<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st December 2024

સંભલ મસ્જિદમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામથી મૂળ સ્વરૂપ બદલાઈ ગયું

અમે સમયાંતરે કામ કરવા ગયાં, પણ અમને અટકાવાયા હતા : સંભલ મસ્જિદમાં નિયમોનો ભંગ : ASIએ કર્યો દાવો

સંભલ, તા.૧,

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ કોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં જણાવાયું છે કે, સંભલ જામા મસ્જિદમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ૧૯૨૦થી આ મસ્જિદના સંરક્ષણ અને જાળવણીની જવાબદારી અમારી પાસે છે. પરંતુ લાંબા સમયથી અમારી ટીમને મસ્જિદમાં દાખલ થતી અટકાવવામાં આવી છે. જેથી તેના હાલના બાંધકામની જાણકારી અમારી પાસે નથી.

ASIએ જણાવ્યા પ્રમાણે, તેમની ટીમ સમયાંતરે આ પૌરાણિક મસ્જિદની જાળવણી અને સરવે માટે ગઈ છે. પરંતુ ત્યાંના સ્થાનિકોએ હંમેશા વિરોધ કર્યો અને અમને અંદર જતાં અટકાવ્યા હતા. ASIની ટીમ ૧૯૯૮માં મસ્જિદની અંદર ચકાસણી માટે ગઈ હતી. તે સમયે અંદરની તરફ કોઈ ગેરકાયદે બાંધકામ થયા ન હતાં. છેલ્લે આ વર્ષે જૂનમાં ASIના અધિકારીઓની ટીમ સ્થાનિક પોલીસના સહયોગની મદદથી મસ્જિદની અંદર જઈ શકી હતી. ASIએ આ વર્ષે જૂનની મુલાકાતમાં મસ્જિદની ઈમારતની અંદર વધારાનું બાંધકામ જોયુ હતું. જેમાં પ્રાચીન ઈમારતો અને પુરાતત્વીક અવશેષોના સંરક્ષણ અધિનિયમ ૧૯૫૮ની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. પરંતુ જ્યારે પણ ASIની ટીમ તેની મુલાકાત લેવા ગઈ છે, ત્યારે તેને અટકાવી દેવામાં આવતી હતી. સ્થાનિકો પોલીસ ફરિયાદ કરતાં હતાં.

ASI દ્વારા પૌરાણિક મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ જવાબદાર લોકોને શો કોઝ નોટિસ પણ પાઠવામાં આવી હતી. મુખ્ય મસ્જિદની ઈમારતની સીડીઓ પર બંને બાજુ સ્ટીલની રેલિંગ લગાવી દેવામાં આવી છે. આ મુદ્દે ૧૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ સંભલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી. બાદમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ ASIના સુપરિટેન્ડિંગ આર્કિયોલિજિસ્ટે સંભલ જામા મસ્જિદના કમિટી અધ્યક્ષને શો કોઝ નોટિસ આપી હતી. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ આગ્રા મંડળના એડિશનલ કમિશનર એડમિનિસ્ટ્રેશને  સ્ટીલની રેલિંગ ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

મસ્જિદની મધ્યમાં એક તળાવ છે જેનો ઉપયોગ નામાઝીઓ કરે છે. હાલમાં આ ટાંકીનું પત્થર મુકી રિનોવેશન કરવામાં આવ્યું છે. મેઈન ગેટથી મસ્જિદમાં પ્રવેશતાની સાથે જ જમીન પર રેડ સેન્ડસ્ટોન, માર્બલ અને ગ્રેનાઈટ સ્ટોન્સનો ઉપયોગ કરીને નવું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. જૂના અસલ પથ્થરનું માળખું તેમાં દટાયેલું છે. હાલમાં, જામા મસ્જિદને મસ્જિદ કમિટી દ્વારા ઈનેમલ પેઇન્ટથી દિવાલો રંગવામાં આવી છે. મૂળ પથ્થરના બાંધકામમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે મસ્જિદનું મૂળ સ્વરૂપ નષ્ટ થઈ ગયું છે.

મસ્જિદના મુખ્ય હોલના ગુંબજમાંથી લોખંડની સાંકળ સાથે કાચનું ઝુમ્મર લટકાવવામાં આવ્યું છે. ઉપરોક્ત લોખંડની સાંકળનું વર્ણન એ. ફુહરરે તેમના પુસ્તક 'ધ મોન્યુમેન્ટલ એન્ટિક્વિટીઝ એન્ડ ઇન્સ્ક્રિપ્શન્સ, ઇન ધ નોર્થ-વેસ્ટર્ન પ્રોવિન્સ એન્ડ અવધ'માં પૃષ્ઠ નંબર ૧૦ પર કર્યું છે. આ પુસ્તકમાં સંભલ મસ્જિદના મૂળ બાંધકામ અને સ્થાપત્યનો ઉલ્લેખ છે. પરંતુ હવે જૂની છતના વાસ્તવિક અવશેષો માત્ર મસ્જિદની પશ્ચિમ બાજુના બે નાના ઓરડા જેવા માળખામાં અને મસ્જિદના ઉત્તર ભાગમાં નાના ઓરડા જેવા માળખામાં જ દેખાય છે. ઉપરોક્ત રૂમ સામાન્ય રીતે બંધ રહે છે.

મસ્જિદના ૧૮૭૫-૭૬ના આકૃતિ સાથે સરખામણી કરવામાં આવે તો, તેની મુખ્ય રચનાના આગળના ભાગના ઉપરના ભાગમાં કમાનવાળું માળખું દેખાય છે. છજ્જા, સંઘાડો અને મિનારા વગેરેનું નિર્માણ પછીના સમયમાં કરવામાં આવ્યું હતું. મસ્જિદની મુખ્ય ઇમારતની સીડીઓ દક્ષિણ દિશામાં બનાવવામાં આવી છે. ટેકરા પર બનેલી આ ઈમારતના ઉપરના ભાગમાં એક કિલ્લો પણ બનેલો છે.

મસ્જિદના પાછળના ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જૂના ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. મસ્જિદ કમિટીએ તે પ્રાચીન ઈમારતને દુકાનમાં ફેરવીને ભાડે લીધી છે. છજીૈંએ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં લખ્યું છે કે હાલમાં ઘણી જગ્યાએ મનસ્વી બાંધકામને કારણે આ સંરક્ષિત સ્મારક મસ્જિદનું મૂળ માળખું નષ્ટ થઈ ગયું છે. મુખ્ય ભાગના ઈન્ટિરિયરમાં બ્રાઈટ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામને કારણે આ મસ્જિદનું મૂળ સ્વરૂપ ઘણું બગડી ગયું છે.

(11:13 AM IST)