<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ફડણવીસનું નામ ફાઇનલ :આજે કે કાલે ધારાસભ્‍ય દળની બેઠકમાં અંતિમ મ્‍હોર લાગશે

૫ ડિસેમ્‍બરે શપથગ્રહણ સમારોહ યોજાશેઃ પીએમ મોદી આપશે હાજરી

મુંબઇ, તા.૨: મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા મુખ્‍યમંત્રી મળવા જઈ રહ્‍યા છે. ભાજપના નેતા દેવેન્‍દ્ર ફડણવીસનું નામ નક્કી કરવામાં આવ્‍યું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે ૨જી અથવા ૩જી ડિસેમ્‍બરે વિધાયક દળની બેઠક થશે, જેમાં ફડણવીસને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવશે.

દેવેન્‍દ્ર ફડણવીસ અગાઉ ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી રહી ચુકયા છે. બીજી વખત તેમણે ઓક્‍ટોબર ૨૦૧૯માં સીએમ તરીકે શપથ લીધા હતા. જોકે, બાદમાં તેમણે ૩ દિવસ બાદ રાજીનામું આપવું પડયું હતું. જે બાદ તેઓ ૨૦૨૨થી મહારાષ્ટ્રના ડેપ્‍યુટી સીએમ છે. ફડણવીસ ૧૯૯૯થી દક્ષિણ પશ્‍ચિમ નાગપુરથી ધારાસભ્‍ય છે. આ વખતે તેઓ છઠ્ઠી વખત ચૂંટણી જીત્‍યા છે. આ પહેલા તેઓ નાગપુર મ્‍યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ રહી ચૂકયા છે.

મહારાષ્ટ્રમાં ૨૮૮ સભ્‍યોની વિધાનસભાના પરિણામો ૨૩ નવેમ્‍બરના રોજ જાહેર કરવામાં આવ્‍યા હતા. મહાયુતિને જંગી બહુમતી મળી છે. મહાયુતિએ ૨૩૩ બેઠકો મેળવી છે. ભાજપે ૧૩૨, શિવસેનાને ૫૭ અને એનસીપીને ૪૧ બેઠકો મળી છે. જોકે પરિણામના ૧૦ દિવસ બાદ પણ મુખ્‍યમંત્રીનું નામ ફાઈનલ થયું નથી. આ અંગે સતત ધમાલ ચાલી રહી છે.

 ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્‍યું કે, મહારાષ્ટ્રના નવા મુખ્‍યમંત્રી તરીકે દેવેન્‍દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. બીજેપી વિધાયક દળના નવા નેતાની પસંદગી માટે બેઠક ૨ અથવા ૩ ડિસેમ્‍બરે યોજાશે. આ બેઠકમાં ધારાસભ્‍ય પક્ષના નેતા તરીકેની મંજૂરીની આખરી મહોર મારવામાં આવશે.

અગાઉ, આઉટગોઇંગ મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેએ કહયું હતું કે તેઓ નવા મુખ્‍ય પ્રધાનને પસંદ કરવાના ભાજપના નિર્ણયને સમર્થન આપશે.

પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્‍યુટી સીએમ બનાવવા અને ગળહ વિભાગ પર શિવસેનાના દાવા અંગે એકનાથ શિંદેએ કહ્‍યું કે મહાગઠબંધનના ભાગીદારો ભાજપ, એનસીપી અને શિવસેના સાથે બેસીને સર્વસંમતિથી સરકારની રચના અંગે નિર્ણય કરશે.

મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૫ ડિસેમ્‍બરની સાંજે યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. આ કાર્યક્રમ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાવાનો છે.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્‍ય જીત બાદ ભાજપ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્‍યું છે. એનડીએના સાથી પક્ષો ખાસ કરીને શિવસેનાની આકાંક્ષાઓ વધી છે. સહયોગી પક્ષોના કેટલાક નેતાઓના અલગ-અલગ નિવેદનો હેડલાઇન્‍સમાં છે.

(9:41 AM IST)