<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

દેવાના બોજ તળે દટાયેલી મહાસત્તા: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કનું સોશિયલ મીડિયામાં નિવેદન: સનસનાટી મચી

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ એવો અમેરિકા નાદારીના માર્ગે

અમેરીકા : વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ એવો અમેરિકા નાદારીના માર્ગે છે. આવું નિવેદન કોઈ કરે તો સૌને ટાઢા પહોરના ગપ્પા જેવું લાગે, પણ જો આવું સ્ટેટમેન્ટ દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ આપે તો? તો એમ થાય કે વાતમાં કંઈક તો વજૂદ હશે. કંઈક એવું જ બન્યું છે હાલમાં. અમેરિકાની કંપની ‘ટેસ્લા’ના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આવું નિવેદન લખ્યું છે, જેને લીધે સનસનાટી મચી ગઈ છે. ચાલો જાણીએ કે, મસ્કે આવું શા માટે લખ્યું.

છેલ્લા ઘણા સમયથી અમેરિકા તોતિંગ દેવાના બોજ તળે દબાયેલું હોવાની ચર્ચા થતી રહેતી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના ચૂંટણી પ્રચારમાં અમેરિકાના ખર્ચ પર કાપ મૂકવાની તાતી જરૂર હોવાનું કહ્યું હતું. તાજા આંકડા જોઈએ તો અમેરિકાનું રાષ્ટ્રીય દેવું 36 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. છેલ્લા ચાર મહિનામાં દેવું એક ટ્રિલિયન ડૉલર વધી ગયું છે. પ્રત્યેક અમેરિકન નાગરિક પર હાલમાં એક લાખ ડૉલરથી વધુના દેવાનો બોજ છે.

(7:05 PM IST)