News of Thursday, 5th December 2024
જીએસટી દંડ-વ્યાજ માફીના ફોર્મ બહાર પાડવાના હજુ ઠેકાણા નથી
વેપારીઓ અપીલમાં ગયા પછી જ આ સુવિધાનો લાભ મળી શકે તેવી સ્થિતિ

મુંબઇ, તા.૫: જીએસટીમાં દંડ અને વ્યાજ માફી આપવા માટેની યોજના તો લાગુ કરી દેવામાં આવી છે, પરંતુ તે માટે વેપારીએ ફોર્મ ભરીને આપવા હોય તેના જ હજુ ઠેકાણા નહીં હોવાના કારણે વેપારીઓમાં અસમંજસની સ્થિતિ ઊભી છે, કારણ કે જીએસટીના અધિકારીઓએ વેપારીઓને દંડ, વ્યાજ સહિત જીએસટી ભરવા માટે નોટિસ આપી દીધી છે. આ નોટિસની મુદત પણ ત્રણ મહિનાની પૂરી થઈ ગઇ છે. જો વેપારીઓ ત્રણ મહિનામાં અપીલ નહીં કરે તો તેઓ સામે રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.
કેન્દ્રીય બજેટમાં વેપારીઓ દ્વારા જીએસટી ભરપાઇ કરી દેવામાં આવે તો દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે તેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં લાંબો સમય વીતી ગયો હતો. ત્યારબાદ તેનું જાહેરનામું તો બહાર પાડીને અમલ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ તેનો લાભ લેવા માટે વેપારીએ એક ફોર્મ ભરવાનું હોય છે. તે ફોર્મ ભરપાઇ કર્યા બાદ જ વેપારીને દંડ અને વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ એવી હકીકત જાણવા મળી છે કે જીએસટી દ્વારા આ ફોર્મ એક જાન્યુઆરી પછી બહાર પાડવાની છે.
તેના કારણે વેપારીએ અપીલમાં ગયા બાદ જ તેનો લાભ મળી શકે તેમ છે, કારણ કે જીએસટીના અધિકારીઓએ ૩૧ ઓગસ્ટ સુધીમાં વેપારીઓને નોટિસ આપી દીધી હતી.
આ નોટિસ આપ્યાના ત્રણ મહિનામાં વેપારીએ અપીલમાં જવું પડે તેમ છે. જે વેપારી અપીલમાં ગયા નહીં હોય તો તેઓ સામે રિકવરી એટલે કે અધિકારીઓ દ્વારા વસૂલાતની કામગીરી શરૂ કરી શકે તેમ છે. તેના કારણે જીએસટી વિભાગની આડોડાઈ ને કારણે હજુ સુધી ફોર્મ બહાર પાડવામાં આવ્યા નથી. તેના લીધે વેપારીએ ૧૦ ટકા રકમ ભરીને અપીલમાં જવું પડશે. ત્યારબાદ જ્યારે ફોર્મ બહાર પડે ત્યારે તે ફોર્મ ભરીને અપીલમાં ગયા હોય તે કેસ પાછા ખેંચ્યા બાદ જ તેઓને દંડ અને વ્યાજ માફીનો લાભ મળવાનો છે. તેના કારણે વેપારીઓની હાલત કફોડી બનવાની શકયતા રહેલી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
