તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 3rd December 2024
ફેંગલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી :ભારત-શ્રીલંકામાં 19 લોકોના મોત ;વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો
તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક સોસાયટીઓ જળબંબાકાર અનેક વૃક્ષોનો નાશ થયો:અનેક વિજળીના અને ટેલિફોનના થાંભલા તૂટી ગયા: અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન

ફેંગલ વાવાઝોડાએ ભારત અને શ્રીલંકામાં મોટો વિનાશ વેર્યો છે. આ આફતના કારણે 19 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતની વાત કરીએ તો, તમિલનાડુ અને પુડુચેરીમાં એટલો બધો વરસાદ પડ્યો છે કે, જેના કારણે ત્યાંના લોકોની હાલત કફોડી બની ગઈ છે. પુડુચેરીમાં તો વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતીય હવામાન વિભાગના જમાવ્યા મુજબ, ફેંગલ વાવાઝોડાએ ભારતનો દક્ષિણ કિનારો અને બંગાળની ખાડી પાર કર્યા બાદ ભારે તબાહી મચાવી છે. પુડુચેરીમાં 24 કલાક જેટલો વરસાદ પડ્યો, તેટલો વરસાદ છેલ્લા 30 વર્ષમાં પડ્યો નથી.
તમિલનાડુ, પુડુચેરી અને ચેન્નાઈમાં ભારે વરસાદ પડવાના કારણે અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ ગઈ છે, જેના કારણે લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા બહાર પણ આવી શકતા નથી. ચોતરફ પાણી ભરાવાના કારણે સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. તો અનેક જગ્યાએ લાઈટો પણ ગુલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
વાઝોડાના કારણે એરલાઈન્સ કંપનીઓ પણ એલર્ટ મોડ આવી ગઈ હતી. ભયંકર નુકસાન ન થાય તેને ધ્યાને રાખી અનેક ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. ચેન્નાઈ શનિવારે કેટલીક ફ્લાઈટોને અસર થયા બાદ રવિવારથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે. જોકે ચેન્નાઈમાં અનેક વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત્ છે. અહીં પૂરના પાણી ભરાતા વાહનચાલકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે.
વાવાઝોડા બાદના સંકટના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. અહીં વાવાઝોડાની અસરના કારણે ઝડપી ગતિએ ભારે પવન ફૂંકાયો હતો, જેમાં અનેક વૃક્ષોનો નાશ થયો છે. આ ઉપરાંત અનેક વિજળીના અને ટેલિફોનના થાંભલા તૂટી ગયા છે તેમજ અનેક હોર્ડિંગ્સને પણ નુકસાન થયું છે.
ફેંગલ વાવાઝોડાને ધ્યાને રાખી NDRF, SDRF સહિત સ્થાનિક પોલીસના જવાનો પણ ખડેપગે ઉભા રહી લોકોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. ભારતીય સેના પુડુચેરીનાં લોકોને વાવાઝોડાથી બચાવવા માટે સતત કામગીરી કરી રહી છે.
શ્રીલંકામાં વાવાઝોડાના કારણે 16 લોકોના મોત થયા છે. અહીં ભયંકર સંકટ આવી ચઢવાના કારણે 1.38 લાખથી વધુ લોકોને અસર થઈ છે. શ્રીલંકન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના લોકો દ્વારા બચાવ અને રેસ્ક્યૂની સતત કામગીરી ચાલી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટકના દરિયાકાંઠે અને દક્ષિણ કર્ણાટકમાં બયાનક વરસાદ પડ્યો છે, જ્યારે ત્રણ ડિસેમ્બરના રોજ સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીએ તમિલનાડુ અને પુડુચેરીમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
