<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમને લોથલમાં મોટો અકસ્માત નડ્યો : મોટા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારીઓ ઉપર ભેખડ પડતા એક દબાઈ ગયા : એકનું મોત

લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ અને સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ હોવાથી દિલ્હી અને ગાંધીનગરથી ટીમો આવી હતી અને સંશોધન કાર્ય હાથ ધરાયું હતું આ દરમિયાન દુર્ઘટના સર્જાય

નવી દિલ્હી તા.૨૭ : લોથલમાં દિલ્હી અને ગાંધીનગરથી પહોંચેલી રિસર્ચની ટીમને મોટો અકસ્માત નડ્યો છે.  લોથલમાં માટીના સેમ્પલ લેવા માટે મોટા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારીઓ ઉતર્યા હતા, ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતાં બે મહિલાઓના દટાઇ જતાં 1નું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા અધિકારી હજુ સુધી દટાયેલા છે. જેમને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

ઘટનાની જાણ થતાં 108 ની ટીમ સહિત પોલીસ અને અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા મહિલા અધિકારી દિલ્હીના હોવાનું અનુમાન છે.  તો બીજી તરફ અન્ય એક મહિલા અધિકારી માટીની ભેખડ નીચે દટાયેલા છે તેમણે બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 108ની ટીમ ખાડામાં ઉતરી છે અને માટી ઉલેચવાની કામગીરી હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા છે. 

જાણો શું છે લોથલનો ઇતિહાસ

લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે, જે બહાઈ પ્રદેશમાં સ્થિત હતું. તે આજના સમયમાં ગુજરાત તરીકે ઓળખાય છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યું પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે. લોથલને ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ ગણવામાં આવે છે, જેનો સમયગાળો 2450 થી 1900 સુધીનો હોવાનું પણ માનવામાં આવે છે.  પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપારીમથક હતું. 

એવું પણ કહેવામાં આવે છે કે લોથલમાં માનવવસ્તીનો સૌથી પ્રથમ વસવાટ થયો હતો. ત્યારબાદ 2350 માં જ્યારે કુદરતી હોનારત સર્જાઇ ત્યારે તમામ ઘર અને આવાસો નાશ પામ્યા હતા. ત્યારબાદ એક ઉંચા ટેકરા પર નવું નગર વસાવવામાં આવ્યું હતું. અહીં પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે જાણવા મળે છે કે લોથલમાં વર્ષો પહેલાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી. તે સમયગાળા મોટા અને વિશાળ મકાનો હતા. સુવ્યવસ્થિત નગર રચના જોવા મળે છે, જેમાં બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

1976ના વર્ષમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. લોથલની સાઇટ પર તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમમાં તે વખતના ઘરેણા, ઓજારો, હથિયારો, રસોઇના સાધનો સહિતની વિવિધ ઐતિહાસિક, રસપ્રદ ચીજવસ્તુ જોવા મળે છે.  

લોથલનું બાંધકામ ઉમદા આર્કિટેક્ચરનું ઉદાહરણ

લોથલ 1954માં મળી આવ્યુ હતું. અહીંથી ઉત્ખન્ન કરતા જહાજી આવન-જાવનના પુરાવા મળી આવ્યા છે. અહીંથી સંભવત ઘરેણા, વસ્ત્રો, ધાતુ વગેરેની નિકાસ થતી હતી.  લોથલમાં 1850ની સાલ સુધી જહાજો લંગારી શકાય એવો દરિયો હતો. હવે તો દરિયાનું પાણી ખાસ્સુ દૂર જતું રહ્યું છે. ભારતીય પુરાતત્ત્વ ખાતાએ સંગ્રહાલય બનાવ્યુ છે. તેમાં અહીંથી મળી આવેલા કેટલાક અવશેષો રાખવામાં આવ્યા છે. લોથલ પુરાતત્ત્વિય શહેર ઉપરાંત અનેક રીતે મહત્ત્વનું છે. લોથલના અભ્યાસથી સિંધુ ખીણ અંગે તો જાણકારી મળી જ શકી છે. સાથે સાથે લોથલના કારણે સાડા ચાર હજાર વર્ષ પહેલાના ભારતનો દરિયાઈ વેપાર જાણી શકાયો છે. 

લોથલનું બાંધકામ એ વખતના ઉમદા આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. દુનિયાના પુરાતન બંદર અને નગર તરીકે વિશ્વભરના વિદ્વાનો નિયમિત રીતે લોથલનો અભ્યાસ કરવા આવતા રહે છે. એ વખતના વાસણો, હથિયારો, બાંધકામોની રચના વગેરે લોથલના કારણે જાણી શકાયુ છે.  ભારતના ગોવા અને ઈજિપ્તના સુએઝ અખાતમાંથી પુરાતત્ત્વ શાસ્ત્રીઓને જગતના સૌથી જુના બંદરો મળી આવ્યા છે. એ બંદરોનો સમયગાળો પણ લોથલના સમય જેટલો જ જૂનો છે. એટલે કે સાડા ચાર હજાર વર્ષ પહેલા જગતમાં જે કેટલાક બંદરોનો દબદબો હતો, તેમાં લોથલનો સમાવેશ થાય છે.

(3:02 PM IST)