬ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેના માધ્યમથી વિશ્વભરના લાખો શ્રોતાઓ રેડિયો અને મોબાઈલ દ્વારા રામકથા શ્રવણનો લાભ લઈ શકશે.
જેના માટે રેડિયો રાજકોટ ૮૯.૬ એફએમના સ્ટેશન ડિરેકટર સંજય મહેતા, મોબાઈલ નં. ૯૧૦૪૩૯૨૫૪૪, નો સંપર્ક કરવાનો રહેશે. રેડિયો રાજકોટ ૮૯.૬ દ્વારા વિશ્વભરમાં કથાશ્રવણનું જીવંત પ્રસારણ સૌજન્ય ચિત્રકૂટ ધામ– તલગાજરડા અને સંગીતની દુનિયા,ઓડિયો સોર્સ સંગીતની દુનિયા, તલગાજરડા રહેશે.
ઓનિકસ દ્વારા એક લાખ વૃક્ષો ઉછેરનો સંકલ્પ
મેટોડા, રાજકોટ સ્થિત 'ONIX રિન્યુએબલ લિમિટેડ' કંપનીના યુવા મેનેજીંગ ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઇ સાવલીયાને પર્યાવરણના જતન માટે કશુંક કરવાનો વિચાર આવ્યો અને તેમણે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક સાધી સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત પૂ.મોરારીબાપુની વૈશ્વિક રામકથા નિમિત્તે ગુજરાતમાં એક લાખ વૃક્ષો વાવી અને જતન કરવાની ઘોષણા કરી છે. જેના ભાગરૂપે રાજકોટમાં ક્રિસ્ટલ મોલથી માંડીને ખીરસરા સુધી ૫૦૦૦ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે જેની જાળવણી હાલ કાર્યરત છે. દિવ્યેશભાઈના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તબક્કામાં અમદાવાદમાં ૨૦ હજાર, વડોદરામાં ૧૦ હજાર, જૂનાગઢમાં પાંચ હજાર, ભાવનગરમાં પાંચ હજાર, સોમનાથ-ધ્વારકા હાઈવે પર ૨૫ હજાર, લખતર-વીરમગામ રોડ પર દસ હજાર, જામકંડોરણામાં ૫૦૦૦, નવાગામમાં ૫૦૦૦, ધોરાજીમાં ૫૦૦૦ વૃક્ષો વાવવાનો નિશ્ચય કર્યો છે. આમ ગુજરાતના શહેરી વિસ્તારમાં જયાં પ્રદૂષણ વધી રહયું છે ત્યાં વૃક્ષોનું હરિયાળું કવચ કરીને પર્યાવરણ સુધારવા ONIX રીન્યુએબલ લિમિટેડ' કંપનીએ કદમ ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ONIX રીન્યુએબલ લિમિટેડ'ના યુવા મેનજિંગ ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઈ સાવલિયાએ ૧૪ વર્ષ પી.જી.વી.સી.એલમાં સેવા બજાવી બાદમાં પિતાજી સ્થાપિત 'બ્ફત્હ્ર રીન્યુએબલ લિમિટેડ'ની ધૂરા સંભાળી કંપનીને સફળતાના શિખર પર પહોંચાડી છે.
સદભાવના વૃદ્ધાશ્રમની વૃક્ષારોપણની પ્રવૃત્તિની વિશેષ નોંધ લેવી પ્રાસંગિક ગણાશે સદભાવના વૃદ્ધાશ્રમનું ભારતને ગ્રીન બનાવવાનું મહત્વાકાંક્ષી સ્વપ્ન છે. અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં ૩૦ લાખ વૃક્ષોનું વાવેતર અને જતન પણ થયું છે. આગામી વર્ષોમાં સમગ્ર સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવવામાં આવશે અને તેનો ઉછેર પણ કરવામાં આવશે. ગુગલ મેપમાંથી કોઈ વિદેશમાંથી પણ જુએ તો તેને ભારત લીલુંછમ (ગ્રીન ગુજરાત) દેખાય એ સદભાવના વૃદ્ધાશ્રમનું સાત્વિક સ્વપ્ન છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં ૩૦,૦૦,૦૦૦ વૃક્ષો વિનામૂલ્યે પીજરા સાથે વાવી તેનું જતન કરવામાં આવ્યું છે, મિયાવાકી જંગલ સ્વરૂપે કરાયું છે. (૯.૧૭)
કેતનભાઇની જહેમત
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ખાતે નવનિર્મિત ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે, જયાં નિરાધાર, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભકિતભાવ સાથે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુ દ્વારા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથાનું આયોજન તા.૨૩ નવેમ્બર ૨૦૨૪થી તા.૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ક૨વામાં આવી રહયું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રેસકોર્ષ ખાતે રામકથા કાર્યાલય ધમધમતું કરાયુ છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જે છેલ્લા બે માસથી કાર્યરત છે.રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારી આ વૈશ્વિક રામકથામાં કેતનભાઈ પટેલની દેખરેખ હેઠળ બે લાખ ચોરસ મીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કથા સ્થળ પર એકસાથે એક લાખ લોકો બેસી શકે તેવા ૧૩૫ર્ં૫૬૧ ફૂટના વિશાળ ત્રણ જર્મન ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભારતીય બેઠક, વીઆઈપી અને વીવીઆઈપીઓ સહિતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે માટે આવનાર હજારો શ્રાવકો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમ્યાન ગ્રાઉન્ડની સંપૂર્ણ સ્વચ્છતા, સિકયુરીટી સહિતની કામગીરી પણ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
સદભાવના વૃધ્ધાશ્રમના મુક સેવક કેતન પટેલ કે જે વોર્ડ–૧૪ના ભાજપના કોર્પોરેટર છે તેઓને તેમના પ્રજાલક્ષી કાર્યોથી વોર્ડમાંથી ૧૦૮ ની ઉપમા આપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ સંગઠનના વિવિધ જવાબદારી સંભાળી ચૂકેલા કેતન પટેલ હાલ રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ–૧૪ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળે છે.

(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
