<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th December 2024

ફુગાવામાં રાહત મળતા શેરબજારમાં બાઉન્સ બેક; સેન્સેક્સમાં 843 પોઇન્ટનો ઉછાળો, ટેકનોલોજી ,IT, FMCG શેરોમાં ખરીદી

ભારતી એરટેલ, ITC, કોટક મહિન્દ્રા બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેકનોલોજી, અને પાવર ગ્રિડના શેરોમાં સૌથી વધારે તેજી

મુંબઈ :સ્થાનિક સ્તરે ફુગાવાના એકંદરે સુધારાજનક ડેટા વચ્ચે ટેલિકોમ્યુનિકેશન, ટેક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં બાર્ગેનિંગ હન્ટીંગની સ્થિતિમાં શુક્રવારે ભારતીય શેરબજારમાં આશરે 843 પોઇન્ટનો બાઉન્સબેક જોવા મળ્યો હતો.

પ્રારંભિક કામકાજ દરમિયાન આવેલા 1,207.14 પોઈન્ટના કડાકાને પચાવી બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ (BSE Benchmark Sensex) 843.16 પોઇન્ટ એટલે કે 1.04 ટકાની તેજી સાથે 82,000ની સપાટી ફરી વખત હાંસલ કરી લીધી હતી અને 82,133.12 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી પણ 219.60 પોઇન્ટ એટલે કે 0.89 ટકા વધી 24,768.30 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં નિફ્ટી એકતબક્કે 367.9 પોઇન્ટ ગગડ્યો હતો.

આ સાથે જ સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 623.07 પોઇન્ટ અથવા 0.76 ટકા અને નિફ્ટી 90.5 પોઇન્ટ અથવા 0.36 ટકા વધ્યા છે.

ભારતીય શેરબજાર નીચે સ્તરેથી મજબૂતપણે રિકવર થયુ હતું અને હેવીવેઈટ શેરોની આગેવાનીમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું.

ફુગાવો નજીવા પ્રમાણમાં ઘટીને આવતા તથા FMCG કંપનીઓમાં તાજેતરમાં વેલ્યુએશનમાં નોંધપાત્ર ઘટાડા બાદ આજે મજબૂત સ્થિતિ જોવા મળી હતી. આ સાથે અમેરિકામાં ખર્ચમાં વધારો થાય અને તેવા આશાવાદ વચ્ચે IT સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી.

સેન્સેક્સમાં બ્લુ-ચીપ પેકમાં ભારતી એરટેલ, ITC, કોટક મહિન્દ્રા બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેકનોલોજી, અને પાવર ગ્રિડના શેરોમાં સૌથી વધારે તેજી જોવા મળી હતી. જોકે ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, JSW સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેરોમાં મંદીમય માહોલ જોવા મળતો હતો.

ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ 2.13 ટકા, ટેકનોલોજી ઈન્ડેક્સ 1.32 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 1.14 ટકા, FMCG 1.07 ટકા, બેન્કેક્સ 0.81 ટકા તથા IT 0.57 ટકા વધ્યા હતા.


 

(9:30 PM IST)