<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

ભલે સૌથી મોટો પક્ષવાળો ગમે તે હોય, તમે જ CM જ બનશો : શિંદેને ચૂંટણી પહેલા ભાજપે આપી હતી ખાતરી

એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત એકનાથ શિંદેના કારણે જ થઈ હતી : વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નામે લડવામાં આવી હતી

નવી દિલ્‍હી, તા.૨૭: મહારાષ્ટ્રમાં નવા મુખ્‍યમંત્રી માટેનો ચહેરો નક્કી થયો નથી. ભાજપના નેતા દેવેન્‍દ્ર ફડણવીસ અને શિવસેના નેતા એકનાથ શિંદેના નામની ચર્ચા થઈ રહી છે. દરમિયાન શિવસેનાએ દાવો કર્યો છે કે મહાયુતિમાં સીટોની વહેંચણી સમયે શિવસેનાને જ સીએમ પદ આપવાનું આશ્વાસન આપવામાં આવ્‍યું હતું. શિવસેનાએ એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે પાર્ટીના વડા એકનાથ શિંદે ડેપ્‍યુટી સીએમ પદ સ્‍વીકારશે નહીં. આ બધા વચ્‍ચે ભાજપની ટોચની નેતાગીરીએ ફરી એકવાર દેવેન્‍દ્ર ફડણવીસને દિલ્‍હી બોલાવ્‍યા છે.

એકનાથ શિંદે જૂથનું કહેવું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની શાનદાર જીત એકનાથ શિંદેના કારણે જ થઈ હતી. શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્‍યું કે વિધાનસભાની ચૂંટણી એકનાથ શિંદેના નામે લડવામાં આવી હતી. તેઓ મુખ્‍યમંત્રી તરીકે પાછા ફરવાને લાયક છે. તેઓ નાયબ મુખ્‍યમંત્રી પદ સ્‍વીકારશે નહીં.

શિવસેનાના ટોચના સૂત્રોએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા નક્કી કરવામાં આવ્‍યું હતું કે જો મહાયુતિને બહુમતી મળે છે અને ફરીથી સરકાર બનાવવાની તક મળે છે તો શિવસેનાને મુખ્‍યમંત્રી પદ આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્‍યું કે, ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી. તે બેઠકોમાં નક્કી કરવામાં આવ્‍યું હતું કે ભાજપ શકય તેટલી બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે અને ચૂંટણી લડશે. જો કે મહાગઠબંધનમાં કોણે કેટલી બેઠકો જીતી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. જો પરિણામોમાં મહાગઠબંધનને બહુમતી મળે છે તો શિંદે મુખ્‍યમંત્રી રહેશે.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધનનો જંગી વિજય થયો છે. મહાયુતિની ચૂંટણીમાં ભાજપના સૌથી વધુ ૧૩૨ ઉમેદવારો જીત્‍યા હતા. શિવસેનાને ૫૭ અને એનસીપીએ ૪૧ સીટો જીતી છે. જેએસએસને ૨ સીટ અને આરએસજેપીએ એક સીટ જીતી હતી. આ વખતે ભાજપે ચૂંટણીમાં ૧૪૯ ઉમેદવારો ઉભા રાખ્‍યા હતા. જ્‍યારે શિવસેનાએ ૮૧ અને એનસીપીએ ૫૯ ઉમેદવારોને ટિકિટ આપી હતી. ભાજપે ૨૦૧૯ની ચૂંટણીમાં ૧૫૨ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.

શિવસેનાએ શું કહ્‍યું...

શિવસેનાના નેતા સંજય શિરસાટે કહયું કે, જો ભાજપ અમારી માંગ (શિંદેને મુખ્‍યમંત્રી બનાવવા) પૂરી કરે છે, તો તેનાથી લોકોને સારો સંદેશ જશે. જો શિંદે મુખ્‍યમંત્રી બનશે તો ભવિષ્‍યની ચૂંટણી અમારા માટે ફાયદાકારક સાબિત થશે.

સૂત્રોનું કહેવું છે કે ભાજપ મુખ્‍યમંત્રી પદ માટે દેવેન્‍દ્ર ફડણવીસના નામ પર અડગ છે અને ‘બિહાર મોડલ'નો ઇનકાર કરી દીધો છે. વાસ્‍તવમાં, મહાયુતિમાં સહયોગી શિવસેનાના કેટલાક નેતાઓએ સૂચન કર્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ NDAએ બિહારની જેમ શિવસેનાને મુખ્‍યમંત્રી બનાવવા જોઈએ. બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ મુખ્‍ય પ્રધાન જેડીયુ પ્રમુખ નીતિશ કુમાર છે.

(3:26 PM IST)