તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
શોભા, શીલ, સ્નેહ નારીના અલંકારો : પૂ. મોરારીબાપુ
વૃક્ષ - વૃધ્ધમાં બ્રહ્મા - વિષ્ણુ - મહેશ : વૃક્ષ-વૃધ્ધ વગર આપણું કલ્યાણ નથી : કથાની આવતીકાલે પુર્ણાહૂતિ

રાજકોટ તા. ૩૦ : માનસ સદભાવના રામકથાના આજે આઠમા દિવસે પૂ. મોરારિબાપુએ એક શ્લોક દ્વારા વૃક્ષ અને વૃદ્ધનો મહિમા ગાયો. તેમણે શ્લોક ટાંકયો -
‘મૂલે બ્રહ્મા, ત્વચા વિષ્ણુ શાખે રુદ્ર મહેશઃ
પત્રે પત્રે તું દેવસ્ત્રામ, વૃક્ષરાજ નમોસ્તુતે'
પૂ. મોરારિબાપુએ અર્થ કરતાં જણાવ્યું કે જેના મૂળમાં બ્રહ્મા છે. ત્વચા માં વિષ્ણુ છે,શાખામાં મહેશ્વર છે, પાંદડે પાંદડે પરમાત્મા છે તેવા વૃક્ષને અમે પ્રણામ કરીએ છીએ. તેમણે એમ પણ કર્યુ કે વૃદ્ધ ના ચરણમાં પણ બ્રહ્મા વસે છે, તેમાં પણ વિષ્ણુ અને મહેશ છે માટે વૃક્ષ અને વૃદ્ધને હંમેશા પ્રણામ કરવા.
પૂ. મોરારિબાપુએ જણાવ્યું કે સદભાવના વૃદ્ધાશ્રમ ભારતની પૃથ્વીને હરિત કરવા સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ એમાં જોડાઈ જઈએ, વૃક્ષ અને વૃદ્ધ વિના આપણું કલ્યાણ નથી. ભારતીય પરંપરામાં વૃક્ષ અને વૃદ્ધનું મહિમા ગાન કરવામાં આવ્યું છે. તેમણે શાસ્ત્રોમાં આધાર લઈ વૃદ્ધોને જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ, વૈરાગ્યવૃદ્ધ, ધર્મવૃદ્ધ, સ્મૃતિવૃદ્ધ કલ્યા. તેમણે કહ્યું કે રામકથામાં સાત પ્રકારના વૃદ્ધોનો ઉલ્લેખ છે.
પૂ. મોરારિબાપુએ રાજકોટ હવે રામમય બની ગયું છે તેમ કહી કાયમ માટે રામમય રહે એ માટે પોતે હનુમાનજીને પ્રાર્થના કરશે તેવું પણ જણાવ્યું હતું, તેમણે આજની કથામાં સીતાજીનું વર્ણન કરી ભારતીય નારીની શોભા, શીલ, સ્નેહ વગેરે અલંકારો હોવાનું જણાવ્યું, મહાભારતની કથા યાદ કરીને મહાભારતમાં જે છે તે દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી એવું પણ જણાવ્યું હતું.
પૂ. મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.પૂ. મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણા બધા સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, ૧૯૬૬માં ગાંઠિલા(તા. વંથલી, જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા. તેમણે કૈલાસ માનસરોવર જઈને ત્યાં પણ કથા પારાયણ કરેલું છે. તેમણે ૯૪૭ કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઇ હતી તે કથામાં એ.આઈ(આર્ટિફીશિયલ ઇન્ટલીજન્સ)નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંરકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
પૂજય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ. યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરુ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું, બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જયાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં - આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ, બાપુએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કણું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો, તેમણે કહ્યું કે આ આયોજને ૧૭ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે. બાપુએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે. તેમણે હંમેશા ભારપૂર્વક કર્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન સહિત અન્ય ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.
પૂ.મોરારિબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ, પુણ્ય આહુતિ આપી છે. પૂ.બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે. વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે - દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.
રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. ૧૯૭૬માં થઇ હતી ત્યારબાદ ૧૯૮૨, ૧૯૮૬ અને એ પછી ૧૯૯૮ માં માનસ મુદ્રિકા, ૨૦૦૭ માં માનસ વાલ્મિકી,૨૦૧૨ માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિઃસંતાન, નિરાધાર, પથારીવશ,બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથા ‘માનસ સદભાવના' શરૂ થઇ ચુકી છે. આ કથા ૧ ડીસેમ્બર સુધી ચાલશે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ૩૦ એકર જગ્યામાં, ૫૦૦૦ નિઃસંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું ૧૪૦૦ શૂા યુક્ત નવું પરિસર ૩૦૦ કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમનાં વડીલો અને તેની વૃક્ષારોપણની પ્રવૃત્તિના લાભાર્થે આ વૈશ્વિક રામકથા યોજાઈ છે. રામકથા દરમિયાન વડિલોનું માન, પર્યાવરણ જતન અને જીવનમાં વૃક્ષોના મહત્વ અંગેની પણ વાત કરવામાં આવી રહી છે. આ કથા દરમિયાન જે પણ અનુદાન એકત્રિત થશે તે સદભાવના વૃધ્ધાશ્રમની સેવા-સુશ્રુસા, નવા અદ્યતન પરિસરના નિર્માણ અને સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવીને તેનો ૪ વર્ષ સુધી ઉછેર કરવાની પ્રવૃત્તિના વિકાસ માટે, સમગ્ર ભારતને ગ્રીન કરવા માટે વાપરવામાં આવશે.
નાગરિક બેંક દ્વારા ૧૧ લાખનું અનુદાન
રાજકોટ : રાજકોટ નાગરીક બેંક લી. દ્વારા અગાઉથી ઘોષિત થયેલું ૧૧ લાખનું અનુદાન રાજકોટ નાગરીક બેંક લી. ના સર્વે સતાધીશોએ સામાજિક ઉતરદાયિત્વનાં ભાગરૂપે દિનેશભાઈ પાઠક (ચેરમેન), ડાયરેકટરો જયોતીબેન ભટ્ટ, ચંદ્રેશભાઇ ધોળકીયા, હસુભાઈ ચંદારાણા, બ્રિજેશભાઈ મલકાણ, મૌલીકભાઈ શાહ, અશોકભાઈ ગાંધી તથા પૂર્વ ડાયરેકટર હંસરાજભાઈ ગજેરા, દેવાંગભાઈ માંકડ, એડવોકેટ ડો. માધવ દવે દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ પૂ. મોરારિબાપુની વૈશ્વિક માનસ સદભાવના રામકથામાં પધારી સદભાવના વૃદ્ધાશ્રમના વડીલોની સેવા માટે બેંક દ્વારા અગાઉથી ઘોષિત થયેલું ૧૧ લાખનું અનુદાન અપાયું. રાજકોટ નાગરીક બેંક લી. ના આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વૃદ્ધોના કલ્યાણ માટેનાં આ સારા કાર્યને પ્રોત્સાહન મળશે.
દિવ્યેશભાઇ સાવલિયા દ્વારા રૂા. ૫૫ લાખનું અનુદાન
રાજકોટ : મેટોડા સ્થિત ઓનિકસ રીન્યુએબલ લિમિટેડ કંપનીના યુવા મેનેજિંગ ડિરેકટર દિવ્યેશભાઈ મનસુખભાઈ સાવલિયાએ પર્યાવરણના જતન માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપતાં ‘માનસ સદભાવના' વૈશ્વિક રામકથા વ્યાસપીઠ ઉપર દૈદીપ્યમાન થતાં ૧૧ વૃક્ષો કે જેમાં લીમડો,પીપળો, વડ સહિતના વૃક્ષો સુશોભન-પ્રતિકરૂપે રાખવામાં આવેલ છે. જેનું એક વૃક્ષનું મૂલ્ય રૂ. પ (પાંચ) લાખ થાય છે, તેવા ૧૧ વૃક્ષના રૂપિયા પપ (પંચાવન) લાખ રૂપિયાનું અનુદાન સદભાવના વૃઘ્ધાશ્રમ પરિવારને આજે રામકથાના આઠમા દિવસે જાહેર કરેલ હતું.
રાજકોટ : વડીલો અને વૃક્ષોના જતન-સારસંભાળના ઉમદા આશયથી સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે. ત્યારે રાજકોટ શહેર -જિલ્લા તેમજ બહારગામ અને દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં ભકત સમુદાય રામકથા શ્રવણનો લ્હાવો લેવા રાજકોટના આંગણે પધારી રહયો છે ત્યારે ભજન અને ભોજન ના આ અનોખા સંગમમાં રોજ પ૦ હજારથી વધુ શ્રાવકો કથાશ્રવણ અને ભોજન-પ્રસાદનો લહાવો લઈ ભકિતરસમાં તરબોળ થઈ રહયા છે. ત્યારે રાજકોટના આંગણે આ સુંદર અને સુચારૂ આયોજનમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી.ની વ્યવસ્થા, કથાશ્રવણઅર્થે આવતા શ્રાવકોની સધન સુરક્ષા, ભોજન વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થાના સુચારૂ આયોજન માટે સવારે ૯:૦૦ થી બપોરે ૪:૦૦ રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલ ખાતે એમ.જે. સોલંકી- ગીરીરાજસિંહ રાઠોડ સંચાલિત સિકયુરીટી એજન્સીના પુરૂષ અને મહિલાઓ સહિત ૩૦થી વધુ સિકયુરીટી ગાર્ડ, ૧૦ બાઉન્સરો તેમજ રાત્રિના નાઈટ ડયૂટી દરમ્યાન રેસકોર્ષ ગેઈટની અંદર કોઈ ફેરીયા કે પાથરણાંવાળા ન ઘૂસી જાય તે માટે ૮ સિકયુરીટી ગાર્ડ નિઃસ્વાર્થપણે પોતાની ફરજ બજાવી રહયા છે.
યુધ્ધ ધર્મના નહિ, અધર્મના હોય
* પૂ. મોરારિબાપુના ચૂંટેલા વચનો
* હૈતપૂર્વકના હેતુ માટેની ઉપકારક રામક્થા એટલે માનસ સદભાવના રામકથા
*બે ઘડી માટે આ મેદાનમાં એવું લાગે છે કે આપણે કોઈ વૈશ્વીક પાઠશાળામાં બેઠા છીએ.
* વૃધ્ધનાં ચરણમાં પણ દેવતા છે. ત્યાં બ્રહમા નિવાસ કરે છે.
* હમણાં રાજકોટ રામમય છે, હનુમાનજીને પ્રાર્થના કરતો જઈશ કે મારૂ રાજકોટ કાયમ રામમય રહે.
* વૃધ્ધો આપણા પાલક છે, વિષ્ણુ છે.
* વૃધ્ધ આપણા દુઃખને હરી લે, વૃધ્ધ એ આપણો મહાદેવ છે.
* વેદનું પણ રક્ષણ થવું જોઈએ,કેમ કે વેદ આપણું રક્ષણ કરે છે.
* સમજદાર બહેનપણી સાથે ફરવા જાઓ તો એ ફૈલાસર ઘરભેગા કરે
* આપણે પશુમાં પરમાત્માનાં દર્શન કરીએ, ગાયમાં હરીદર્શન કરીએ, ગાયોનું જતન કરજો, પ્રેમ કરજો. ગાયના ગોબરમાં લક્ષ્મી છે.
* તુલસીની આડમાં શ્યામનાં દર્શન કરો.
* પીપળની આડમાં વિષ્ણુના દર્શન કરો.
* બિલીની આડમાં મહાદેવના દર્શન કરો.
* વૃક્ષને ગાવાનું મન થાય છે ત્યારે તે પંખી બની જાય છેラકવિ રાજેશ પંડયા
* આપણે ઝાડ કાપીએ છીએ ત્યારે બ્રડ નથી કપાતું કેટલાય પક્ષીઓનો આશરો કાપીએ. છીએ જો આવશ્યક હોય તો પાંચ વૃક્ષ વાવીને પછી જ કાપવું.
* વૃક્ષ અને વૃધ્ધને મારા ઋષી પ્રણામ
* રાજકોટમાં વૃધ્ધાશ્રમ નહી વૃધ્ધ મંદીર બની રહયું છે
* જેની પાસે ઋષી વાણી અને મુનિનું મૌન હોય તે શિક્ષક છે.
* કાઠીયાવાડનો પ્રિય શબ્દ ‘કંઇ ઘટે નહી'
* ઈશારો જે સમજે તે આશ્રિત, સંકેત સમજે તે શિષ્ય
* બોલ બોલ કરે એના શત્રુ હોય, જેટલું વધુ બોલીએ તેટલા શત્રુ ઉભા થાય
* રામનામ જેનો મંત્ર હોય તેવા કોઈનું શોષણ ન કરવું
* ધર્મ હોય ત્યાં શ્રધ્ધા હોય, મૈત્રી હોય, દયા હોય, તૃષ્ટિ હોય.
* આ યુગમાં કોઈપણ યુધ્ધ બે ધર્મો વચ્ચે નથી થયા. બે અધર્મો વચ્ચે જ થાય છે.
* યુનિવર્સિટી ન બની શકીએ તો ગરીબ બાળકની ફી તો ભરી શકીએ.
* હોસ્પીટલ ન બની શકીએ તો ગરીબ દર્દીની દવા કરીએ.
*જયાંથી વિકારો જન્મે છે એ વૃતિનો નાશ કરીએ.
* રામે કોઈને મૃત્યુ નથી આપ્યું. મુકિત આપી છે.
ગોવિંદભાઇ ધોળકિયા દ્વારા રૂા. ૧ કરોડનું અનુદાન
સંતરામજી મંદિર, નડિયાદ કલ્પસર સમિતિના અધ્યક્ષ વિનુભાઇ ગાંધી તરફથી લાખોનું અનુદાન
રાજકોટ : માનસ સદભાવના રામકથાના આઠમા દિવસના પ્રારંભે સુરતના ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઇ ધોળકિયા તરફથી ૧ કરોડ રૂપિયા, નડિયાદ સંતરામ મંદિર તરફથી રૂપિયા ૧૧ લાખ, કલ્પસર સરોવર સમિતિ તરફથી ૧૧,૧૧,૧૧૧ નું અનુદાન પ્રાપ્ત થયું.
આ તકે પ. પૂ(ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જેમ પૂ જલારામબાપાનું મંદિર અન્નદાન માટે વિખ્યાત છે તેમ નડિયાદમાં સંતરામ મંદિર વિખ્યાત છે. આજે તેમના સંતોએ અહીં પધારી સદભાવના વૃદ્ધાશ્રમને રૂપિયા ૧૧ લાખનું અનુદાન આપ્યું છે.
કલ્પસર સરોવર સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ગાંધીએ તેમણે મળેલા ૧૧ લાખના અનુદાનમાં ૧,૧૧૧ ઉમેરી સદભાવના વૃદ્ધાશ્રમને એનાયત કર્યા તો સુરતના ઉધ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ ૧ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું. વિનુભાઇ ગાંધીએ આ તકે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના છે. આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહુર્ત કરે આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ.
જાણીતા મોટિવેશનલ રાઈટર પાર્થ ગિરીશભાઈ કોટેચાએ પૂ. મોરારિબાપુને પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું તો સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જ હિતેશભાઈ રૂપારેલીયાની ભાણેજ માર્ગીએ પૂ. બાપુને તેમનું ચિત્ર અર્પણ કર્યું હતું. આજની કથામાં સંતરામ મંદિર, નડિયાદના સંતો, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
૯૭ વર્ષના વિનુભાઇ સેવાકાર્યમાં વ્યસ્ત
રાજકોટ : ૯૭ વર્ષના વિનુભાઈ ગાંધી કલ્પસર સહયોગ સમિતિનું પ્રથમ સંમેલન રાજકોટમાં યોજાયા પછી ૧૫ વર્ષથી કલ્પસર સહયોગ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત છે. કલ્પસર વિભાગના પ્રયોગોમાં રહીને ભાવનગર તથા દહેજ વચ્ચે સુમિત ડેમ પથ રેખા મંજૂર કરાવીને બંને છેડાના અપેક્સ પોઇન્ટની વિધિ કરેલ છે ત્યાં સુધીમાં કલ્પસર સરોવર યોજના અંગે તેમના લેખો પ્રસર્યા છે. સમગ્ર ગુજરાતની જળસંચય ઉપલબ્ધ ૧૧,૦૦૦ થી ૧૨૦૦૦ મિલિયન ઘનમીટર છે. કચ્છ સૌરાષ્ટ્રમાં માટે અન્ય કોઈ વિકલ્પ નથી આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તથા ગુજરાતના સંતુલિત વિકાસ માટે કલ્પસર સરોવર શ્રેષ્ઠ ઉપાય છે.
વિનુભાઈ ગાંધીનું રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ આયોજિત રામકથામાં પૂજય મોરારિબાપુની હાજરીમાં ગોવિંદભાઈ ધોળક્રિયા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું પરસોતમ કામાણી, વિજયભાઈ ડોબરીયા, ડો. દિનેશભાઇ ચોવટિયાની ઉપસ્થિતિમાં વિનુભાઈ ગાંધીએ ૧૧,૧૧,૧૧૧ ની રકમ સદભાવના વૃદ્ધાશ્રમને અર્પણ કરી હતી. વિનુભાઈ ગાંધીએ આ તકે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના છે.

(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
