<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રી પર ફેંકાયેલો મોબાઈલ ફોન બાબાના ગાલ પર વાગ્‍યો

હિંદુ એકતા યાત્રા દરમિયાન

 

ઝાંસી, તા.૨૬: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીની હિન્‍દુ એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી છે. આ યાત્રા દરમિયાન કોઈ વ્‍યક્‍તિએ બાબા પર મોબાઈલ ફોન ફેંકયો, જે બાબાના ગાલ પર વાગી ગયો. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્‍યું હતું કે, કોઈએ મોબાઈલ ફેંકીને માર્યો છે, અમને મોબાઈલ મળી ગયો છે. તેમને આના કારણે ઇજા થઇ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

યાત્રા દરમિયાન બાબા પોતાના ભક્‍તો સાથે પગપાળા જઈ રહયા હતા, તે દરમિયાન આ ઘટના બની. તેઓ માઈક્રોફોન દ્વારા તેમની સાથે આવેલા ભક્‍તો અને સમર્થકોને સંબોધિત કરી રહ્‍યા હતા. દરમિયાન તેણે કહયું હતું કે, ‘કોઈએ અમને ફૂલો સાથેનો મોબાઈલ ફોન ફેંકી દીધો છે. અમને તે મળી આવ્‍યો છે.'

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીની હિંદુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. બાગેશ્વર ધામથી ઓરછા સુધીની તેમની સફરને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્‍યો છે. તેની સાથે હજારો લોકો ચાલી રહયા છે. જે માર્ગો પરથી પદયાત્રા પસાર થઈ રહી છે ત્‍યાં તેનું ફૂલહારથી સ્‍વાગત કરવામાં આવી રહયું છે.

૨૧ નવેમ્‍બરથી શરૂ થયેલી બાબાની આ યાત્રામાં અભિનેતા સંજય દત્ત અને ધ ગ્રેટ ખલીએ પણ ભાગ લીધો છે. આ સિવાય બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, બીજેપી ધારાસભ્‍ય રાજેશ્વર શર્મા અને કોંગ્રેસના ધારાસભ્‍ય જયવર્ધન સિંહ સહિત ઘણા નેતાઓએ પણ તેમની યાત્રાને સમર્થન આપ્‍યું છે.

આપણે જાતિવાદની જાળમાંથી બહાર આવવું પડશે : ધીરેન્‍દ્ર શાસ્‍ત્રી

આ યાત્રા શરૂ કરતી વખતે ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીએ કહયું હતું કે આપણે બધાએ જાતિના જાળમાંથી બહાર આવવું પડશે. તેમણે સૂત્ર આપ્‍યું - જાતિને વિદાય, આપણે બધા હિન્‍દુઓ ભાઈઓ છીએ. પોતાના ભક્‍તોને સંબોધતા બાબા કહે છે કે તમામ તીર્થયાત્રીઓનું એક જ લક્ષ્ય છે કે સનાતન ધર્મ મજબૂત હોવો જોઈએ, એકબીજામાં એકતા હોવી જોઈએ, કોઈ ભેદભાવ ન હોવો જોઈએ.

(4:04 PM IST)