<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

કેન્સરને હરાવવાના દાવાથી નવજોતસિંહ સિદ્ધુ ભેખડે ભરાયા : 850 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મળી

સોસાયટીએ કાનૂની નોટિસ મોકલીને સાત દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરવા અને માફીની માગણી કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ તેમના એક દાવાથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટરોના વાંધાઓ બાદ હવે છત્તીસગઢ સિવિલ સોસાયટીએ તેમને કાનૂની નોટિસ મોકલી છે. સિદ્ધુએ આયુર્વેદની મદદથી કેન્સરના ચોથા સ્ટેજને હરાવવાનો દાવો કર્યો હતો. સિદ્ધુની પત્ની નવજોત કૌર કેન્સરથી પીડિત હતી. જોકે તે હવે સ્વસ્થ છે.

  છત્તીસગઢ સિવિલ સોસાયટીએ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 850 કરોડ રૂપિયાની કાનૂની નોટિસ મોકલી છે. મીડિયા રીપોર્ટનું માનીએ તો સોસાયટીના સંયોજકનું કહેવું છે કે નવજોતસિંહ સિદ્ધુએ દાવો કર્યો હતો કે તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુએ 40 દિવસમાં કેન્સરના ચોથા સ્ટેજને હરાવ્યું છે.

  સિદ્ધુએ દાવો કર્યો છે કે તેની પત્નીએ કોઈપણ એલોપેથિક દવાઓ વિના માત્ર તેના આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કેન્સરને હરાવી દીધું છે. સોસાયટીનું કહેવું છે કે કેન્સરના દર્દીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ સાંભળીને દેશ અને વિદેશમાં કેન્સરના દર્દીઓમાં ભ્રમ અને એલોપેથીની દવામાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે.

ડોક્ટર સોલંકીનું કહેવું છે કે તેમની પાસે તમામ દસ્તાવેજો છે, પરંતુ દર્દીની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેઓ તેને જાહેર કરી રહ્યા નથી. આ તમામ બાબતો અંગે સ્પષ્ટતાની માગણી સાથે સોસાયટીએ કાનૂની નોટિસ મોકલીને સાત દિવસમાં સારવારના દસ્તાવેજો રજૂ કરવા અને માફીની માગણી કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો 100 મિલિયન ડોલર એટલે કે 850 કરોડ રૂપિયાના વળતરનો દાવો કરવામાં આવશે.

સોસાયટીએ આ માંગણીઓ રાખી: શું તમે સ્વાસ્થ્ય સંબંધી તમારા પતિના દાવાને સંપૂર્ણ સમર્થન આપો છો?

શું તમને વિવિધ હોસ્પિટલોમાં મળેલી એલોપેથી દવાની સારવારનો કોઈ લાભ નથી મળ્યો?

કેન્સર ફ્રી બનવામાં માત્ર આહાર, લીંબુ પાણી, તુલસીના પાન, હળદર, લીમડાના પાનનું સેવન કરવાથી ફાયદો, કોઈ દવા નથી વાપરી?

જો તમે તમારા પતિના દાવાને સમર્થન આપો છો, તો અમને 7 દિવસની અંદર તમામ પ્રમાણિત દસ્તાવેજો પ્રદાન કરો. જે સાબિત કરે કે તમે કોઈપણ દવા કે તબીબી મદદ વગર તમારા આહારમાં ફેરફાર કરીને માત્ર 40 દિવસમાં સ્ટેજ 4 કેન્સરને હરાવી દીધું છે.

  છત્તીસગઢ સિવિલ સોસાયટીએ લખ્યું છે કે નવજોત કૌર સિદ્ધુ પાસે તેના પતિના દાવાને સમર્થન આપવા માટે કોઈ પ્રમાણિત દસ્તાવેજ કે તબીબી પુરાવા નથી રાખતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરવો જોઈએ, કારણ કે આનાથી અન્ય કેન્સરના દર્દીઓ ભ્રમમાં રહે છે અને તેઓ તેમની દવાઓ છોડીને અને નવજોત સિંહ સિદ્ધુના નિવેદનો પર વિશ્વાસ કરીને તેમના જીવન સાથે ખીલવાડ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નવજોત સિંહ સિદ્ધુએ અમૃતસરમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો.

(12:39 AM IST)