News of Tuesday, 26th November 2024
મોરારીબાપુએ રાજકોટ જેલના કેદીઓને પ્રવચન આપ્યું: જેલનું ભોજન ભિક્ષા તરીકે લઇ ગયા
કેદીઓને વહેલા મુક્ત થઇ સમાજમાં પુનઃસ્થાપન થાય તેવા આશીર્વાદ આપ્યાઃ સાથે કાનુનનો કરૂણાપુર્વક ઉપયોગ થાય તે પણ કહ્યું: જેલ અધિકારીઓ દ્વારા અભિવાદન કરાયું

રાજકોટ તા. ૨૬: શહેરમાં સદભાવના માનસ કથાનો ગઇકાલે ત્રીજો દિવસ પુરો થયા બાદ સંત પૂજ્ય મોરારી બાપુએ રાજકોટ મધ્યસ્થ જેલની મુલાકાત લીધી હતી. બાપુએ રાજકોટ મધ્યથ જેલમાં કેદીઓને આશીર્વાદ પાઠવી અને અડધો કલાક બંધન વિશે પ્રવચન આપ્યું હતું. તેમજ આ મોરારી બાપુએ આજે રાજકોટ જેલમાં કેદીઓ માટે બનાવવામાં આવેલ ભોજન મહિલા કેદી પાસેથી ભિક્ષા સ્વરૂપે લઇ ગયા હતા તો સાથે જ બાપુએ અધિકારીઓને કાનૂનનો કરૂણાપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મધ્યસ્થ જેલમાં કેદીઓને મોરારીબાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ. કુલ ૮ પ્રકારના બંધન હોય છે. આગળ કહ્યું કે તમે બધા કોઈને કોઈ કર્મ બંધનના કારણે આ જેલમાં છો, અમે બહાર છીએ તે અમે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ. જેલમાં હોઈ કે મહેલમાં હોઈ તે દરેકને કર્મ બંધન લાગુ પડે છે. સાધુ હોય કે શેતાન તે બધાને કર્મ બંધન લાગુ પડે છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, પહેલા સમયમાં એવું હતું કે કોઈ રાજા, રાષ્ટ્રપતિ, સાધુ કે ધર્મગુરૂ જેલમાં જાય તો તેની પાછળ કેદીઓને છોડી દેવા પડતા હતા. આજે તમે બધા પણ એવું વિચારતા હશો કે આવું થાય તો કેવું સારુ, આટલું સાંભળતા જ ઉપસ્થિત કેદીઓ ખળખળાટ હસી પડ્યા હતા. અંતમાં મોરારીબાપુએ કહ્યું કે આજે જેલમાં જે બન્યું હોઈ તે મને ભિક્ષા સ્વરૂપે આપજો. આજે હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ. મોરારીબાપુએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા કેદીઓ વચ્ચે હું રહું અને કથા કરું. ભાવનગરની જેલમાં હુ નવ દિવસ રહ્યો હતો. મને મહારાષ્ટ્રમાં નાસિક જેલમાં મંજૂરી ન આપી. ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી. મેં ભાવનગરમાં જેલમાં કેદીઓની સાથે ભોજન લીધું અને કોટડીમાં જ રહ્યો હતો.
શ્રીમોરારીબાપુએ જેલના તમામ બંદીવાન ભાઇઓ તથા બહેનોને કર્મના સિધ્ધાંતનો ઉદ્દેશ અને અર્થ જણાવી, બંદીવાનોને ગુના ખોરીથી દુર રહેવા તથા તમામ બંદીવાનો વહેલા જેલ મુક્ત થઇ સમાજમાં પુનઃસ્થાપિત થાય તેવા આશિર્વાદ આપેલ હતા. આ પ્રવચન કાર્યક્રમમાં જિલ્લા કાનુનીસેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચિવશ્રી કે.એમ.ગોહેલ તથા ઇ.ચા.અધિક્ષકશ્રી ડી.ડી.પ્રજાપતી તેમજ સિનિયર જેલરશ્રી એમ.આર.ઝાલા દ્વારા ખાસ જહેમત ઉઠાવી સુચારૂ આયોજન કરાયું હતું. કાર્યક્રમના સમાપનમાં કે.એમ.ગોહેલ તેમજ ઇન્ચાર્જ જેલ અધિક્ષક ડી.ડી. પ્રજાપતીે દ્વારા મોરારીબાપુનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તેમજ જેલના બંદીવાન ભાઇઓ બહેનો દ્વારા પણ બાપુનો હૃદય પુર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
