<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th November 2024

જ્વેલર્સની ખરીદીના પગલે મંદીને બ્રેક :દિલ્હીમાં સોનામાં રૂપિયા 650 અને ચાંદીમાં 5,200 રૂપિયાનો જબરો ઉછાળો

સોનાનો ડિસેમ્બર વાયદો રૂપિયા 702 એટલે કે 0.93 ટકા વધી રૂપિયા 75,913 રહ્યો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂપિયા 280 એટલે કે 0.32 ટકા વધી રૂપિયા 88,530 રહ્યો

નવી દિલ્હી : વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત વલણ અને સ્થાનિક સ્તરે જ્વેલર્સની ખરીદીનો ટેકો મળતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 650 ઉછળી રૂપિયા 78,800 થયા છે, જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 5,200 ઉછળી રૂપિયા 95,800 રહ્યો છે.

આ સાથે ચાંદીમાં અગાઉ 21મી ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં રૂપિયા 5000નો ઉછાળો જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસ દરમિયાન ચાંદીના કિલો દીઠ ભાવ રૂપિયા 2,700 ગગડ્યાં હતા. બજારના નિષ્ણાતોનું માનવું છે કે ભૂ-રાજકીય સ્થિતિ તંગ બનતા અને ઔદ્યોગિક સેક્ટરમાં ચાંદીનો સતત વપરાશ વધવા સાથે સ્થાનિક બજારમાં માંગનો ટેકો મળ્યો છે.

દરમિયાન MCX ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો રૂપિયા 702 એટલે કે 0.93 ટકા વધી રૂપિયા 75,913 રહ્યો હતો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂપિયા 280 એટલે કે 0.32 ટકા વધી રૂપિયા 88,530 રહ્યો હતો. દરમિયાન અમદાવાદ ખાતે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી જ્યારે ચાંદીમાં સ્થિર વલણ રહ્યું હતું. અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 500 ઉછળી રૂપિયા 78,800 અને અમદાવાદ સોનું (99.5) રૂપિયા 50 વધી રૂપિયા 78,600 રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનનો ઔંસદીઠ ભાવ 2,640 ડોલર ક્વોટ થયા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.33 ટકા વધી 30.94 ડોલર રહ્યો હતો.

(8:49 PM IST)