<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂ. મોરારીબાપુની રામકથામાં હજુ 24 કલાક નથી થયા ત્યાં સવા કરોડનું દાન એકત્રિત : ઉદ્યોગપતિ પરિવાર દ્વારા એક લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ : પૂ. મોરારીબાપુ- વ્યાસપીઠ તરફથી પાંચ લાખની જાહેરાત : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિજયભાઈ રૂપાણી સહિતનાની ઉપસ્થિતિ

સદભાવના દ્વારા ઈશ્વરીય વ્યવસ્થા અને પર્યાવરણ બચાવવાના અભિયાનને સૌ લોકોએ તન મન અને ધનથી સહયોગ આપવો જોઈએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજકોટ તા.૨૪

   સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના રેસકોર્સ ખાતે ગઈકાલ સાંજથી પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થયો છે આજે શ્રી રામકથાના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રવચન આપ્યું હતું.

      આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સદભાવના દ્વારા ઈશ્વરીય વ્યવસ્થા અને પર્યાવરણ બચાવવાના અભિયાનને સૌ લોકોએ તન મન અને ધનથી સહયોગ આપવો જોઈએ.

        આજે શ્રી રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટ મુંજકા આશ્રમના પૂજ્ય પરમાત્માનંદજી, રમણ રેતી આશ્રમના મહંતશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ જ ભાવિકો મોટી સંખ્યામાં કથાનું રસપાન કરી રહ્યા છે.

     પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે, ગઈકાલથી શરૂ થયેલી શ્રી રામકથાના માધ્યમથી સેવા કાર્ય શરૂ થયું છે હજુ કથા શરૂ થયા ને 24 કલાક નથી થયા ત્યાં આસદ કાર્યમાં સદભાવનાને સવા કરોડ એકત્ર થઈ ગયા છે તેમજ એક ઉદ્યોગપતિ પરિવાર દ્વારા એક લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે જેનો ખર્ચ 30 કરોડ રૂપિયા થશે મોરારીબાપુએ જણાવ્યું હતું કે આ સેવા કાર્યમાં અમારી વ્યાસપીઠ દ્વારા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવશે.

સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા રામપર ગામ ખાતે 30 એકર જગ્યામાં, સમગ્ર દેશનાં નિઃસંતાન પથારીવશ–નીરાધાર-લાચાર 5000 જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તેવું નવા વૃધ્ધાશ્રમનું નિર્માણ 300 કરોડ રૂપીયાનાં ખર્ચે શરૂ થઈ રહ્યું છે. પ્રખર રામાયણી પ.પૂ. મોરારીબાપુ દ્વારા રાજકોટમાં 12 વર્ષ પછી વૃધ્ધો અને વૃક્ષોના શુભાર્થે સદભાવના વૃધ્ધાશ્રમને નિમીત બનાવી, સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે 'માનસ સદભાવના' વૈશ્વિક રામકથાનું આયોજન કરાયું છે. જેનો આજે બીજો દિવસ છે.

     સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃક્ષ વાવવાના અભિયાન અંતર્ગત આયોજિત શ્રી રામકથામાં સંચાલન મિતલભાઈ ખેતાણી દ્વારા કરવામાં આવે છે તેમજ વિજયભાઈ ડોબરીયા અને સેવાભાવીઓ દ્વારા શ્રી રામકથાના સફળ આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

(12:30 PM IST)