News of Wednesday, 11th December 2024
૧૧ કરોડ ‘જન-ધન ખાતા' ધરાવતા લોકો ગુમ ? ચોંકાવનારો ઘટસ્ફોટ
કુલ ૫૪.૦૩ કરોડ ખાતાઓમાંથી ૧૧.૩૦ કરોડ ખાતા નિષ્ક્રિય છે, જેમાં ૧૪,૭૫૦.૨૭ કરોડ રૂપિયા છે

નવી દિલ્હી, તા.૧૧: સરકારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કુલ ૫૪.૦૩ કરોડ ખાતાઓમાંથી ૧૧.૩૦ કરોડ ખાતા નિષ્ક્રિય છે, જેમાં ૧૪,૭૫૦.૨૭ કરોડ રૂપિયા બાકી છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ઉપલા ગળહમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ યોજનાની શરૂઆતથી ખોલવામાં આવેલા જન ધન ખાતાઓની સંખ્યા અને હાલમાં નિષ્ક્રિય તરીકે વર્ગીકળત કરાયેલા ખાતાઓની સંખ્યા અંગે સરકાર પાસેથી રાજ્યવાર માહિતી માંગી હતી.
કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં પ્રધાનમંત્રી જન ધન યોજનાના નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ૩૯.૬૨ ટકા હતી, તે ૨૪ નવેમ્બરમાં ઘટીને ૨૦.૯૧ ટકા થઈ ગઈ છે. રાજ્ય મુજબના ડેટા અનુસાર, ઉત્તર પ્રદેશમાં લગભગ ૯.૬૩ કરોડ ખાતાઓમાંથી મહત્તમ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાંથી લગભગ ૨.૩૪ કરોડ ખાતા નિષ્ક્રિય છે. એ જ રીતે, પશ્ચિમ બંગાળમાં ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા ૫.૨૫ કરોડ છે અને નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ૭૮.૫ લાખ છે. ચૌધરીએ આપેલા ડેટા મુજબ નિષ્ક્રિય ખાતાઓમાં કુલ બેલેન્સ ૧૪,૭૫૦.૨૭ કરોડ રૂપિયા છે.
ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા મુજબ, તે બચત અને ચાલુ ખાતાઓને નિષ્ક્રિય ગણવામાં આવે છે જેમાં ગ્રાહક દ્વારા બે વર્ષથી વધુ સમયથી કોઈ વ્યવહાર કરવામાં આવ્યો નથી. તેમણે કહયું કે બેંકો સક્રિય ખાતાઓની ટકાવારીને સતત મોનિટર કરવા માટે નક્કર પ્રયાસો કરે છે અને સરકાર દ્વારા આ પ્રગતિનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે.
નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે આરબીઆઈએ બેંકોને એવા ખાતાઓ અથવા થાપણોની વાર્ષિક સમીક્ષા કરવાની સલાહ આપી છે જ્યાં ગ્રાહક દ્વારા એક વર્ષ અથવા વધુ સમયથી વ્યવહારો કરવામાં આવ્યા નથી અને આ ખાતાઓ અથવા થાપણોના ગ્રાહકોને શોધી કાઢવા માટે પગલાં લીધાં છે. બેંકોને નિષ્ક્રિય ખાતાઓની સંખ્યા ઘટાડવા અને આવા ખાતાઓને કાર્યરત અને સીમલેસ, સરળ અને મુશ્કેલીમુક્ત બનાવવાની પ્રક્રિયાને સુચના આપવામાં આવી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
