<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

અમેરિકાના કેલિફોર્નિયાથી સાન ફ્રાન્‍સિસ્‍કો સુધી ભૂકંપ : તીવ્રતા ૭.૦

ઘર અને સામાન કેટલીય સેકન્‍ડો સુધી ધ્રુજતા રહયા : કેલિફોર્નિયામાં ભૂકંપ બાદ જારી કરવામાં આવેલ સુનામીનું એલર્ટ હટાવી લેવામાં આવ્‍યું

કેલિફોર્નિયા, તા.૬: અમેરિકાના કેલિફોર્નિયાથી સાન ફ્રાન્‍સિસ્‍કો સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. કેલિફોર્નિયામાં તેની તીવ્રતા ૭.૦ સુધી અનુભવાઈ હતી. ભૂકંપ બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી કે ૫.૩ મિલિયન લોકો સુનામીથી પ્રભાવિત થશે, જે હવે દૂર કરવામાં આવી છે. ભૂકંપને કારણે દિવાલો - મકાનોમાં તિરાડ પડી હતી.

અમેરિકાના પશ્‍ચિમ કિનારે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી, જેને નેશનલ વેધર સર્વિસ દ્વારા રદ કરવામાં આવી છે. હકીકતમાં કેલિફોર્નિયાના ફર્ન્‌ડેલમાં ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયા બાદ સુનામીની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વેએ આ માટે યલો એલર્ટ જાહેર કર્યું હતું. કેલિફોર્નિયામાં ઓછામાં ઓછા ૫.૩ મિલિયન લોકો ભૂકંપ પછી સુનામીથી પ્રભાવિત થઈ શકે છે. જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્‍યું હતું કે સુનામી સ્‍થાનિક લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

કેલિફોર્નિયામાં આવેલો ભૂકંપ સાન ફ્રાન્‍સિસ્‍કો સુધી દક્ષિણમાં અનુભવાયો હતો. આ ભૂકંપ એટલી વધુ તીવ્રતાનો હતો કે અહીં રહેતા લોકોએ કેટલીક સેકન્‍ડો સુધી ભૂકંપનો આંચકો અનુભવ્‍યો હતો. આ પછી ઘણા નાના આંચકા આવ્‍યા. હાલમાં કોઈ મોટું નુકસાન કે મળત્‍યુ અંગે કોઈ માહિતી નથી. USGS મુજબ, ભૂકંપ ઓરેગોન સરહદ નજીક દરિયાકાંઠાના હમ્‍બોલ્‍ટ કાઉન્‍ટીના નાના શહેર ફર્ન્‌ડેલની પશ્‍ચિમમાં લગભગ ૧૦:૪૫ વાગ્‍યે આવ્‍યો હતો.

સુનામી એલર્ટ જારી કરવામાં આવ્‍યું હતું: કેલિફોર્નિયાના ઉત્તરમાં મોન્‍ટેરી ખાડીથી ઓરેગોન સુધી લગભગ ૫૦૦ માઇલ (૮૦૫ કિમી) દરિયાકાંઠાને આવરી લેતા ભૂકંપ પછી તરત જ સુનામીની ચેતવણીઓ જારી કરવામાં આવી હતી. ઉત્તરી કેલિફોર્નિયામાં સુનામીની ચેતવણીના કારણે લોકો ખૂબ જ ચિંતિત બની ગયા હતા. ચેતવણીમાં કહેવામાં આવ્‍યું છે કે શક્‍તિશાળી તરંગો અને મજબૂત પ્રવાહ તમારી નજીકના વિસ્‍તારોને અસર કરી શકે છે. સુનામીથી પ્રભાવિત લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. જારી કરાયેલી ચેતવણી પાછી ખેંચી લેવામાં ન આવે ત્‍યાં સુધી તમામ લોકોએ સલામત સ્‍થળે ખસી જવું જોઈએ.

કેલિફોર્નિયામાં આવેલો ભૂકંપ એટલો તીવ્ર હતો કે લોકોના ઘર થોડીક સેકન્‍ડ માટે ધ્રૂજતા જોવા મળ્‍યા હતા. સ્‍થાનિક લોકોના જણાવ્‍યા અનુસાર લાંબા સમયથી ઘરોમાં રાખવામાં આવેલી વસ્‍તુઓમાં હલચલ જોવા મળી હતી. લોકોએ લાંબા સમય સુધી ભૂકંપના આંચકા અનુભવ્‍યા હતા. દક્ષિણમાં કેલિફોર્નિયા તેમજ સાન ફ્રાન્‍સિસ્‍કોના લોકોએ ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્‍યો હતો.

(11:15 AM IST)