<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

SBIના કર્મચારીઓએ એક વૃદ્ધને ડિજિટલઅરેસ્ટ ફ્રોડથી બચાવીને 13 લાખનું નુકશાન અટકાવ્યું

ડરેલા વૃદ્ધ એસબીઆઈમા પહોંચ્યાં અને બેંક કર્મચારીને કહ્યું કે તે ફિક્સ ડિપોઝીટ તોડીને પૈસા ઉપાડવા માંગે છે : ફેક છે જાણીને પૈસા આપવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી : સરકારી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના કર્મચારીઓની છાપ સારી નથી મનાતી. તેઓ કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરવા ટેવાયેલા છે તેવું લોક લાગણી છે પરંતુ તાજેતરમાં સામે આવેલા આ કિસ્સાએ આ ભ્રમ તોડી નાખ્યો છે અને કદાચ પહેલી વાર એસબીઆઈ સ્ટાફે ધર્મનું કામ કર્યું છે. 

   હૈદરાબાદમાં એસબીઆઈ શાખાના કર્મચારીઓએ એક વરિષ્ઠ નાગરિકને 'ડિજિટલ અરેસ્ટ'નો શિકાર બનતા અટકાવીને તેમના 13 લાખ બચાવી લીધાં હતા. સાયબર ઠગોએ સ્ટેટ બેંકના 61 વર્ષીય ગ્રાહકને ફસાવીને 13 લાખ કઢાવીની તૈયારીમાં જ હતા પરંતુ તેમના નસીબ સારા કે એસબીઆઈના એલર્ટ કર્મચારીઓ પારખી લીધું અને વેળાસર એક્શન લેતાં વૃદ્ધ બચી ગયાં.

   હકીકતમાં ઠગબાજોએ આ શખ્સને ફોન કરીને કહ્યું કે તે ડિજિટલ ધરપકડ હેઠળ છે અને તેણે આ વિશે કોઈને કહેવાનું નથી. આ પછી ડરેલા વૃદ્ધ એસબીઆઈમા પહોંચ્યાં અને બેંક કર્મચારીને કહ્યું કે તે ફિક્સ ડિપોઝીટ તોડીને પૈસા ઉપાડવા માંગે છે. ગ્રાહકે કહ્યું કે તેને અંગત કારણોસર પૈસા ઉપાડવાની જરૂર હતી. પરંતુ શંકા જતા બેંક કર્મચારી તેમને મેનેજર પાસે લઈ ગયો, પૈસાની શું જરુર છે પૂછવામાં આવતાં કહ્યું કે તે ઘર લેવા માગે છે પરંતુ ક્યાં? એ જવાબ ન આપી શકતાં તેમની શંકા પાકી થઈ કે તેઓ ડિજિટલ અરેસ્ટના ફંદામાં ફસાયાં છે આથી બેન્કવાળાએ તત્કાળ પૈસા આપવાનો ઈન્કાર કરીને તેમને ઘેર મોકલી દીધાં અને પોલીસમાં ફરિયાદ લખાવી દીધી.

  લગભગ ત્રણ દિવસના ત્રાસ પછી વૃદ્ધને ખબર પડી કે તેઓ છેતરપિંડીનો ભોગ બન્યાં છે અને આથી તેમણે ઠગબાજોનો ફોન કાપી નાખ્યો અને આ રીતે તેઓ 13 લાખના ફ્રોડથી બચી ગયાં હતા.

   ડિજિટલ ધરપકડ...આ સાયબર ક્રાઇમની નવી પદ્ધતિ છે. સાયબર ફ્રોડ લોકોને ફસાવવા માટે બ્લેકમેલિંગની રમત રમે છે અને લોકો તેની જાળમાં ફસાઈ જાય છે. ડિજિટલ અરેસ્ટમાં ઠગબાજો તમને ફોન કરીને પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે કે બીજા કોઈ અધિકારી તરીકે આપીને ફસાવે છે અને તમને ડરાવીને પૈસા ઓકાવે છે. 

    હકીકતમાં તપાસ એજન્સી કે પોલીસ તમને ફોન કરીને ધમકી આપતી નથી. તપાસ એજન્સી કે પોલીસ કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરે છે. જો તમને પણ આવા ધમકીભર્યા કોલ્સ આવે છે, તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ અથવા 1930 નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફોન કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ. તમે @cyberdost દ્વારા સોશિયલ મીડિયા સાઇટ X પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.

(12:46 AM IST)