<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

કિસાન આંદોલન : શંભુ બોર્ડર પર ડખ્‍ખો : બેરિકેટ હટાવવાનો પ્રયાસ : પોલીસનો અશ્રુવાયુ

ચંડીગઢ, તા. ૬ :  પંજાબ અને હરિયાણાની સરહદો પર છેલ્લા ૧૧ મહિનાથી ઉભા રહેલા ખેડૂતો (કિસાન આંદોલન)એ દિલ્‍હી કૂચ શરૂ કરી છે. જોકે પોલીસે ખેડૂતોને અટકાવ્‍યા છે. અંબાલાની શંભુ બોર્ડરથી ૧૦૧ ખેડૂતોનું એક જૂથ દિલ્‍હી જવા રવાના થયું હતું. પરંતુ બપોરે દોઢ વાગ્‍યાની આસપાસ પોલીસે તેમને અટકાવ્‍યા હતા. આ ટીમને દિલ્‍હી જવાની પરવાનગી નથી. પોલીસે સરહદની આસપાસ બેરિકેડ પણ લગાવી દીધા છે અને સરહદો સીલ કરી દેવામાં આવી છે. અંબાલામાં શાળાઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. હાલ સ્‍થિતિ શાંત છે. ખેડૂતો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્‍યા છે.

બીજી તરફ ખેડૂતોની દિલ્‍હી કૂચની જાહેરાત બાદ સિરસાના ડબવાલી સ્‍થિત ખુયાન ટોલ પ્‍લાઝા પર ભારે પોલીસ બંદોબસ્‍ત છે અને અહીં ભારે પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. સિરસા શહેરમાં પ્રવેશતા પહેલા જ પોલીસે ડબવાલી-સિરસા રોડ પર પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દીધો છે. પંજાબના ખેડૂતો ડબવાલી, સિરસા થઈને દિલ્‍હી જઈ શકે છે.

ખેડૂત નેતા સર્વન સિંહ પાંડેરે ન્‍યૂઝ૧૮ સાથે વાત કરતા કહ્યું કે ડીસી અંબાલા અફવા ફેલાવી રહ્યા છે કે હજારો લોકો એકઠા થશે, પરંતુ આવું કંઈ થશે નહીં. તેમજ ડીસી કહી રહ્યા છે કે ખેડૂતો પાસે હથિયાર હશે, આ જુઠ્ઠાણું છે. ખેડૂતો નાના જૂથોમાં ભેગા થશે અને ખેડૂતોના મેળાવડામાં કોઈ ટ્રોલી કે ટ્રેક્‍ટર સામેલ કરવામાં આવશે નહીં. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. જેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે તેઓ જ દિલ્‍હી જશે. બીજી તરફ હરિયાણા પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.(૯.ર૮)

(3:29 PM IST)