<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th December 2024

સિંધિયાએ કર્યું રેમ્‍પ વોક : દિલ્‍હી ફેશન શોમાં બે કેન્‍દ્રીય મંત્રી બન્‍યા મોડલ : સ્‍ટાઇલિશ જેકેટ પહેરી

બંને નેતાઓએ પણ પોતાના પોશાકથી લોકોને પ્રભાવિત કર્યા હતા

નવી દિલ્‍હી, તા.૯: કેન્‍દ્રીય મંત્રી જ્‍યોતિરાદિત્‍ય સિંધિયાએ ફેશન શોમાં રેમ્‍પ વૉક કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ દરમિયાન કેન્‍દ્રીય રાજ્‍ય મંત્રી સુકાંત મજમૂદાર પણ મંત્રી સિંધિયા સાથે રેમ્‍પ વૉક કરતા જોવા મળ્‍યા હતાં. રેમ્‍પ પર બંને નેતાઓ વચ્‍ચે અદ્ભૂત તાલમેલ જોવા મળ્‍યો. બંને નેતાઓએ પણ પોતાના પોશાકથી લોકોને પ્રભાવિત કર્યા હતા.

દિલ્‍હીના ભારત મંડપમ ખાતે ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. મહોત્‍સવ દરમિયાન શનિવારે ફેશન શોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શો દરમિયાન જ્‍યારે કેન્‍દ્રીય મંત્રી સિંધિયા રેમ્‍પ વૉક કરતા જોવા મળ્‍યા ત્‍યારે લોકો ચોંકી ગયા હતા. તેમની સાથે સુકાંત મજમૂદાર પણ જોવા મળ્‍યા હતા. રેમ્‍પ વૉક દરમિયાન, મંત્રી સિંધિયાએ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રનું ચમકદાર એરી સિલ્‍ક જેકેટ પહેર્યું હતું, જેમાં મંત્રી અલગ જ અંદાજમાં જોવા મળ્‍યા હતાં.

રાજકીય મંચ ઉપરાંત ફેશન શોમાં સિંધિયાની અલગ સ્‍ટાઈલ જોવા મળી હતી. પોતાની શાનદાર સ્‍માઇલ સાથે સિંધિયાએ રેમ્‍પ પર જલવો વિખેરી દીધો હતો. તેઓએ એકદમ પ્રોફેશનલ મોડલની જેમ જ રેમ્‍પ વૉક કર્યું હતું.

જણાવી દઈએ કે, ઉત્તર-પૂર્વના આઠ રાજ્‍યોને ઘણીવાર ‘અષ્ટલક્ષ્મી' અથવા સમળદ્ધિના આઠ સ્‍વરૂપ પણ કહેવામાં આવે છે. અષ્ટલક્ષ્મી મહોત્‍સવ એ ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વાઇબ્રન્‍ટ ટેક્‍સટાઇલ ઉદ્યોગ, હસ્‍તકલા અને અનન્‍ય ઉત્‍પાદનોને પ્રદર્શિત કરવા માટે એક અભૂતપૂર્વ પ્‍લેટફોર્મ છે. ઉત્‍સવમાં આ રાજ્‍યોના ભૌગોલિક સંકેત (GI) ઉત્‍પાદનોનું પ્રદર્શન કરવામાં આવી રહ્‍યું છે.

અષ્ટલક્ષ્મી મહોત્‍સવમાં વિશેષ રોકાણકારની ગોળમેજી પરિષદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના અધિકારીઓ, ઉદ્યોગ સાહસિકો, વેપારી હસ્‍તીઓ અને રોકાણકારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ઇવેન્‍ટનો ઉદ્દેશ ઉત્તર પૂર્વ ભારત માટે સંવાદને પ્રોત્‍સાહન આપવા, રોકાણની તકો શોધવા અને નવીન સહયોગને પ્રોત્‍સાહન આપવાનો છે.

(9:37 AM IST)