તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th December 2024
શું શાળા ફી વસૂલવા માટે સિવિલ દાવો દાખલ કરી શકે છે કે નહીં? : સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે
સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણય પર હાલ પૂરતો સ્ટે આપવાનો ઈન્કાર કર્યો :આ નિર્ણયમાં કહેવાયુ હતું કે ખાનગી શાળાઓ ફીની બાકી રકમ વસૂલવા માટે વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓ સામે કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરી શકે નહીં

સુપ્રીમ કોર્ટે સોમવારે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી શાળાઓ ફીની બાકી વસૂલાત માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ સામે સિવિલ દાવો દાખલ કરી શકશે નહીં. હવે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ખાનગી શાળાઓ ફી વસૂલવા માટે સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી શકે કે નહીં.
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. જો કે, ખંડપીઠે આ કેસમાં આ કાયદાકીય પ્રશ્નનો નિર્ણય કરવા માટે તમામ પક્ષકારોને ચાર સપ્તાહની અંદર તેમના મંતવ્યો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટે 2022માં ચુકાદો આપ્યો હતો કે ખાનગી શાળાઓ ફીની વસૂલાત માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરી શકે નહીં. હાઈકોર્ટે સંબંધિત શાળાને આ મામલે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)નો સંપર્ક કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં 95 અપીલ દાખલ કરવામાં આવી છે. વાસ્તવમાં, આ કેસમાં સિવિલ જજ અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે સ્કૂલ મેનેજમેન્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો
પરંતુ બાદમાં વાલીઓએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીને કહ્યું કે તેઓ સ્કૂલની ફી વસૂલવા માટે સિવિલ કોર્ટમાં કેસ કરી શકે નહીં. વાલીઓએ શાળા મેનેજમેન્ટને વધેલી ફી ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો, એમ કહીને કે શાળાએ તેની વેબસાઈટ પર વધેલી ફીની જાણ કરી ન હતી અને શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા વાલીઓને તેની જાણ કરી ન હતી. ફીની બાકી રકમનો આ મુદ્દો 2011-12થી ચાલી રહ્યો છે.
ફરીદાબાદ સ્થિત એપીજે સ્કૂલ વતી વરિષ્ઠ વકીલ એચ.એલ. ટિક્કુએ બેન્ચને જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્ણયની વ્યાપક અસર થઈ રહી છે અને કેસમાં નામ આપવામાં આવેલા પ્રતિવાદીઓ પાસે ઘણા વર્ષોથી ફી બાકી છે. બીજી તરફ માતા-પિતા વતી વરિષ્ઠ વકીલ સંતોષ ત્રિપાઠી અને એડવોકેટ શિખા બગ્ગાએ સુપ્રીમ કોર્ટને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણય પર કોઈ સ્ટે ન મૂકવા વિનંતી કરી હતી.
વરિષ્ઠ વકીલ ત્રિપાઠીએ હાઈકોર્ટના 2022ના નિર્ણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે કાયદામાં એવી જોગવાઈ છે કે શાળા મેનેજમેન્ટ બાકી ફી વસૂલવા માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ સામે સિવિલ કોર્ટમાં કેસ કરી શકે નહીં. તેમણે ખંડપીઠને જણાવ્યું હતું કે શાળાની પ્રકૃતિ સેવાભાવી છે, તેથી ફી વસૂલાત માટે કાયદાએ શાળાઓને સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર રાખી છે
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
