News of Wednesday, 11th December 2024
હિન્દુઓની સુરક્ષા માટે બાંગ્લાદેશ ન માને તો ત્રીજુ નેત્ર ખોલો
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની મોદી સરકારને અપીલ : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થઇ રહયો છે ત્યારે એવું લાગે છે કે મુગલ શાસન ચાલી રહયુ છે : માત્ર ગુસ્સે થવાથી કે દુઃખી થવાથી કંઇ નહિ વળે : સંઘ નેતા સુનિલ આંબેકર : વાતચીતથી કોઇ ઉપાય ન નીકળે તો બીજા વિકલ્પો ઉપર સરકાર વિચાર કરે

નાગપુર, તા.૧૧: બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે કહયું કે જો વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય તો કેન્દ્રએ અન્ય વિકલ્પનો વિચાર કરવો જોઈએ.
નાગપુરમાં ‘સકલ હિંદુ સમાજ' દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, આંબેકરે કહ્યું, કેન્દ્રએ આ બાબતે વધુ ગંભીરતાથી કામ કરવું જોઈએ અને નક્કર પગલાં લેવા જોઈએ. મને આશા છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલી શકાય છે, પરંતુ જો મંત્રણા નિષ્ફળ જશે, તો બીજો ઉકેલ શોધવો પડશે.
આંબેકરે કહયું કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર જે અત્યાચાર થઈ રહયો છે તે આ સમયે મુઘલ શાસનની યાદ અપાવે છે. તેમણે કહયું, ‘‘આપણા મંદિરો સળગાવવામાં આવી રહયા છે. તેમને લૂંટવામાં આવી રહયા છે. મહિલાઓ પર અત્યાચાર થઈ રહયો છે. આ બધું જોઈને દરેક હિંદુને ગુસ્સો આવવો જોઈએ. માત્ર આ ઘટનાઓની નિંદા કરવી અને પરેશાન થવું પૂરતું નથી. આપણે માત્ર ગુસ્સો અને દુઃખમાંથી બહાર આવીને આગળ વધવાની જરૂર છે.'
આરએસએસના નેતાએ એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો ઉદ્દેશ્ય હિંદુ સમુદાયને ઉખેડી નાખવાનો છે. તેમણે કહયું, ‘‘માત્ર બાંગ્લાદેશ, પાકિસ્તાન જ નહીં અને બાંગ્લાદેશમાં પણ હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. અમે હિંદુઓ પર અત્યાચાર સહન નહીં કરીએ. જો અમે આના પર કંઈ નહીં કરીએ તો અમારી આવનારી પેઢીઓ અમારા મૌન પર સવાલ ઉઠાવશે.'
તેમણે બાંગ્લાદેશના વચગાળાના નેતા મુહમ્મદ યુનુસ પર પણ નિશાન સાધતા કહયું કે, ‘‘નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાના નેતળત્વમાં દેશમાં શાંતિ ન હોઈ શકે. તે અત્યાચાર રોકવા માટે કંઈ કરી રહ્યો નથી.'
આંબેકરે એમ પણ કહ્યું કે કેટલીક વૈશ્વિક શક્તિઓને ઓળખવાની જરૂર છે, જે બાંગ્લાદેશમાં હિંસા ફેલાવી રહી છે. તેમણે કહયું, ‘‘આપણે તે શક્તિઓને ઓળખવાની અને તેનો પર્દાફાશ કરવાની જરૂર છે અને તેમને કહેવાની જરૂર છે કે આપણા દેશમાં અને અન્ય દેશોમાં હિંદુઓ વિરુદ્ધ આવી ઘટનાઓ બંધ કરો.'ઓક્ટોબર મહિનામાં આરએસએસના વડા મોહન ભાગવતે પણ બાંગ્લાદેશી હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.(૨૩.૨૮)
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
