News of Tuesday, 26th November 2024
વૃક્ષો - વૃધ્ધો આંગણાના રત્નો : પૂ. મોરારીબાપુ
દીકરીનો જન્મ થાય ત્યારે સવાયો ઉત્સવ ઉજવો : મોબાઇલમાં વધારે સમય ન આપો : રામકથામાં દિવ્ય માહોલ

રાજકોટ તા. ૨૬ : માનસ સદભાવના રામકથામાં આજે ચોથા દિવસે પૂ. મોરારિ બાપુએ વૃઘ્ધ અને વૃક્ષનો મહિમા ગાતા જણાવ્યું કે આપણે આંગણે વૃઘ્ધ હોય અને વૃક્ષ હોય તો તે રત્ન છે. કારણકે હવે ‘વૃઘ્ધમ શરણં ગચ્છામિ, વૃક્ષં શરણં ગચ્છામિ' કહેવું અનિવાર્ય બની ગયું છે, પૂ. બાપુએ કહયું કે હું અહીં કશુ માંગવા કે લેવા નથી આવ્યો પણ વૃઘ્ધો અને વૃક્ષોની સેવા કરો એવો સાદ દેવા આવ્યો છું.
પૂ. મોરારિ બાપુએ કહયું કે હું પોથી લઈને આવ્યો છું અને પોથી લઈને જતો રહીશ, તમારી પાસે કશું જ માંગતો નથી, માગવાનો પણ નથી પરંતુ એવો સાદ દેવા આવ્યો છું કે તમે સૌ વૃઘ્ધો અને વૃક્ષોની શકય તેટલી વધુ સેવા કરશો. તેમણે કહયું કે માતા-પિતા અને વડીલોની સેવા નિરપેક્ષ ભાવે કરવી જોઈએ. જો સ્વાર્થ રાખશું તો અશાંતિ થશે.
પૂ. મોરારિ બાપુએ દરેક ઘરમાં રહેલા સાત રત્નોની સમજ આપતા જણાવ્યું કે દરેક ઘરમાં સાત રત્નો હોય છે,એમાં તેમણે સાત્વિક ભોજન, સાદા કપડા, વૃક્ષ તથા વૃઘ્ધ, ઓજારો, સાત્વિક મનોરંજનના સાધનો ,ઉત્સવો અને પુસ્તકોને સાત રત્નો ગણાવ્યા. એમણે કહયું કે વેદોમાં વૃક્ષો અને વૃઘ્ધોને આંગણાના રત્નો ગણાવ્યા છે. આપણા આંગણે માતા-પિતા અને વડીલો હોય તે આપણા રત્નો છે, એવી જ રીતે બે-ચાર વૃક્ષો ઉભા હોય તે પણ આપણા રત્નો છે. માટે આ રત્નોની પુરેપુરી સેવા કરવી.
પૂ. બાપુએ કૃષ્ણના એક કથનને યાદ કરતાં કહયું કે ઘ્વારકાધીશે ‘મામેકં શરણં વ્રજઃ' એવું જણાવ્યું છે કે એનો અર્થ એ થાય કે વૃઘ્ધના શરણે જાવ,તેમણે કૃષ્ણની વૃઘ્ધાવસ્થાનો દાખલો આપતા જણાવ્યું કે કૃષ્ણની જયારે ઉંમર થઈ ત્યારે તેમના પુત્રવધુ લક્ષ્મણાએ કેસરવાળા દુધનો વાટકો કૃષ્ણના હાથમાં આપ્યો ત્યારે હાથ ધ્રુજયો, લક્ષ્મણાની આંખમાં આંસુ આવી ગયા કે પોતાના પિતાસમાન સસરા હવે વૃઘ્ધ થઈ ગયા છે. લક્ષ્મણએ કૃષ્ણની કયારેય સેવા છોડી ન હતી.
પૂ. મોરારીબાપુએ એમ પણ કહયું કે ભગવાન શ્રી કૃષ્ણ, તુલસીદાસજી મહારાજ, કબીરજી જેવા અનેક મહાપુરૂષો શતાયુ ભોગવી ચૂકયા છે. આપણા પરિવારમાં પણ ઉંમરલાયક લોકો હોય તો એનું સન્માન કરવું અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી. પૂ. મોરારિબાપુએ ‘બુઘ્ધમ શરણં ગચ્છામિ' જેવા પ્રચલિત કથનની સાથે આજે બીજા બે વાકયો આપ્યા જેમાં ‘વૃક્ષં શરણં ગચ્છામિ, વૃઘ્ધમ શરણં ગચ્છામિ'નો સમાવેશ થાય છે. તેમણે વૃક્ષ અને વૃઘ્ધની આજીવન સેવા કરવા યુવાનોને ભલામણ કરી.
પૂ. મોરારિબાપુએ યુવાનોને અપિલ કરતા કહયું કે ભજો યુવાનીમાં રામ ભજયા હશે તો જ અંત સમયે રામજીની કૃપા પ્રાપ્ત થશે. પૂ. મોરારિ બાપુએ યુવાનોનો એવી પણ અપિલ કરી કે તમારી દિનચર્યા સાથે રાત્રિચર્યા સુધારશો.તેમણે કહયું કે પ્રહલાદે પિતાને, વીભીષણે ભાઈને, બલીરાજાએ ગુરૂને છોડયા હતા કારણ કે આ બધાએ રામને નિંદયા હતા. પૂ. બાપુએ એમ પણ કહયું કે રામની પ્રતિક્ષા કરાય, તેમની પરિક્ષા કયારેય ન કરાય.
પૂ.મોરારિબાપુએ હિમાલયને આંગણે જન્મેલી પાર્વતી વિશે વાત કરતાં કહયું કે તમારે આંગણે દિકરો જન્મે તો ઉત્સવ ઉજવજો પણ, જો દિકરી જન્મે તો સવાયો ઉત્સવ મનાવજો, કારણકે દિકરીના રૂપમાં તમારે ઘરે લક્ષ્મી, કિર્તી, વાણી, સરસ્વતી વગેરે પધાર્યા છે. એવું માનજો.
સદભાવના વૃઘ્ધાશ્રમની વૃક્ષો અને વૃઘ્ધો માટેની આ રામકથામાં આજે પણ હજારોની સંખ્યામાં શ્રઘ્ધાળુઓ ઉમટી પડયા હતા. અને હજારો લોકોએ પ્રસાદ લીધો હતો.
વૃધ્ધો અને વૃક્ષો માટે કુંભમેળા જેવું જ વૈશ્વિક રામકથાનું આયોજન થયું છે. રાજકોટના ઇતિહાસમાં રામમય સુવર્ણ પૃષ્ઠ ઉમેરાઇ રહ્યું છે. દરરોજ કથા મંડપમાં હજારો લોકો કથા શ્રવણ કરી રહ્યા છે. વિશેષ વ્યવસ્થાનો આગ્રહ ન રાખતા, સૌ જયાં જગ્યા મળે ત્યાં સ્થાન લઈને નિમિત્ત આયોજકોને સ્વયંભૂ સહકાર આપી રહ્યા છે૪ તે ગૌરવની બાબત છે. કથા મંડપમાં ઉપસ્થિત લોકો ઉપરાંત દરરોજ ૧.૨૫ લાખ થી વધુ લોકો સોશિયલ મીડિયા લાઈવ દ્વારા કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. પૂ. બાપુએ આજે ‘વૃધ્ધમ્ શરણમ્ ગચ્છામિ' અને ‘વૃક્ષમ્ શરણમ્ ગચ્છામિ' નો ત્રણ વાર સામૂહિક ઉદઘોષ કરાવ્યો હતો અને વૃક્ષ અને વૃદ્ધની સેવા કરવા માટે શપથ લેવડાવ્યા હતા.
સમાજમાં એવાં વૃધ્ધો પણ હોય છે કે જેને કોઇ સંતાનો જ ન હોય, સંતાનો હોય પણ પછીથી સંતાનવિહોણા થયાં હોય, સંતાનમાં ફક્ત દિકરીઓ જ હોય - આવાં બીજા પણ કારણો હોય જેના કારણે વૃધ્ધ લોકો એકલવાયુ જીવન જીવતા હોય. એના માટે પણ વૃધ્ધાશ્રમો હોય અને એ લોકો માટે આ વૃધ્ધાશ્રમો વરદાન સમાન હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિઃસંતાન, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના' શરૂ થઇ ચુકી છે. આ કથા ૧ ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦ એકર જગ્યામાં , ૫૦૦૦ નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું ૧૪૦૦ રૂમ યુક્ત નવું પરિસર ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિનાં લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવાラસુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવીને તેનો, વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃતિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
છોકરાઓને ફોન પકડાવતા નહિ
પૂ. મોરારિબાપુએ વેદમાં જણાવેલ સાત રત્નો આપણાં ઘરમાં જ હોવાનું જણાવી એક રત્ન મનોરંજનને પણ ગણાવ્યું હતું. ઘરમાં મનોરંજન હોવું જરૂરી છે પરંતુ એવું મનોરંજન ન હોવું જોઈએ જેનાથી મન ભ્રષ્ટ થાય, સનાતન ધર્મને નીચે જોવું પડે એવું પણ મનોરંજન ન હોવું જોઈએ. આ વાત સમજાવી પૂ. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી એવી અપીલ કરી હતી કે છોકરાઓને ફોન પકડાવતા નહીં.
યુવાનો વૃધ્ધોના સંરક્ષક બનો
મોરબીની કોલેજના એક વિદ્યાર્થીએ પૂ. બાપુને ચિઠ્ઠી લખી એક એવો સવાલ પૂછ્યો હતો કે પૂ. બાપુ વૃદ્ધોની સેવા સરળ રીતે કેમ કરી શકાય એ સમજાવો. પૂ. બાપુએ ઉત્તર આપ્યો કે વૃદ્ધો હાજર હોય ત્યારે એની સેવા કરો, હાજર ન હોય ત્યારે સ્મરણ કરો એમાં હું ઉમેરૂં છું કે યુવાનો વૃદ્ધોના સંરક્ષક બને. પિતા તમારી પાસે ખડે પગે ઊભા રહે છે ત્યારે જરૂર પડ્યે તમે પણ પિતા સમક્ષ ઊભા રહો. આ ઉપરાંત માતા - પિતાને સમર્પિત થાઓ અને કોઈ અપેક્ષા રાખ્યા વગર વૃદ્ધોની અને વૃક્ષોની સેવા કરો એવી ટહેલ પૂ. બાપુએ ઉપરોક્ત પ્રશ્નના જવાબમાં કરી હતી.
લંડનના ડોલરભાઇ પોપટ રામકથામાં
ખાસ લંડન થી જામજોધપુરના વતની ડોલર પોપટ કનઝવેટિવ પાર્ટીના પ્રથમ લોર્ડ બન્યા ડોલર પોપટ
રાજકોટનાં જામનગર રોડ, રામપર ખાતે નિરાધાર, નિઃસંતાન વળદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો ૭ બિલ્ડીંગ, ૧૧ માળ અને ૧૪૦૦ રૂમનો વળદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. અંદાજિત રૂ.૩૦૦ કરોડના ખર્ચે વળદ્ધાશ્રમ બનશે. નવા બની રહેલા વળદ્ધાશ્રમનાં લાભાર્થે પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા યોજાઈ છે. જે કોઈ આર્થિક- સામાજિક શ્રમદાન આપ્યું છે તેને વળદ્ધાશ્રમમાં જે વડીલો આશરો લે તેમના અંતરથી આશીર્વાદ મળે અને દરેક ઓરડામાં ખાલીપો નહિ પણ રાજીપો વ્યક્ત થાય તેવા શુભ ભાવથી આ વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ લંડન થી જામજોધપુરના વતની લોર્ડ ડોલર પોપટ પધાર્યા છે.
સૌરાષ્ટ્ર કે ગુજરાતની કોઇ વ્યક્તિ કે પરિવાર વિદેશ જાય ત્યાં સ્થાયી થાય, હોટલ-મોટેલ બનાવે અને બિઝનેસમાં એચિવમેન્ટ્સ કરે તો એ વાતની કોને નવાઇ લાગે? સાત સમંદર પાર એવા અનેક દેશો છે જયાં ગુજરાતીતા ગુંજે છે. પરંતુ મૂળ સૌરાષ્ટ્રના એક માણસે બ્રિટનમાં એક એવી સિધ્ધિ મેળવી છે જેની નોંધ લેવી પડે. એ છે લોર્ડ ડોલર પોપટ. જેમના કૂળના મૂળ સૌરાષ્ટ્રના જામજોધપુરમાં છે તેવા આ ડોલરભાઇ તાજેતરમાં જ ઇંગ્લેન્ડની સંસદમાં હાઉસ ઓફ લોર્ડ્સમાં સ્થાન પામ્યા છે અને જો તમે એમ કહેવા માંગતા હો કે લોર્ડ મેઘનાદ દેસાઇ, લોર્ડ ભીખુ પારેખ વગેરે પણ છે જ તો વાત એમ છે કે તે બધા જ ત્યાંની લેબર પાર્ટી સાથે સંકળાયેલા છે. ડોલર પોપટ ઇંગ્લેન્ડની કન્ઝર્વેટિવ પાર્ટીના સૌ પ્રથમ ગુજરાતી લોર્ડ છે. તાજેતરમાં જ તેમના ઘનિષ્ટ મિત્ર અને રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ જયંતિભાઈ ચાંદ્રાને ત્યાં રાજકોટમાં આવેલા ડોલર પોપટે કહ્યું કે તેમની પાર્ટીના જે મુખ્યા મુદ્દા છે તેમાં એક છે ભારત સાથેના સંબંધો વધારે મજબૂત અને ઘનિષ્ટ બનાવવા. લોર્ડ ડોલર પોપટે કન્ઝર્વેટિવ પાર્ટીની તેના એજન્ડાની તો વાત કરી જ પરંતુ રસપ્રદ વાત તો તેમની પોતાની છે. જો માણસ લગન અને મહેનત થી કાંઇ પણ કામ કરે તો ઊંચાઇઓને આંબી શકે. તેનું ઉદાહરણ આ લોર્ડ છે. ડોલર પોપટ કહે છે, હું જે કાંઇ પણ છું તે પૂ.મોરારી બાપૂના આશીર્વાદ અને કળપાથી છું. વર્ષે ત્રણ ચાર વખત ભારત આવવાનું કારણ પણ તેમના દર્શન કરવાની ઇચ્છા જ હોય છે. જે વ્યક્તિ ઇંગ્લેન્ડની સંસદમાં સ્થાન પામ્યા છીએ તેમની જીવનકથા રોમાંચક અને કેટલેક અંશે પ્રેરક છે.
ડોલરભાઇનો જન્મ દક્ષિણ આફ્રિકામાં. તેઓ જ્યારે કુમારાવ્સથામાં પહોંચ્યા ત્યારે જ બરાબર ઇદી અમીને વિદેશીઓને-ભારતીયોને દેશનિકાલ કરવા માંડ્યા, સાડા સત્તર વર્ષની વયે કોઇ જ આધાર કે કોઇ નિશ્વિત મૂકામ વગર તેઓ ઇંગ્લેન્ડ આવ્યા. શરૂઆતમાં એક હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું, દિવસે નોકરી સાંજે એકાઉન્ટનસીના કલાસ કર્યા, ૭૧માં દુકાન શરૂ કરી, પછી બિઝનેસ ફાયનાન્સનો કોર્સ કર્યો અને પછી સેટલ થતા ગયા.
રોજની રામાયણ
હાલમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં પૂ.મોરારીબાપુની રામકથા દરરોજ થઈ રહી છે. પૂ. બાપુ જીવન જીવવાની સારી - સારી વાતો કેટલી સરસ રીતે રોજ સમજાવે છે.
છતાં પણ હર એક ઘરમાં સાસુ - વહુની રોજ થાય છે રામાયણ....
ટ્રાફીક પોલીસની ગેરહાજરીમાં રોજ સર્જાય છે ટ્રાફીકની રામાયણ....
ચૂંટણી આવે ત્યારે નેતાઓ એકબીજાના ટાંગા ખેંચવાની ત્યાં પણ કરે છે રામાયણ....
ભારતની ભોળી જનતા સાથે ડોકટરો રોજ કરે છે છેતરપીંડીની રામાયણ...
કેટલો વિશાળ આપણો દેશ છે છતાં પણ લાંચીયા અધિકારીઓને લીધે રોજ નવા કૌભાંડોની સર્જાય છે રામાયણ...
કવિ સવાલી
રૈયા ગામ, મો.૭૨૮૩૮ ૧૬૩૫૮
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
