<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th December 2024

RBIના નવા ગવર્નર સંજય મલ્‍હોત્રાએ આજે ચાર્જ સંભાળ્‍યો

અનેક મહત્‍વના મુદ્દા અંગે નિર્ણય લેવાની શકયતા

નવી દિલ્‍હી, તા.૧૧: એક તરફ મોદી સરકારે રેવન્‍યુ સેક્રેટરી સંજય મલ્‍હોત્રાને રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાના નવા ગવર્નર તરીકે નિયુક્‍ત કર્યા છે. તેઓ RBIના ૨૬મા ગવર્નર છે અને વર્તમાન ગવર્નર શક્‍તિકાંત દાસનું સ્‍થાન લઈ રહ્યા છે. આ સાથે તેઓએ આજે આરબીઆઇના ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્‍યો હતો જ્‍યારે ડો. દાસ આરબીઆઈના ઈતિહાસમાં બીજા સૌથી લાંબા સમય સુધી ગવર્નર રહેશે.

આ સંદર્ભમાં, મહેસૂલ સચિવ સંજય મલ્‍હોત્રાએ કહ્યું કે આજે એટલે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળ્‍યા પછી, તેઓ તમામ દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરશે અને અર્થવ્‍યવસ્‍થા માટે શ્રેષ્ઠ કામ કરશે.

નાણા મંત્રાલયની બહાર પત્રકારોના પ્રશ્‍નોના જવાબ આપતા મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે, ‘કોઈપણ વ્‍યક્‍તિ (આ પદ પર હોય છે) તેણે સેક્‍ટર, તમામ દ્રષ્ટિકોણને સમજવું પડશે અને અર્થતંત્ર માટે જે શ્રેષ્ઠ છે તે કરવું પડશે.'

રાજસ્‍થાનના ૧૯૯૦ બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી મલ્‍હોત્રા પાસે પાવર, ફાઇનાન્‍સ અને ટેક્‍સેશન જેવા ક્ષેત્રોમાં કુશળતા સાથે જાહેર નીતિમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ છે. તેઓ એવા સમયે કેન્‍દ્રીય બેંકનો હવાલો સંભાળવા જઈ રહ્યા છે જ્‍યારે અર્થવ્‍યવસ્‍થા ધીમો વિકાસ દર અને ઉચ્‍ચ ફુગાવાના બે પડકારોનો સામનો કરી રહી છે.

આ પહેલા શક્‍તિકાંત દાસે ફુગાવાને અંકુશમાં લેવા માટે લગભગ બે વર્ષ સુધી માનક વ્‍યાજ દર યથાવત રાખ્‍યા હતા. મલ્‍હોત્રાની ઈમેજ દરેક સાથે કામ કરવાની છે. તેમનું માનવું છે કે એકલા સેન્‍ટ્રલ બેંક દ્વારા કિંમતોનું સંચાલન કરી શકાતું નથી અને આ માટે સરકારી મદદની પણ જરૂર છે. તેઓ એવા સમયે કેન્‍દ્રીય બેંકના ૨૬મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળે છે જ્‍યારે આરબીઆઈ પર આર્થિક વિકાસને ટેકો આપવા માટે મુખ્‍ય વ્‍યાજ દર રેપો રેટમાં ઘટાડો કરવાનું દબાણ છે.

આ સાથે RBI ગવર્નર તરીકે સંજય મલ્‍હોત્રાના કાર્યકાળ દરમિયાન ઘણા મહત્‍વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. આમાં ક્રિપ્‍ટોકરન્‍સી, આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ જેવી ટેક્રોલોજીનો ઉપયોગ, બેન્‍કિંગ સેક્‍ટરમાં મશીન ર્લનિંગ, ડિજિટલ કરન્‍સીના વિસ્‍તરણને લગતા મુદ્દાઓ છે. જો કે, આરબીઆઈએ આ મુદ્દાઓ પર આંતરિક ચર્ચાઓ શરૂ કરી દીધી છે.

(4:35 PM IST)