News of Wednesday, 4th December 2024
પોલીસ કહે છે એન્ટ્રી નહિ મળેઃ યુપીના સાંસદો પણ સંભલ જાય છે
રાહુલ જો સંભલ આવશે તો નોટિસ અપાશેઃ જિલ્લામાં કલમ ૧૬૩ લાગુ છે...

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યુપી કોંગ્રેસના સાંસદો સાથે સંભલ જવાની તૈયારી કરી છે, ત્યારે પોલીસે કહ્યું છે કે જિલ્લામાં કલમ ૧૬૩ લાગુ છે અને એવામાં જો તેઓ આવશે તો તેમને નોટિસ આપવામાં આવશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે બુધવારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે સંભલની મુલાકાત લેવાની તૈયારી કરી રહ્યા છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે કહ્યું કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ પ્રવાસમાં રાહુલની સાથે જોડાઈ શકે છે. દરમિયાન, સંભલના કલેકટર રાજેન્દ્ર પેન્સિયાએ પડોશી જિલ્લાઓમાં તૈનાત પોલીસ અધિકારીઓને એક પત્ર લખીને રાહુલ ગાંધીને તેમના જિલ્લાઓની સરહદો પર રોકવાનો આગ્રહ કર્યો છે.પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ લોકશાહીની હત્યા અને પોલીસ તંત્રનો ખુલ્લો દુરુપયોગ છે. તેમણે કહ્યું,ઉત્તર પ્રદેશના તમામ ૬ પાર્ટી સાંસદોને પ્રતિનિધિમંડળમાં સામેલ કરવામાં આવશે, જેનું નેતળત્વ રાહુલ ગાંધી કરશે. પાર્ટીના મહાસચિવ અને પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે પણ પ્રતિનિધિ મંડળમાં હશે.જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેરળના વાયનાડથી પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી પણ તેમના ભાઈ સાથે જશે,રાયે કહ્યું ક તે પણ જઈ શકે છે.
દરમિયાન, સંભલ ડીએમ પેન્સિયાએ મંગળવારે ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદના પોલીસ કમિશનરો અને અમરોહા અને બુલંદશહર જિલ્લાના એસપીને પત્ર લખીને રાહુલ ગાંધીને તેમના જિલ્લાઓની સરહદો પર રોકી લેવા જણાવ્યું છે. તોફાન ગ્રસ્ત સંભલમાં બહારના લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ પેન્સિયાએ તેને ૧૦ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે.૨૪ નવેમ્બરના રોજ સંભલમાં કોર્ટના આદેશ પર મુઘલ યુગની એક મસ્જિદના સર્વે દરમિયાન હિંસા ભડકી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવામાં દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદની જગ્યાએ પહેલા હરિહર મંદિર હતું.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
