News of Thursday, 5th December 2024
બાંગ્લાદેશી મૌલાનાએ ભારત વિરૂધ્ધ ઝેર ઓકયું : લાલ કિલ્લો કબ્જે કરવાના ઓરતા : મોદી - મમતાને ધમકી
૧૪ કરોડ બાંગ્લાદેશી મુસ્લિમો ૨૮ કરોડ હાથમાં લાકડીઓ લઇ લાલ કિલ્લો કબ્જે કરશું : સાવધાન રહો : બાંગ્લાદેશ ભારતનું દુશ્મન છે

નવી દિલ્હી, તા.૫: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર હિન્દુ સમુદાયના લોકોને જ નિશાન બનાવાયા નથી એટલું જ નહિ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. પછી તે ઇસ્કોન મંદિરને બંધ કરવાનો મામલો હોય કે પછી ઇસ્કોનના સંત ચિન્મય કળષ્ણ દાસ અને તેમના સહયોગીઓની ધરપકડ કરવાનો હોય. બાંગ્લાદેશમાં દરેક પસાર થતા દિવસ સાથે હિંદુઓ વિરુદ્ધ હિંસા અને તેમના પ્રત્યે નફરત વધી રહી છે. બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાએ પણ છેલ્લા કેટલાક દિવસોમાં હિંદુઓ વિરુદ્ધ થયેલી હિંસાની નિંદા કરી છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે બાંગ્લાદેશની વર્તમાન સરકારના શાસન દરમિયાન નરસંહાર થઈ રહ્યો છે. ભારત સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા પર પણ નજર રાખી રહી છે. આ બધા વચ્ચે બાંગ્લાદેશના મૌલાના ઇનાયતુલ્લા અબ્બાસીએ પીએમ મોદી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિશે વાંધાજનક નિવેદન આપ્યું છે.
મૌલાનાએ શું નિવેદન આપ્યું છે?
બાંગ્લાદેશમાં હિંદુઓની વર્તમાન સ્થિતિને જોતા મૌલાના ઇનાયતુલ્લા અબ્બાસીએ કહ્યું છે કે ૧૪ કરોડ બાંગ્લાદેશી મુસ્લિમો ૨૮ કરોડ હાથમાં લાકડીઓ લઈને લાલ કિલ્લો કબજે કરશે. ઇનાયતુલ્લા અબ્બાસીએ કહ્યું કે હું બંને (પીએમ મોદી અને મમતા બેનર્જી)ને કહીશ કે સાવધાન રહો, જો તમે બાંગ્લાદેશ તરફ હાથ ઉઠાવશો તો ૧૪ કરોડ બાંગ્લાદેશી તે હાથ તોડી નાખશે. બાંગ્લાદેશનો દુશ્મન ભારત છે.
ગયા શુક્રવારે, બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ન્યૂઝ પોર્ટલ 'bdnews24.com'એ તેના સમાચારમાં જણાવ્યું હતું કે બંદર શહેરના હરીશ ચંદ્ર મુનસેફ લેનમાં બપોરે ૨:૩૦ વાગ્યે હુમલો થયો હતો અને આ દરમિયાન શાંતેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબારી મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
