News of Saturday, 30th November 2024
નાઈઝીરિયાની નદીમાં હોડી પલટી મારતા ૨૭ લોકોના દર્દનાક મોત
૧૦૦ થી વધુ લોકો લાપતા : બચાવ કાર્ય હજુ ચાલુઃ બોટમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા

લંડન, તા.૩૦: ઉત્તરી નાઈજીરીયામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં શુક્રવારે નાઈજર નદીના કિનારે એક મોટી હોડી પલટી જવાથી ૨૭ લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી મળી હતી. આ ઉપરાંત ૧૦૦ થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.
નાઇજર સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ઇબ્રાહિમ ઓડુએ જણાવ્યું હતું કે બોટ ડૂબી જવાના સમયે, બોટમાં લગભગ ૨૦૦ મુસાફરો હતા જે કોગી રાજ્યથી પડોશી નાઇજર રાજ્ય જઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર ફેલાતાં નાસભાગ વધી ગઈ હોવાનું નોંધીને નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના પ્રવક્તા મકામા સુલેમાને જણાવ્યું હતું કે બોટમાં મુખ્યત્વે મધ્ય કોગી રાજ્યના મીસા સમુદાયના વેપારીઓ હતા. જેઓ પડોશી નાઈજર રાજ્યમાં સાપ્તાહિક બજારમાં જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.
દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે બોટમાં ૨૦૦થી વધુ લોકો સવાર હતા. આના પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા. જો કે આ સિવાય અધિકારીઓએ બોટ ડૂબી જવાના અન્ય કોઈ કારણની પુષ્ટિ કરી નથી.
તમને જણાવી દઈએ કે નાઈજીરિયાના દૂરના વિસ્તારોમાં ભારે ભીડ અને ખરાબ રસ્તાઓને કારણે લોકો પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. આ કારણોસર, ત્યાંના મોટાભાગના લોકો બજાર અથવા અન્ય કોઈ કામ માટે બોટ દ્વારા મુસાફરી કરે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
