<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

વાવાઝોડું ફેંગલ પુડુચેરી નજીક ત્રાટકશે: 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે: વહીવટી તંત્ર એલર્ટ

તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી:તમિલનાડુમાં શાળાઓમાં રજા :જનતા માટે ઈમરજન્સી નંબર જાહેર: NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ SDRF ને પણ તૈનાત

નવી દિલ્હી :બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ફેંગલ આજે પુડુચેરી નજીક ત્રાટકશે. આ સમયે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાને પગલે તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર સ્થિત ફેંગલ વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ફેંગલ વાવાઝોડું પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તરી તમિલનાડુ-પુડુચેરી દરિયાકાંઠા ત્રાટકશે તેવી શક્યતા છે.

 

ફેંગલ વાવાઝોડાને પગલે તમિલનાડુ સરકાર દ્વારા નાગરિકોને ઘરની અંદર રહેવા આદેશ આપ્યા છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે કંપનીના નાગિરકોને ઘરેથી કામ કરવા જણાવ્યું છે. માછીમારોને દરિયો ખેડવા ન જવા કડક ચેતવણી આપવામાં આવી છે.

 

નાગરિકો માટે ઈમરજન્સી નંબર 112 અને 1077 જાહેર કરવામાં આવ્યા છે અને સંકટ સમયે મદદ માટે વોટ્સએપ નંબર 9488981070 પણ જાહેર કરાયો છે. લોકોને તાજેતરની માહિતી મેળવતા રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ SDRF ને પણ તૈનાત કરવામાં આવી છે.

(11:21 AM IST)