<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

જો તમારે રાજનીતિ કરવી હોય તો તમારી ચામડી ગેંડા જેવી જાડી હોવી જોઈએ

સુપ્રીમ કોર્ટે કહયું કે રાજકારણમાં આવનારા લોકોએ ટીકા માટે તૈયાર રહેવું જોઈએ : નેતાઓએ અતિસંવેદનશીલ ન બનવું જોઈએ : મુરુગન પર મુરાસોલી ટ્રસ્‍ટ દ્વારા માનહાનિનો આરોપ લગાવવામાં આવ્‍યો હતો

નવી દિલ્‍હી, તા.૬: સુપ્રીમ કોર્ટે કહ્‍યું છે કે રાજકારણમાં આવતા લોકોએ ટીકા માટે તૈયાર રહેવું જોઈએ. કેન્‍દ્રીય મંત્રી એલ. મુરુગનની માનહાનિની અરજી પર સુનાવણી કરતી વખતે તેમણે બુધવારે કહ્‍યું હતું કે નેતાઓએ ટીકાઓથી વધારે ચિડાઈ જવું જોઈએ નહીં. ડિસેમ્‍બર, ૨૦૨૦ માં એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં મુરુગનના કથિત બદનક્ષીભર્યા નિવેદનો સામે ચેન્‍નાઈ સ્‍થિત મુરાસોલી ટ્રસ્‍ટ દ્વારા ફોજદારી બદનક્ષીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્‍યું કે રાજકારણમાં અતિસંવેદનશીલતા માટે કોઈ સ્‍થાન નથી, જ્‍યાં ગરમાગરમ ચર્ચાઓ સામાન્‍ય બની ગઈ છે. જસ્‍ટિસ ભૂષણ આર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્‍ચે વર્તમાન રાજકીય ચર્ચાની વાસ્‍તવિકતાને સ્‍વીકારી હતી. તેણે તેની ઘટતી ગુણવત્તા અંગે પણ ચિંતા વ્‍યક્‍ત કરી હતી. કોર્ટે કહયું કે આજકાલ નેતાઓ વચ્‍ચેની વાતચીતમાં પહેલાની જેમ સંયમ નથી.

બેન્‍ચે કહયું, એ સમય ગયો જ્‍યારે નેતાઓ સંયમ રાખતા હતા. આજકાલ નેતાઓ એકબીજા વિશે શું નથી કહેતા? જ્‍યારે તમે રાજકારણમાં આવો છો, ત્‍યારે તમારે તમારા વિશે કંઈપણ સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ. તમે અતિસંવેદનશીલ ન બની શકો.

કેન્‍દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્‍ય મંત્રી મુરુગને મદ્રાસ હાઈકોર્ટના ૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૩ના આદેશને પડકારતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી, જેણે માનહાનિની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે મુરુગન સામે અપરાધિક માનહાનિના કેસમાં સપ્‍ટેમ્‍બર ૨૦૨૩ સુધીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ મામલો બુધવારે જસ્‍ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્‍ચ સમક્ષ સુનાવણી માટે આવ્‍યો હતો. બેન્‍ચે મુરુગનના વકીલને પૂછયું, ‘શું તમે એવું નિવેદન આપવા તૈયાર છો કે તમારો બદનક્ષી કરવાનો કોઈ ઈરાદો નહોતો?'

ટ્રસ્‍ટ તરફથી હાજર થયેલા વકીલે કહયું કે તેઓ રાજકારણમાં સામેલ નથી. ખંડપીઠે ટ્રસ્‍ટના વકીલને કહ્‍યું, ‘તે (અરજીકર્તા) નિવેદન આપી રહ્‍યો છે કે તેનો ઈરાદો તમારી ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.' જસ્‍ટિસ ગવઈએ કહ્‍યું, ‘તેણે જનતાની સામે લડાઈ લડવી જોઈએ. આજકાલ મહારાષ્ટ્રમાં એવું કહેવામાં આવી રહ્‍યું છે કે જો તમારે રાજકારણમાં આવવું હોય તો તમારી ત્‍વચા ગેંડા જેવી જાડી હોવી જોઈએ.

(9:49 AM IST)