<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

ઝારખંડના લોકોનો ધન્યવાદ : મહારાષ્ટ્ર્ના પરિણામ અનપેક્ષિત:વિગતવાર વિશ્લેષણ કરીશું: રાહુલ ગાંધી

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર લખ્યું છે કે, ‘ઝારખંડના લોકોનો INDIA ગઠબંધનને વિશાળ જનાદેશ આપવા બદલ દિલથી ધન્યવાદ. મુખ્યમંત્રી હેમંત સોરેન, કોંગ્રેસ અને જેએમએમના તમામ કાર્યકર્તાઓને આ જીત બદલ હાર્દિક શુભકામના. રાજ્યમાં ગઠબંધનની જીત બંધારણની સાથે જળ, જંગલ અને જમીનની સુરક્ષાની જીત છે.’

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામો અંગે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે એક્સ પર લખ્યું છે કે, ‘મહારાષ્ટ્રના પરિણામો અનપેક્ષિત છે. અમે આનું વિગતવાર વિશ્લેષણ કરીશું. રાજ્યના તમામ મતદાર ભાઈઓ અને બહેનોનો તેમના સમર્થન બદલ અને તમામ કાર્યકરોનો તેમની મહેનત બદલ આભાર.’

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં INDIA ગઠબંધના સાથી પક્ષો જેએમએમએ 32 બેઠકો, કોંગ્રેસે (Congress) 16 અને RJDએ 4 બેઠક સહિત કુલ 56 બેઠકો જીતી છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધને 24 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 82 બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 41 છે. સૌથી વધુ બેઠકો જીતનાર હેમંત સોરેન(Hemant Soren)ની પાર્ટી JMMનું ફરી સરકાર બનાવવાનું નિશ્ચિત છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સાથી પક્ષો કોંગ્રેસે 19 બેઠકો, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યુબીટીએ 20 બેઠકો, જ્યારે શરદ પવારની પાર્ટી NCPSPએ 13 બેઠકો જીતી છે. આમ એમવીએએ કુલ 48 બેઠકો જીતી છે. ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના ગઠબંધનવાળી મહાયુતિએ 134 બેઠકો જીતી છે. રાજ્યમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે, જેમાં બહુમતીનો આંકડો 144 છે.

(11:37 PM IST)