<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

બંગલાદેશની યુનિવર્સિટીમાં તિરંગાને પગલુછણિયું બનાવીને અપમાન

કલકત્તાની હોસ્‍પિટલે બંગલાદેશીઓની સારવાર ન કરવાનો નિર્ણય લીધો

ઢાકા, તા.૨: બંગલાદેશમાં ચાલી રહેલી આંતરિક અથડામણો અંતર્ગત ઢાકામાં આવેલી બંગલાદેશ યુનિવર્સિટી ઑફ એન્‍જિનિયરિંગ ઍન્‍ડ ટેક્‍નૉલૉજીના ગેટ પર જ ભારતના રાષ્ટ્રધ્‍વજ તિરંગાને પગલુછણિયા તરીકે પાથરી દઈ એનું અપમાન કરાતાં કલકત્તાના માણિકતલા વિસ્‍તારમાં આવેલી જે.એન. રાય હૉસ્‍પિટલે જાહેરાત કરી છે કે તેઓ કોઈ પણ બંગલાદેશીની સારવાર નહીં કરે.

હૉસ્‍પિટલના પદાધિકારી સુભ્રાંશુ ભક્‍તે  આ બાબતે કહયું હતું કે ‘અમે નોટિફિકેશન બહાર પાડયું છે કે આજથી જ બેમુદત અમે કોઈ પણ બંગલાદેશીને સારવાર માટે દાખલ નહીં કરીએ અને એ તેમણે ભારતનું જે અપમાન કર્યું છે એ માટે કરી રહયા છીએ. બંગલાદેશને સ્‍વતંત્ર કરાવવામાં ભારતે બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ છતાં તેમના દ્વારા ભારત પ્રત્‍યે જે દ્વેષ દર્શાવાય છે એ વ્‍યથિત કરે છે.'

હૉસ્‍પિટલ દ્વારા લેવાયેલો આ નિર્ણય ચર્ચાસ્‍પદ બન્‍યો હતો અને કેટલાક લોકોનો મત એવો હતો કે દરદીને માત્ર તે બંગલાદેશનો હોવાથી સારવાર ન આપવી એ નૈતિક દૃષ્ટિએ યોગ્‍ય ન કહેવાય.

(9:43 AM IST)