<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

જો બિડેને ભારત માટે લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય, :એક અબજ ડોલરના સંરક્ષણ સોદાને આપી મંજૂરી

આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટર અને અન્ય મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે:આ ડીલ અંદાજે $1.17 બિલિયનની છે.

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. બિડેને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારતના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટરના મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે, જે ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ ડીલ અંદાજે $1.17 બિલિયનની છે. રાષ્ટ્રપતિ બિડેને યુએસ કોંગ્રેસને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે.

  બિડેન સરકારનો ભારતને મોટા સંરક્ષણ સાધનો વેચવાનો નિર્ણય તેની મુદત પૂરી થવાના થોડા દિવસો પહેલા આવ્યો છે. આ નિર્ણયથી ભારતને રાહત મળી છે કારણ કે જો બિડેન પ્રશાસને આ સોદાને મંજૂરી ન આપી હોત તો નવી સરકારની રચના પછી તેને મંજૂરી આપવામાં વધુ સમય લાગી શક્યો હોત. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ડીલ હેઠળ ભારતને 30 મલ્ટીફંક્શન ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ પણ મળશે. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક, ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, ઓપરેટર મશીન ઈન્ટરફેસ, વધારાના કન્ટેનર વગેરે હશે, તેની સાથે ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં મદદ પણ અમેરિકા દ્વારા આપવામાં આવશે.

આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. આ હથિયારોના વેચાણ અને ટેકનિકલ સહાય માટે 20 યુએસ સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે. અમેરિકી સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી ભારતની સંરક્ષણ તૈયારીઓ મજબૂત થશે.

(1:58 PM IST)