<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th December 2024

હવે ગોલ્ડ બાર તથા સિક્કાની હોલમાર્કિંગ ફરજીયાત બનાવાશે: શુદ્ધ સોનાની ઓળખ કરવી સરળ બનશે .

સરકાર લેબોરેટરીમાં તૈયાર થતા હીરા એટલે કે ડાયમંડને લગતા નિયમો પણ ઘડવાની તૈયારીમાં

નવી દિલ્હી :સરકાર હવે ગોલ્ડ બુલિયનની હોલમાર્કિંગને ફરજિયાત કરવા અંગે વિચારણા કરી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળી જશે તો ગોલ્ડ બાર તથા સિક્કાની હોલમાર્કિંગ જરૂરી બની જશે. તેને લીધે જ્વેલર્સ માટે શુદ્ધ સોનાની ઓળખ કરવી બિલકુલ સરળ બની જશે.

આ સાથે સરકાર લેબોરેટરીમાં તૈયાર થતા હીરા એટલે કે ડાયમંડને લગતા નિયમો પણ ઘડવાની તૈયારીમાં છે, તેમ ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં વર્તમાન સમયમાં હોલમાર્કિંગ ફરજિયાત છે. તેનાથી ગ્રાહકો એ વાતથી વાકેફ રહી શકે છે કે જે જ્વેલરી ખરીદવામાં આવે છે તે કેટલી શુદ્ધ છે. અલબત જ્વેલર્સ માટે હજુ સુધી એવી કોઈ વ્યવસ્થા નથી. જ્વેલર્સ બહારથી જે ગોલ્ડ બુલિયન એટલે કે બાર અને સિક્કા મંગાવે છે તેની શુદ્ધતા પ્રમાણિત રહેતી નથી.

સરકાર આ પ્રકારની સમસ્યાને દૂર કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે રત્ન તથા આભૂષણોનું ક્ષેત્ર આપણા અર્થવ્યવસ્થાનો એક અત્યંત મહત્વનો આધારસ્તંભ છે, જે નિકાસ અને રોજગારી બન્ને મોરચે અત્યંત મહત્વનું યોગદાન આપે છે.

સચિવે કહ્યું કે સોનાના આભૂષણોમાં હોલમાર્કિંગની અનિવાર્યતા સફળ અમલીકરણની શરૂઆત 23 જૂન 20221ના રોજ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 40 કરોડથી વધારે સોનાના આભૂષણોનું અત્યાર સુધીમાં હોલમાર્કિંગ કરી દેવામાં આવ્યું છે. તેનાથી ગ્રાહકો માટે વધુ પારદર્શિતાને સુનિશ્ચિત કરી શકાય છે.

(7:29 PM IST)