<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th December 2024

જાણો માર્શલ લો શું છે? જેને લઇને દક્ષિણ કોરિયામાં મચ્‍યો છે ખળભળાટ

સંસદના ૧૯૦ સભ્‍યોએ માર્શલ લો હટાવવાના પક્ષમાં મતદાન કર્યું અને સંસદે પ્રમુખનો નિર્ણય રદ્દ કરી દીધો

નવી દિલ્‍હી તા. ૪:  દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક યોલે મોડી રાત્રે ટેલિવિઝન સંબોધનમાં આヘુર્યજનક રીતે દેશમાં માર્શલ લો લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમની આ જાહેરાતના માત્ર અઢી કલાકની અંદર, નેશનલ એસેમ્‍બલી(સંસદ)ના ૧૯૦ સભ્‍યોએ માર્શલ લો હટાવવાના પક્ષમાં મતદાન કર્યું. દેશના ઘણા ભાગોમાં દેખાવો થવા લાગ્‍યા. ત્‍યાંના લોકો રસ્‍તાઓ પર આવી ગયા. સંસદની સામે વિપક્ષના નેતાઓએ દેખાવો શરૂ કર્યા.

આ પછી, આ તમામ હોબાળો વચ્‍ચે આખરે પ્રમુખને પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્‍યો. મોડી રાત્રે તેમણે માર્શલ લો પાછો ખેંચવાનો આદેશ આપ્‍યો. આ ઘટના બાદ માર્શલ લો શબ્‍દ સૌથી વધુ પ્રચલિત બન્‍યો.

માર્શલ લો એટલે શું?

માર્શલ લો એ અસ્‍થાયી ઇમરજન્‍સીની સ્‍થિતિ છે, જેને કોઈ સરકાર દ્વારા દેશમાં કોઈ તાત્‍કાલિક જોખમ અથવા સુરક્ષા સંકટના જવાબમાં લાગુ કરવામાં આવે છે. જ્‍યારે માર્શલ લો લાદવામાં આવે છે, ત્‍યારે લશ્‍કરી વહીવટ(સૈન્‍ય) સામાન્‍ય નાગરિકના કામો પર નિયંત્રણ લે છે. આ ઉપરાંત રાજ્‍યની સુરક્ષાની જવાબદારી પણ સેનાના હાથમાં જાય છે. આ હેઠળ નાગરિક સ્‍વતંત્રતા પર પ્રતિબંધ, કફર્યુ અને કાયદો-વ્‍યવસ્‍થા માટે લશ્‍કરી દળોની તૈનાતી કરવામાં આવે છે.

માર્શલ લો સામાન્‍ય રીતે ત્‍યારે લાગુ કરવામાં આવે છે, જ્‍યારે સરકાર મોટા પાયે નાગરિક અશાંતિ, કુદરતી આફતો અથવા આક્રમણના ભયનો સામનો કરે છે. આ સ્‍થિતિ સામાન્‍ય રીતે છેલ્લા ઉપાય તરીકે અપનાવવામાં આવે છે, જ્‍યારે અન્‍ય તમામ પ્રયોગો નિષ્‍ફળ જાય છે. માર્શલ લો લાગુ કરતી વખતે, દક્ષિણ કોરિયાના પ્રમુખે પણ કહ્યું હતું કે, દેશને બચાવવા માટે આ તેમની પાસે બાકી રહેલો છેલ્લો ઉપાય છે.

(3:00 PM IST)